અમદાવાદના આ 81 વર્ષિય વૃદ્ધ છેલ્લા 10 વર્ષથી ટ્રાફિક વિભાગમાં નિ:સ્વાર્થભાવે બજાવી રહ્યા છે સેવા, કમિશનર પણ કરી ચુક્યા છે સન્માન
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી એક વૃદ્ધ ટ્રાફિક વિભાગમાં રોજ નિ:સ્વાર્થભાવે 5 થી 6 કલાક સેવા બજાવે છે અને ટ્રાફિક નિયંત્રણનું કામ કરે છે. યુવાનોને પણ શરમાને તેવી સ્ફુર્તિ ધરાવતા આ વરિષ્ઠ નાગરિક TRB જવાનો સાથે ટ્રાફિક નિયંત્રીત કરવામાં મદદ કરે છે, તેમની આ સેવા બદલ અમદાવાદના પૂર્વ કમિશનર એ.કે.સિંઘ પણ તેમનુ સન્માન કરી ચુક્યા છે.

અમદાવાદ એ સૌથી વધુ વિકસિત શહેર માનવામાં આવે છે કુદકેને ભૂસકે અમદાવાદ શહેર ચારે તરફથી વિકસી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં જૂના રસ્તાઓ તેમના તેમ જ છે. જેની સાપેક્ષમાં શહેરની વસ્તી અને વાહનોની સંખ્યા વધી રહી છે. જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ સૌથી વધુ ઉદભવે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સમસ્યાઓ વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક નિયંત્રણ કરાવવા માટે જાણીતા બન્યા છે.
છેલ્લા 10 વર્ષથી રોજના 5 થી 6 કલાક ટ્રાફિક નિયંત્રણમાં બજાવે છે સેવા
શહેરના ઇસનપુર વિસ્તારમાં 81 વર્ષીય એક વૃદ્ધ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઇસનપુર ચોકડી કે જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે અને ટ્રાફિક ખૂબ જ રહે છે ત્યાં પ્રવિણચંદ્ર વ્યાસ નામના 81 વર્ષીય આ વૃદ્ધ વ્યક્તિ પોતાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે.
નિવૃત્ત જીવન જીવતા પ્રવીણચંદ્ર વ્યાસ ઇસનપુર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સાથે ઉભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરાવતા નજરે પડે છે. આ વૃદ્ધ વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી ટ્રાફિક જવાનો સાથે ઉભા રહીને પોતાની સેવા આપે છે. દરરોજના પાંચથી છ કલાક પ્રવિણચંદ્ર વ્યાસ ઇસનપુર ચાર રસ્તા પાસે ઉભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરે છે. તેમજ લોકોની નાની મોટી સમસ્યાઓનું પણ નિરાકરણ લઈ આવે છે.
ભૂતકાળમાં રિક્ષા ચાલક હોવાથી ટ્રાફિક નિયંત્રણના છે બરાબર પારખુ
81 વર્ષિય પ્રવીણચંદ્ર વ્યાસ પહેલા રીક્ષા ચલાવતા હતા જેથી તેમને શહેરની ભૌગોલિક પરિસ્થિતિનો સંપૂર્ણ રીતે ખ્યાલ છે તેમજ તેઓને ટ્રાફિક સમસ્યાની પણ ખબર રહે છે, જેથી નિવૃત્તિ બાદ તેને ટ્રાફિક સમસ્યામા થોડો સુધારો આવે તેના માટે ટ્રાફિક જવાનો સાથે રહીને ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરવાના પ્રયત્નો નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.
પ્રવીણચંદ્ર વ્યાસ આમ તો 81 વર્ષના છે પરંતુ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ તેનામાં ભરેલી છે જેને કારણે તે સવારે 9 થી 11 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી કે જ્યારે ટ્રાફિક ખૂબ વધુ હોય છે તેવા સમયે તે પોલીસ જવાનો સાથે મળી ટ્રાફિક નિયંત્રણની પ્રવૃતિ કરી રહ્યા છે.
ભૂતપૂર્વ કમિશનર એ.કે. સિંઘ પણ કરી ચુક્યા છે સન્માન
અમદાવાદના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ.કે.સીંગ દ્વારા પણ વૃદ્ધ પ્રવિણચંદ્ર વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં પણ પ્રવિણચંદ્ર વ્યાસને પોલીસ સહાયક તરીકેનું કાર્ડ તેમજ બિરુદ પણ આપવામાં આવેલું છે. વૃદ્ધ પ્રવિણચંદ્ર વ્યાસ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ પરંતુ ટ્રાફિક પોલીસની મદદમાં હર હંમેશ સ્ફૂર્તિથી કામ કરતા જોવા મળે છે. પ્રવીણચંદ્ર વ્યાસ તેમનો મોટાભાગનો સમય ઇસનપુર ચાર રસ્તા પર જ વિતાવે છે. ફક્ત ટ્રાફિકની સમસ્યા નહીં પરંતુ અન્ય લોકોની સમસ્યાઓનો પણ પણ તેઓ શક્ય તેટલી મદદ કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે.
ટ્રાફિક વિભાગમાં સેવા બજાવવા સહિત લોકોની મદદ માટે પણ રહે છે તત્પર
પ્રવીણચંદ્ર વ્યાસ રીક્ષા ચાલકની સાથે સાથે ડેરીમાં પણ નોકરી કરતા હતા. જે બાદ નિવૃત્તિના સમયમાં તેઓએ હવે ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવાના શરૂ કર્યા છે. અમુક સમયે પ્રવીણચંદ્ર વ્યાસના નાના પુત્ર પણ ટ્રાફિક પોલીસની સાથે ઉભા રહીને પોતાની સેવા આપી રહ્યા છે.
મહત્વનું છે કે એક તરફ જ્યારે ટ્રાફિક સમસ્યાઓ વધી રહી છે ત્યારે તેને નિવારવાના ઉપાયો અને લોકોને સરળતા રહે તે માટે વિચારનારા લોકો પણ હવે ઓછા થઈ રહ્યા છે. ત્યારે પ્રવીણચંદ્ર વ્યાસ પોતાની ઈચ્છા શક્તિ દર્શાવી લોકોની મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જે અન્ય યુવાનો અને નિવૃત્ત લોકો માટે એક અનોખું ઉદાહરણ બન્યું છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવિણચંદ્ર વ્યાસની કામગીરીને બિરદાવી રહ્યા છે અને અન્ય લોકોને પણ પોલીસની મદદ કરવા સલાહ આપી રહ્યા છે.