‘રામાયણ’ બાદ હવે મોટા પડદા પર આવશે ‘શ્રીમદ્ ભાગવતમ્’, રામાનંદ સાગરના પૌત્રોની મોટી જાહેરાત
'રામાયણ'ના સર્જક રામાનંદ સાગરના પૌત્રો આકાશ સાગર અને અમૃત સાગરે 'શ્રીમદ્ ભાગવતમ્' પર આધારિત 7 ભાગની ભવ્ય ફિલ્મ સિરીઝની જાહેરાત કરી છે. આ મેગા પ્રોજેક્ટમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સહિત અનેક પૌરાણિક કથાઓને આધુનિક ટેક્નોલોજી સાથે મોટા પડદા પર રજૂ કરવામાં આવશે.

પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની વારસાગાથાને આગળ વધારતા તેમના પૌત્રો આકાશ સાગર ચોપરા અને અમૃત સાગર ચોપરાએ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ‘સાગર પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા ‘શ્રીમદ્ ભાગવતમ્’ પર આધારિત સાત ભાગની ભવ્ય ફિલ્મ સિરીઝ બનાવવામાં આવશે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓના જણાવ્યા મુજબ, ભારતીય આધ્યાત્મિક અને પૌરાણિક વારસાને આધુનિક ટેક્નોલોજી તથા વૈશ્વિક સ્તરની સ્ટોરીટેલિંગ સાથે વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
આ પ્રોજેક્ટનું નિર્માણ અમૃત સાગર ચોપરા અને આકાશ સાગર ચોપરા કરી રહ્યા છે. તેઓ જ ફિલ્મના પ્રથમ ભાગનું દિગ્દર્શન પણ સંભાળશે. આધ્યાત્મિક ગુરુ શ્રી એમ આ ફિલ્મ માટે સંશોધન માર્ગદર્શન આપી રહ્યા છે, જ્યારે 1987ની ઐતિહાસિક ‘રામાયણ’ શ્રેણીના સહ-નિર્દેશક ‘મોતી સાગર’ આ પ્રોજેક્ટના મેન્ટર તરીકે જોડાયા છે.
ભગવાન શ્રીકૃષ્ણથી લઈને વિષ્ણુના અવતારો સુધીની ગાથા
નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ‘શ્રીમદ્ ભાગવતમ્’માં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણ અને કિશોરાવસ્થાના પ્રસંગો, બ્રજની લીલાઓ, રાસલીલા અને ગોપીગીતનું વિશાળ કાયમી દૃશ્યરૂપ રજૂ કરવામાં આવશે. ઉપરાંત મત્સ્ય, વરાહ અને નરસિંહ જેવા ભગવાન વિષ્ણુના અવતારો, સમુદ્ર મંથન, સૂર્યવંશ અને ચંદ્રવંશની સ્થાપના તેમજ ધ્રુવ, ભરત, પૃથુ અને કપિલ જેવા પૌરાણિક પાત્રોની પ્રેરણાદાયી કથાઓ પણ ફિલ્મમાં જોવા મળશે.
રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થયું શૂટિંગ
આ મેગા પ્રોજેક્ટના પ્રથમ ભાગનું શૂટિંગ હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની ભવ્યતા આપવા માટે હોલીવૂડના નિષ્ણાતોને પણ જોડવામાં આવ્યા છે. સિનેમેટોગ્રાફીનું કામ જોઅલ શેફર સંભાળી રહ્યા છે, જ્યારે અનેક ઓસ્કાર વિજેતા ફિલ્મો સાથે કામ કરી ચૂકેલા ક્લાઇડ એડવર્ડ્સ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે.
ફિલ્મના ટાઇટલની જાહેરાત બાદ હવે આગામી મહિનાઓમાં તેના પ્રથમ ભાગની સ્ટારકાસ્ટ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.

