Gujarat Election 2022: ચૂંટણી જીતવા ભાજપે લગાવ્યુ જાતિગત સમીકરણ, જાણો કયા સમાજને કેટલી સીટ ફાળવાઈ
ગુજરાતમાં ભાષાકીય લઘુમતી ધરાવતા વર્ગોને પ્રતિનિધિત્વ આપવામાં ભાજપે (BJP) આ વખતે સુરત અને વડોદરાથી એક એક એમ બે મરાઠી મૂળના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે અમદાવાદમાં એક સિંધી અને એક હિન્દીભાષીને પણ ટિકિટ ફાળવી છે. ભાજપે પહેલીવાર એક સાધુને અર્થાત જંબુસર મતક્ષેત્રમાં ડૉ.કે.સ્વામીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ચૂંટણી જીતવા રાજકીય પક્ષો અનેક રણનીતિ અપનાવતા હોય છે. જેમાં જાતિ-જ્ઞાતિના સમીકરણો, વિકાસના મુદ્દાઓ, ઉમેદવારો જેવા અનેક પાસાઓ મહત્વના હોય છે. દરેક ચૂંટણીમાં અલગ ગણિત અને અલગ વ્યુહરચના બનાવવી પડતી હોય છે. પરંતુ એમાં જ્ઞાતિનું ગણિત તમામ રાજકીય પક્ષો માટે મહત્વનું હોય છે. જોકે ભાજપે આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા, આપને નબળું પાડવા અને પોતાના પક્ષને વધુ મજબૂત કરવા કયો દાવ લગાવ્યો છે એ જાણવું ખરેખર રસપ્રદ છે.
ભાજપની વાત કરવામાં આવે તો ચૂંટણી મેદાનમાં ભાજપે આ વખતે જાતિગત સમીકરણોને કંઈક આ રીતે ધ્યાનમાં લીધા છે. 182 બેઠકોમાં સૌથી વધુ 59 મતક્ષેત્રોમાં બક્ષીપંચ OBC હેઠળના જ્ઞાતિ સમુહોના ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે 45 પાટીદારોને ટિકિટ આપી છે. 4 અનાવિલ સાથે 14 બાહ્મણ અને 13 ક્ષત્રિય ઉમેદવારો સાથે ચૂંટણી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ચૂંટણીમાં પહેલીવાર ભાજપે એક સાથે કુલ પાંચ વણિકો પૈકી ચાર જૈનોને ટિકિટ ફાળવી છે.
વિધાનસભામાં 182 પૈકી 13 બેઠકો અનુસૂચિત જાતિ- SC અને 27 મતક્ષેત્રો અનુસૂચિત જનજાતિ- ST માટે અનામત છે. એટલે કુલ 40 બેઠકો ઉપર બંધારણીય જોગવાઈ મુજબ આ બંને વર્ગોમાંથી જ ઉમેદવાર પસંદ કરવાના થાય છે. ભાજપે 14મી વિધાનસભામાં વર્તમાન 112 ધારાસભ્યો પૈકી 45ની ટિકિટ કાપી છે, તેમને 15મી વિધાનસભાની ચૂંટણી માટે રિપિટ કરવાનું ટાળ્યું છે. જાણો બાકીનું ગણિત શું છે.
ગુજરાત ઇલેકશન 2022 : 59 બેઠક પર OBCને ટિકિટ
- ઠાકોર -20
- પંચાલ- 01
- કોળી -17
- મોદી- 01
- આહિર- 05
- સતવારા- 01
- કારડિયા -03
- માળી -01
- ચૌધરી -03
- મહેર -02
- ખારવા -01
- વાઘેર -01
- રાણાગોલા- 01
ગુજરાત ઇલેકશન 2022 : પાટીદાર સમાજને ટિકિટ
- કડવા પટેલ- 20
- લેઉવા પટેલ -25
ગુજરાત ઇલેકશન 2022 : 40 અનામત બેઠક
- અનુસૂચિત જાતિ (SC)- 13
- અનુસૂચિત જનજાતિ(ST)- 27
ગુજરાત ઇલેકશન 2022 : પાંચ અન્ય સમૂહ
- સિંધી- 01
- મરાઠી -02
- બિન ગુજરાતી- 01
- લોહાણા- 01
- સાધુસંત- 01
ગુજરાતમાં ભાષાકીય લઘુમતી ધરાવતા વર્ગોને પ્રતિનિધિત્વ આપવામાં ભાજપે આ વખતે સુરત અને વડોદરાથી એક એક એમ બે મરાઠી મૂળના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે અમદાવાદમાં એક સિંધી અને એક હિન્દીભાષીને પણ ટિકિટ ફાળવી છે. ભાજપે પહેલીવાર એક સાધુને અર્થાત જંબુસર મતક્ષેત્રમાં ડૉ.કે.સ્વામીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ બધામાં સૌથી આશ્ચર્યજનક વાત જો કોઈ હોય તો પાલિકા- પંચાયતોમાં મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત રાખવાના નિર્ણયનો દેશમાં સર્વપ્રથમ અમલ કરનાર ભાજપે વિધાનસભામાં માંડ 8.09 ટકા મહિલાઓને જ ટિકિટ ફાળવી છે. 182માંથી માત્ર 19 બેઠકો પર જ મહિલાને ટિકિટ આપી છે.
જોકે આ બધી જ છણાવટની સાથે નોંધવા જેવી વાત એ છે કે OBC વર્ગના જ્ઞાતિ-સમાજોમાં પોતાના મુળિયા મજબૂત કરવા ઠાકોર સમાજના 20 ઉમેદવારો પૈકી 12 ઉત્તર ગુજરાત, આઠ બેઠકો મધ્ય ગુજરાતમાં ફાળવી છે. ખેડા, આણંદ, પંચમહાલ જિલ્લામાં બારૈયા ઠાકોર વર્ગના સૌથી વધુ મતદારો છે. આ ક્ષેત્ર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે.