AHMEDABAD : શહેરમાં પીરાણા ડમ્પિંગ સાઈટ જે વર્ષો જુની સાઈટ છે, તેમજ સમસુએ પણ વર્ષો જૂની છે. કેમ કે લાખો ટન કચરો ત્યાં ખડકાયો છે. જેને કારણે સ્થાનિક વિસ્તારને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જે સાઈટ દૂર કરવા માટે વિપક્ષ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યાં હતા. ત્યારે હવે પીરાણા ડમ્પિંગ સાઈટને લઈને સારા સમાચાર આવ્યા છે. પીરાણા ડમ્પિંગ સાઈટની કાયાપલટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં પીરાણા ડંપિંગ સાઈટ પર 1 હજાર વૃક્ષો વાવવામાં આવશે. જેની તૈયારી પણ પુરજોશ ચાલી રહી છે.
1 હજાર વૃક્ષો વાવવાના કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે હાલમાં પીરાણા ડંપિંગ સાઈટ ખાતે માટી અને ખાતર નાખી જમીન સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે જ વૃક્ષોના રોપા પણ પીરાણા સાઈટ પર મંગાવી લેવામાં આવ્યા છે. જે વૃક્ષોનું મુખ્યપ્રધાનના હસ્તે થોડા દિવસમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઈટ વર્ષો જૂની છે અને તેની સમસ્યા વર્ષો જૂની છે. જેના કારણે સ્થાનિકોને શ્વાસ, ચામડીના રોગ સહિત બીમારી ફાટી નીકળી છે, અને તેમાં પણ ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારની હાલત નરકાગાર સમાન બની જાય છે. જે સમસ્યા દૂર કરવા પૂર્વ વિપક્ષ નેતા બદરૂદીન શેખ તેમજ સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યાં હતા. કેમ કે માનવામાં આવી રહ્યું છે કે તે સાઈટથી બીમારીઓ સાથે લોકોનું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીરાણા ડમ્પિંગ સાઈટ પર ગ્રીન કવર બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે તે થઈ શક્યું ન હતું. ત્યારે આ તમામ સમસ્યા વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી કચરાના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મશીનરીની પણ મદદ લેવામાં આવી. આ કામગીરીમાં અત્યાર સુધી 40 લાખ મેટ્રિક ટન ઉપર કચરો ખાલી કરી 24 એકર જમીન ખાલી કરવામાં આવી છે. તો હજુ પણ કચરનો નિકાલ અને પ્રોસેસની કામગીરી ચાલુ છે.
પીરાણા ડમ્પિંગ સાઈટ પર 24 એકર જમીન ખાલી થતા આ જમીન પર વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે હાલ પુરજોશ તૈયારી શરૂ કરી દેવાઇ છે. જોકે હજુ પણ પીરાણા ડમ્પિંગ સાઈટ પર લાખો ટન કચરો છે. જે કચરો 2022 સુધીમાં ખાલી કરવાનું નક્કી કરાયું હતું. જોકે જે પ્રકારે કામગીરી ચાલી રહી છે. તેને જોતા તેમાં વધુ સમય લાગી શકે તેમ સ્થાનિકોના આક્ષેપ છે. ત્યારે હાલમાં ભલે AMC તંત્ર આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યું હોય. પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પીરાણા ડમ્પિંગ સાઈટ સંપૂર્ણ રીતે ક્યારે દૂર થશે.
આ પણ વાંચો : AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાને કારણે દર્દીઓની પીડા ઓછી થવાને બદલે વધી