NIRFના પરિણામો બાદ કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ગુજરાત સરકારની શિક્ષણનીતિ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ એનઆઇઆરએફ રેન્કિંગ અંગે કટાક્ષ કરતાં જણાવ્યું કે ગુજરાતની સરકાર વારંવાર શિક્ષણ વ્યવસ્થાના ગાણા ગાય છે, પણ હકીકતમાં શિક્ષણ વ્યવસ્થામાં ચાલતી પોલમ પોલની વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે.
Ahmedabad : ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્કની (National Institution Ranking Framework) યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતની માત્ર બે સંસ્થા ગુજરાત યુનિવર્સિટી અને આઇઆઇટી ગાંધીનગરને ટોપ 100માં સ્થાન મળ્યું છે. જ્યારે મેનેજમેન્ટની ટોપ સંસ્થામાં આઇઆઇએમ અમદાવાદે ફરી એકવાર બાજી મારી છે. NIRFના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ગુજરાત સરકારની શિક્ષણનીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
કેન્દ્ર સરકારનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 2016 થી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન કરીને તેને રેન્કિંગ આપવાનું કામ કરે છે. જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક કહેવામાં આવે છે. જેમાં સમાવેશ માટે જે તે સંસ્થાઓએ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે. આવેલી અરજીઓ આધારે મૂલ્યાંકન બાદ સંસ્થાઓના રેન્ક જાહેર કરવામાં આવે છે.
જાહેર થયેલા રેન્કિંગમાં ફરી એકવાર આઈઆઈએમ અમદાવાદ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમાંકે આવી છે. તો મેડિકલ કોલેજોમાં બીજે મેડિકલ કોલેજ અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ટોપ 100 માં આવી છે. તો રાજ્યની 100 કરતાં પણ વધારે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ 300 કરતાં પણ વધારે કોલેજો પૈકી એક માત્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ 100 માંથી 96માં ક્રમાંકે આવી છે.
શ્રેષ્ઠ શૈક્ષણિક વ્યવસ્થાના દાવા ખોટા: દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ એનઆઇઆરએફ રેન્કિંગ અંગે કટાક્ષ કરતાં જણાવ્યું કે ગુજરાતની સરકાર વારંવાર શિક્ષણ વ્યવસ્થાના ગાણા ગાય છે, પણ હકીકતમાં શિક્ષણ વ્યવસ્થામાં ચાલતી પોલમ પોલની વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. સૌથી વધુ કોલેજો/યુનિવર્સિટીઓ પૈકી એક પણ યુનિવર્સિટી એક થી 50માં ક્રમાંકમાં કેમ નહીં? 50 વર્ષ કરતાં વધુ જૂની સાયન્સ, કોમર્સની પ્રખ્યાત નામાંકિત કોલેજો ભાજપ સરકારની નીતિના કારણે રેન્કિંગમાંથી બહાર ફેંકાઈ છે.
અપૂરતા અધ્યાપકો, લાંબા સમય સુધી શૈક્ષણિક સુવિધા ન આપવાની સરકારની નીતિના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે અને આ ડેટા ખુદ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. મેનેજમેન્ટ સંસ્થાઓ કે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગમાં છે તે તમામ કોંગ્રેસના સમયગાળામાં તૈયાર થયેલી છે. ભાજપે ઉભી કરેલ પ્રાઇવેટ યુનિવર્સીટીઓ રેન્કિંગમાં ક્યાંય નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો