બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ સામે અમદાવાદમાં નીકળી વિશાળ વિરોધ રેલી, હ્યુમન રાઈટ્સ કમિશનનો ઝંડો લઈને ફરતી જમાતોના મૌન સામે ઉઠાવાયા સવાલો
બાંગ્લાદેશમાં જ્યારથી તખ્તાપલટ થયો છે. ત્યાંના હિંદુઓની સ્થિતિ અત્યંત કફોડી અને દયનિય બની ગઈ છે. ફરી એકવાર જાણે 1971ના ઓપરેશન સર્ચલાઈટનું પૂનરાવર્તન થઈ રહ્યુ એ પ્રકારની સ્થિતિ હાલ ત્યાં સર્જાઈ છે. હિંદુઓ પરના આ અત્યાચારોના વિરોધમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હિંદુ હિત રક્ષક સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. લઘુમતી હિંદુઓની કત્લેઆમ સામે કહેવાતી માનવતાવાદી સંસ્થાઓનો ઝંડો લઈને ફરતી એક ચોક્કસ જમાત સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવીને જ્યારથી મોહમ્મદ યુનુસ સત્તા પર આવ્યા છે ત્યા લઘુમતીઓમાં રહેલા હિંદુઓ પરના અત્યાચારો વધી ગયા છે. બાંગ્લાદેશમાં બહુમતીમાં રહેલા મુસ્લિમો લઘુમતી હિંદુઓની હત્યા કરી રહ્યા છે. તેમના પર પાશવી અત્યાચારો ગુજારી રહ્યા છે. આજે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમીત્તે અમદાવાદમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે હિંદુ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા. એલિસબ્રિજના MLA અમિત શાહ, વેજલપુરના MLA અમિત ઠાકર શહેરના મેયર પ્રતિભા જૈન સહિતના આ આક્રોશ રેલીમાં જોડાયા હતા. શહેરના વલ્લભ સદનથી રિવરફ્રન્ટ સુધી વિશાળ માનવસાંકળ રચીને વિરોધ કરવામાં આવ્યો
બાંગ્લાદેશના અસહાય હિંદુઓ માટે વિશ્વ સંગઠિત થાય- અમિત ઠાકર
બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંદુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે અટકાવવા માટે તાત્કાલિક પગલા ભરવાની ધારાસભ્ય અમિત શાહ દ્વારા માગ કરવામાં આવી. તેમણે જણાવ્યુ બાંગ્લાદેશના અસહાય હિંદુઓ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોરવા માટે અને બહુમતીઓ દ્વારા થઈ રહેલી તેમની પ્રતાડના રોકવા માટે વિરોધ રેલી આયોજિત કરાઈ છે. તેમણે કહ્યુ કે ભારતમાં લઘુમતીઓ જે પ્રકારે સલામત છે એ જ પ્રકારે બાંગ્લાદેશના હિંદુઓની પણ સલામતી સુનિશ્ચિત થવી જોઈએ.
શું બાંગ્લાદેશમાં વસતા હિંદુઓના માનવ અધિકારો નથી?
ધારાસભ્ય અમિત ઠાકરે હ્યુમન રાઈટ્સ કમિશનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા અને ચોક્કસ લોકો પુરતી સિમિત હોવાનું જણાવ્યુ. તેમણે કહ્યુ જે દેશમાં સાત-સાત પેઢીઓથી વસતા હિંદુઓ પર તલવારોથી હિંસક હુમલા કરવામાં આવી રહ્યા છે, દીકરીઓ પર ખુલ્લી સડકો પર પાશવી બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે, રાત્રિના અંધકારમાં હજારો કટ્ટરવાદીઓના ધાડા દ્વારા હિંદુઓના ઘરોને લૂંટવામાં આવી રહ્યા છે. મંદિરોને તોડવામાં આવી રહ્યા છે. ધર્માચાર્યોને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે. ત્યારે કેમ કોઈ માનવ અધિકારોનો ઝંડો લઈને ફરતી જમાતો અવાજ નથી ઉઠાવતી?
