સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાન બાદ બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને પણ એક અનામી લેટર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવે છે, સ્વરા ભાસ્કરના ઘર પર સ્પીડપોસ્ટ દ્વારા આ લેટર મોકલવામાં આવ્યો છે. સ્વરા ભાસ્કરને (Swara Bhasker) મળેલો આ લેટર હિન્દીમાં લખેલો છે. આ લેટર દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીર સાવરકરનું અપમાન કરવાને કારણે સ્વરાને આ લેટર મોકલવામાં આવ્યો છે અને લેટરમાં અપશબ્દો કહ્યા છે.
આ ડેથ થ્રેટ ભર્યો લેટર મળ્યા પછી હવે એક્ટ્રેસે વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. મુંબઈ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર બેસ્ટ અને પ્રતિભાશાળી એક્ટ્રેસમાંથી એક છે.
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને આ વિશે વાતચીત કરતા કહ્યું કે લેટરમાં છેલ્લે આ દેશના નૌજવાનના નામથી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સ્વરાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે અમે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે.
સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ટ્વીટર એકાઉન્ટથી હંમેશા તે સામાજિક-રાજનીતિક મુદ્દાઓ વિશે વાત કરતી જોવા મળી છે. 2017માં તેણે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે “સાવરકરે બ્રિટિશ સરકારની માફી માંગી.” જેલમાંથી બહાર આવવાની વિનંતી કરી. તે ચોક્કસપણે ‘વીર’ નથી.
ગઈકાલે રાત્રે સ્વરા ભાસ્કરે ઉદયપુરની ઘટનાની નિંદા કરવા ટ્વિટરનો સહારો લીધો છે. તેણે લખ્યું કે, “આ એક ઘૃણાસ્પદ અને સંપૂર્ણ રીતે નિંદનીય ઘટના છે, ગુનેગારોને કાયદા મુજબ તાત્કાલિક અને કડક સજા થવી જોઈએ. આ તદ્દન અયોગ્ય છે. જેમ કે ઘણીવાર કહેવામાં આવે છે, જો તમે તમારા ભગવાનના નામ પર મારવા માંગતા હોવ તો પોતાનાથી શરૂ કરો.