જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો અપાશે દરજ્જો, પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે સત્તા માટે અહીં કલમ 370ની દીવાલ ઊભી કરી હતી. અમે દિવાલ 370 તોડી નાખી. 370નો કાટમાળ પણ અમે જમીનમાં દાટી દીધો છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીને લઈને જાહેરસભાને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં 60 વર્ષ જૂની સમસ્યાઓનું સમાધાન કર્યું છે. અમારી સરકારે પડકારોને પડકાર્યા છે.
10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર બદલાયું
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે અહીંના લોકોના મન બદલાયા છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, ગોળીબાર…આ હવે ચૂંટણીના મુદ્દા નથી રહ્યા. અગાઉ માતા વૈષ્ણો દેવીની યાત્રા હોય કે અમરનાથ યાત્રા હોય, તેને સુરક્ષિત રીતે કેવી રીતે ચલાવવી તેની ચિંતા હતી. પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે. કોંગ્રેસે કલમ 370ને લઈને ભ્રમ ઉભો કર્યો હતો. કલમ 370ના સમર્થકોને જમ્મુ-કાશ્મીરની જનતાએ નકારી કાઢ્યા.
જૂની શાસક પેઢીઓથી J-K ને મુક્ત કરાવ્યું
પીએમ મોદીએ કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વાસ પણ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર સાંસદોને પસંદ કરવા માટે નથી, પરંતુ આ ચૂંટણી દેશમાં મજબૂત સરકાર બનાવવા માટેની છે. મજબૂત સરકાર દ્વારા પડકારોને દૂર કરવામાં આવે છે. મજબૂત સરકાર કામગીરી દર્શાવે છે. અમારી સરકારે પડકારોને પડકાર્યા છે. અમે J-K ને વર્ષો જૂની એકની એક-બે શાસક પેઢીઓથી મુક્ત કરાવ્યું છે.
કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના પરિવારની પાર્ટી
વડાપ્રધાને કહ્યું કે, મોદી વિકસિત ભારત માટે વિકસિત જમ્મુ અને કાશ્મીરના નિર્માણની ખાતરી આપી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જમ્મુ-કાશ્મીરને તે જૂના દિવસોમાં પાછા લઈ જવા માંગે છે. જમ્મુ-કાશ્મીરને આ પરિવાર દ્વારા ચલાવવામાં આવતી પાર્ટીઓ જેટલું નુકસાન કોઈએ કર્યું નથી. આ લોકો ભ્રષ્ટ છે.