અમદાવાદ મહાનગરપાલિકાના નાકની નીચે એક અધિકારી રોજ લાખો -કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, તોડબાજી કરે છે અને મનપાના અધિકારીઓને તેની જાણકારી નથી હોતી. આ પણ એક વિચારવા જેવી બાબત છે. અમદાવાદ મનપાનો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેનો સાથી એન્જિનિયર TDR સર્ટિફિકેટ માટે 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ લાંચિયો અધિકારી હર્ષદ ભોજક અને તેનો સાગરીત એન્જિનિયર વિરાટનગર સ્થિત ઓફિસમાં કામ કરે છે અને આ જ ઓફિસમાં બેસી તોડબાજ ATDO હર્ષદ ભોજકે ફરિયાદી પાસેથી વારસાઈમાં મળેલી જમીનના TDR સર્ટિફિકેટ પેટે 50 લાખની લાંચ માગી હતી, જેમાં રકઝકને અંતે સમગ્ર સોદો 20 લાખમાં કરવાનું નક્કી થયુ હતુ. એ જ ઓફિસમાં ACBના હાથે બંને તોડબાજો લાંચ લેતા ઝડપાયા છે અને નવાઈની વાત એ છે કે આજ સુધી તેમના આ કાળા કારોબારની તેમની આ બેનામી કમાણી અંગે AMCના અધિકારીઓ કંઈ જાણતા ન હતા. વાત પાણી પીને ધક્કો મારીએ તો પણ ગળે ઉતરે તેવી લાગતી નથી.
આ તોડબાજ અધિકારીના સમગ્ર લાંચકાંડનો પર્દાફાશ થયા બાદ તેના ઘરે પણ જડતી તપાસ કરવામાં આવી. જેમા 73 લાખની રોકડ (બેનામી જ તો!) અને 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. કૂલ મળીને 77 લાખની મત્તા ACB દ્વારા જપ્ત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ તોડબાજ ભોજક જે ઓફિસમાં બેસે છે તે ઓફિસની બહાર જ દીવાલ પર ACBનું બોર્ડ લાગેલુ છે. છતા આ અધિકારી બેરોકટોક કોઈની શેહશરમ કે ડર વિના નર્યો ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. હાલ આ બંને આરોપીને ACB દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ACBએ તેમના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જે બાદ કોર્ટે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હર્ષદ ભોજક અગાઉથી જ ભ્રષ્ટાચારમાં પંકાયેલો હોવાનું સામે આવ્યું છે. ACBની કાર્યવાહી બાદ AMCએ પણ લાંચિયા અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ત્વરીત અસરથી AMCએ હર્ષદ ભોજકને ફરજ મોકુફ કર્યો છે. તેના બે પગાર વધારા પણ રદ કરાયા છે. સાથે જ હવે ભોજકને માત્ર 4 મહિનાનો અડધો જ પગાર મળશે તેમ AMCના અધિકારીઓ જણાવી રહ્યા છે.
હજુ તોડબાજ ભોજકના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. સાથે તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે. તોડબાજ હર્ષદ ભોજકના સસ્પેન્શનને લઈને પણ કોર્પોરેશને મોડે મોડે કાર્યવાહી કરી છે. જે બાદ હવે વિભાગીય તપાસ કરવામાં આવશે. જેમા તેના સહકર્મીઓ સહિત સાથે કામ કરતા અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવશે. આ સિવાય પણ અન્ય કોઈ બાબતો સામે આવે છે તેમજ વિભાગીય કાર્યવાહી દરમિયાન તેની સામે ક્યા પગલા લેવાય છે તે પણ જરૂરી છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ પણ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓને હજુ પણ કોઈનો ડર રહ્યો નથી અને આથી જ અધિકારીઓ મનફાવે તેમ બેફામ રીતે રૂપિયા લે છે અને બેફામ રીતે પ્લાન પાસ કરાવી દે છે અને બેફામ રીતે લોકોની મજબુરીનો ફાયદો આવા અધિકારીઓ ઉઠાવે છે અને આખેઆખી સિસ્ટમને ખોરવવાનું કામ કરે છે. નર્યા ભ્રષ્ટાચારમાં લિપ્ત આવા લાંચિયા અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થશે તો જ સમગ્ર સિસ્ટમમાં વ્યાપેલો સડો દૂર થશે. આવા લાંચિયા અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે જેથી કરીને અન્ય અધિકારીઓમાં પણ ડર બેસે અને ભ્રષ્ટાચાર કરતા 100વાર વિચારે જેથી કરીને બીજા ભોજક કે સાગઠિયા પેદા ન થાય.
Published On - 5:00 pm, Fri, 2 August 24