Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, 15,670 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi) આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ પણ આપશે.
વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. વડાપ્રધાન આજે સવારે 9.30 કલાકે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ સીધા જ ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં ડિફેન્સ એક્સ પોની શરૂઆત કરાવશે. બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો વિધિવત પ્રારંભ તથા ખાતમુહૂર્ત કરાવશે. આ પ્રસંગે રાજ્યભરની શાળાઓમાંથી 20,000થી વધુની સંખ્યામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટ અને જુનાગઢમાં જનસભાને સંબોધશે
PM મોદી બપોરે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને જૂનાગઢ જશે. બપોરે 3.15 કલાકે જૂનાગઢમાં (Junagadh) વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. જૂનાગઢમાં જંગી સભાને સંબોધશે. સાંજે 6 વાગ્યે રાજકોટમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે.બીજી તરફ 20 ઓક્ટોબરે વડાપ્રધાન સવારે 9:45 કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું (Mission Life) લોકાર્પણ કરવામાં આવશે. અને બપોરે 12 કલાકે વડાપ્રધાન કેવડિયામાં 10 મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 3: 45 કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે.
દક્ષિણ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે
તમને જણાવી દઈએ કે, PM મોદી દક્ષિણ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. તાપી, સુરત અને નર્મદામાં અનેક પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું PMના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે .પાણી પુરવઠા અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના હજારો કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી જનતાની સુખાકારી વધશે. આ સાથે PM મોદીના હસ્તે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Satue of unity) જોડતા માર્ગના પ્રથમ તબક્કાની કામગીરી પણ શરૂ કરાશે. આ માર્ગથી પ્રવાસન ક્ષેત્રને આવનારા સમયમાં મોટો ફાયદો થશે.