Panchayat 4: પંચાયતમાં ગોપી બહુ ! મેકર્સે સીઝન 4 રિલીઝ માટેની જાહેર કરી તારીખ
Panchayat 4 Release Date: છેલ્લી ત્રણ સીઝનમાં દર્શકોનું મનોરંજન કરનારી વેબ સિરીઝ પંચાયતનો આગામી ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ પંચાયત 4 ની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ વખતે એ જોવું રસપ્રદ રહેશે કે આ છેલ્લી સીઝન હશે કે વેબ સિરીઝના બીજા નવા એપિસોડ નવી સીઝન રૂપે લાવવામાં આવશે.

ટીવીએફ અને એમેઝોન પ્રાઇમની, મનોરંજન શ્રેણી પંચાયતના ચાહકોની સંખ્યા અગણિત છે. આ શો હવે ફક્ત એક શો નથી રહ્યો પણ એક લોક લાગણી બની ગયો છે. ફક્ત લોકપ્રિય મીમ કન્ટેન્ટ જ નહીં, પરંતુ પંચાયતના પાત્રોએ આપણને હસાવ્યા છે, રડાવ્યા છે અને ખૂબ પ્રેમથી જીવનની ફિલોસોફી પણ શીખવી છે. લોકોને આ શ્રેણીની ત્રીજી સીઝન એટલી બધી ગમી કે, તેઓ આજ સુધી તેમાંથી બહાર નીકળી શક્યા નથી. હવે પંચાયતના ચાહકોને શ્રેણીના પાંચ વર્ષ પૂર્ણ થવા પર વધુ એક મોટી ભેટ મળી છે.
પંચાયતના નિર્માતાઓએ તેની સીઝન 4 ની જાહેરાત ખૂબ જ ખાસ રીતે કરી છે. ચાહકો સીઝન 3 થી તેની આગામી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેથી આ વખતે નિર્માતાઓએ ચાહકોની રાહનો અંત લાવ્યો છે અને આગામી સીઝનની રિલીઝ તારીખ જાહેર કરી છે, અને વચન પણ આપ્યું છે કે આ વખતે ‘પંચાયત 4’ માં વધુ નાટક, હાસ્ય અને ભાવનાત્મક ક્ષણો હશે.
આ દિવસે શ્રેણી આવશે
શ્રેણીના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે નિર્માતાઓએ એક ખૂબ જ રમુજી વીડિઓ શેર કર્યો. આ વીડિયોમાં, અભિનેતા જીતેન્દ્ર કુમાર કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે જોવા મળે છે. તેની સાથેસાથે ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી બહુ પણ જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તે પંચાયત 4 ની રિલીઝ તારીખ (Panchayat 4 Release Date) વિશે જણાવે છે. આ શ્રેણી 2 જુલાઈના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.
View this post on Instagram
પંચાયત 4 ના સ્ટાર્સ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનીતા રાજવર અને પંકજ ઝા મુખ્ય ભૂમિકામાં છે. લોકોને આ બધા પાત્રો ખૂબ ગમે છે અને આ પાત્રોના સંવાદો દરેકના હોઠ પર મોઢે થઈ ગયા છે. તેનું નિર્માણ ‘ધ વાયરલ ફીવર (ટીવીએફ)’ દ્વારા કરવામાં આવ્યું છે. ચંદન કુમારે તેની વાર્તા લખી છે અને દીપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીયએ તેનું દિગ્દર્શન કર્યું છે.
શું ફુલેરાની સ્ટોરી આગળ વધશે?
ગયા વર્ષની પંચાયત સીઝન 3 ના અંતે, એવું બતાવવામાં આવ્યું હતું કે, ફુલેરાના પૂર્વ સરપંચ એટલે કે સરપંચના પતિ (રઘુવીર યાદવ) ને ગોળી વાગી જાય છે, જેનો દોષ ધારાસભ્ય (પંકજ ઝા) ના ગુંડાઓ પર જાય છે, ત્યારબાદ ધારાસભ્યના લોકો અને સચિવ (જિતેન્દ્ર કુમાર) ના સહયોગીઓ વચ્ચે ઉગ્ર લડાઈ થાય છે. આ પરાકાષ્ઠા અદભુત હતી. બાદમાં ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગોળી ચલાવી નથી. આવી સ્થિતિમાં, ખરેખર ગોળી કોણે ચલાવી હતી તે પંચાયત સીઝન 4 માં જાણી શકાશે. ઉપરાંત, ફુલેરાના સચિવ અને રિંકીની પ્રેમકથા અહીં આગળ વધતી જોવા પણ મળશે.
વેબ સિરીઝને લગતા તમામ નાના મોટા સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.