GUJARAT : સરકારી શાળાનું વધતું મહત્વ, આ વર્ષે 61,000 જેટલા બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
સ્કૂલ બોર્ડ ચેરમેન કહે છે કે તેની પાછળ કોરોના માત્ર કારણ નથી, પરંતુ તે પહેલાથી સરકારી શાળામાં એડમિશનની સંખ્યા વધી છે.જેની પાછળ સ્માર્ટ સરકારી શાળા, વિદ્વાન શિક્ષકો અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ કારણભૂત છે.
GUJARAT : રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકોના નાકનું ટીચકું ચઢી જતું.જોકે બદલાતા સમય સાથે સ્થિતિએ એવો પલટો માર્યો છે કે આ વર્ષે 61,000 જેટલા બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
61 હજાર બાળકો સરકારી શાળા તરફ વળ્યા અમદાવાદમાં ખાનગી શાળામાંથી 4500 જેટલા બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીધું છે, તો રાજ્યભરમાં 61 હજાર બાળકો ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળ્યાં છે. સામાન્ય રીતે આવું બહું ઓછું બનતું હોય છે. ખાનગી શાળાઓની ઝાકઝમાળ અને મોંઘીદાટ ફીમાં જ બાળકો સારો અભ્યાસ કરી શકે છે એવી માન્યતા છે પરંતુ ધીમે ધીમે એ ઓછી થઈ રહી છે.
ક્યાં વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ વધ્યા? કોરોનાકાળ દરમિયાન લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા પણ અનેક લોકોએ ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળવાનું પસંદ કર્યું છે. પણ કોરોના પહેલા પણ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશના આંકડા ઉત્તરોત્તર વધતા જઈ રહ્યાં હતા. 2014માં 45 હજાર બાળકો હતા, 2015માં 4 હજાર વધીને 49 હજાર થયા, 2016 માં 59 હજારથી વધારે સંખ્યા થઈ,2017 માં 51 હજાર બાળકો સરકારી શાળામાં પ્રવેશ લીધો, 2018 અને 2019માં આંકડો 50 હજાર પર પહોંચ્યો અને હવે આ આંકડો 61 હજાર પર પહોચ્યો છે.
સરકારી શાળામાં એડમીશન વધવાના કારણો રાજ્યમાં 2014 ના ત્રણ વર્ષ બાદ સંખ્યા ઘટી પરંતુ ત્યાર બાદ ઉછાળા સાથે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશનો આંક 61 હજાર પર પહોંચ્યો છે. સ્કૂલ બોર્ડ ચેરમેન કહે છે કે તેની પાછળ કોરોના માત્ર કારણ નથી, પરંતુ તે પહેલાથી સરકારી શાળામાં એડમિશનની સંખ્યા વધી છે.જેની પાછળ સ્માર્ટ સરકારી શાળા, વિદ્વાન શિક્ષકો અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ કારણભૂત છે.હવે વાલીઓને પણ આ વાત સમજાઈ છે.
અમદાવાદમાં સરકારી શાળાનું સ્તર વધ્યું અમદાવાદ શહેરમાં કુલ 400થી વધારે સરકારી શાળા છે અને તેમાં 4 હજારથી વધારે શિક્ષકો ફરજ બજાવે છે. 400 શાળામાં હવે 10 સ્માર્ટ શાળાનો સમાવેશ થતા સરકારી શાળાનું સ્તર વધ્યું છે. તો અન્ય 25 સ્માર્ટ શાળા અને 10 હાઈટેક શાળાની પ્રક્રિયા પણ કરાશે. હાલમાં શહેરની સરકારી શાળામાં કુલ 1.60 લાખથી વધારે બાળકો છે. આ વર્ષે નવા એડમિશનનો આંક 25 હજાર સુધી પહોંચે તેવું સ્કૂલ બોર્ડનું અનુમાન છે.