હ્યુમન રાઈટ્સનો ઝંડો લઈને ફરતી જમાતો હિંદુઓ પરના હુમલાઓ સામે કેમ મૌન?
ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ સમયે પેલેસ્ટાઈનના મુસ્લિમો માટે છાતી પીટીપીટીને છાજિયા લેનારી માનવતાવાદી જમાતો બાંગ્લાદેશી હિંદુઓ પરના હુમલાઓ પ્રત્યે કેમ આંખ આડા કાન કરી રહી છે? અમિત ઠાકરે સવાલ ઉઠાવ્યો કે જે જમાત કોઈ નાનકડી ઘટના માટે માનવ અધિકારોની વાત કરવા માટે વિશ્વના તમામ શહેરોમાં ટ્રાફિકજામ કરીને ઉતરી પડે છે, એ આટલા મોટા પાયે થઈ રહેલા હિંદુઓના નરસંહાર મામલે કેમ મૌન છે? શું બાંગ્લાદેશી હિંદુઓના કોઈ માનવ અધિકારો નથી?
પેલેસ્ટાઈનના મુસ્લિમોની ચિંતા કરતી જમાતો અત્યારે ક્યાં ગઈ ?
વિશ્વ માનવ દિવસ નિમીત્તે માનવસાંકળ રચીને બાંગ્લાદેશમાં હિંદુઓના નરસંહાર સામે આક્રોશ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો. રક્ષા કરોના નારા સાથે વિશ્વના સો કોલ્ડ હ્યુમન રાઈટ્સ કમિશન સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. પેલેસ્ટાઈનના મુસ્લિમોની ચિંતા કરતી કેટલીક જમાતો આજે હિંદુઓના અત્યાચારો સામે હરફ સુધ્ધા ઉચ્ચારી નથી રહી તેની સામે પણ આ વિરોધ રેલી દ્વારા પ્રહાર કરવામાં આવ્યો.
છેલ્લા 77 વર્ષમાં બાંગ્લાદેશમાં 22 કરોડ હિંદુઓમાં માત્ર 8.5 કરોડ બચ્યા
હાલ બાંગ્લાદેશમાં હિંદુઓ અત્યંત દયનિય અને અસહાય સ્થિતિમાં છે. જીવ બચાવવા માટે ત્યાંના હિંદુઓ દેશ છોડી રહ્યા છે અને જે દેશ છોડવાની સ્થિતિમાં નથી તેઓ મજબુરીથી જીવવા માટે બહુમતીઓના ઘૂંટણિયે પડવા મજબુર બન્યા છે. તેમને ધર્મપરિવર્તન કરવા માટે મજબુર કરાઈ રહ્યા છે. જો આમ ન કરે તો નિર્મમ રીતે કત્લેઆમ કરાઈ રહી છે. સ્થિતિ એટલી હદ્દે બદ્દતર બની છે કે વર્ષ 1947માં બાંગ્લાદેશમાં 22 ટકા હિંદુઓ હતા જે આજે ઘટીને માત્ર 8.5 ટકા થઈ ગયા છે. અત્યારે બાંગ્લાદેશની 17.35 કરોડની વસતી સામે માત્ર 1.30 કરોડ હિંદુઓ છે. આઝાદી પછીના 77 વર્ષમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ત્રીજા ભાગનું થઈ ગયુ છે.
કટ્ટરવાદીઓને પોષી રહી છે નોબેલ પ્રાઈઝ વિજેતા યુનુસ સરકાર
જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને વર્ષ 2006નું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યુ એ જ યુનુસની સરકાર કટ્ટરવાદીઓને હિંદુઓની હત્યા માટે પોષી રહી છે. નોબેલ પ્રાઈઝ વિજેતા મોહમ્મદ યુનુસની સરકાર બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુઓ પરના હુમલાઓ અને કત્લેઆમો સામે આંખ આડા કાન કરી રહી છે. તેમજ હિંદુઓની સુરક્ષા સામે લડનારા નેતાઓ અને ધર્માચાર્યોને ખોટા કેસ કરીને જેલમાં ધકેલી રહી છે.