Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય
ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફીના 50 ટકા રકમ અથવા રૂ. 1 લાખ પૈકીની જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, વાર્ષિક રૂ. 4.50 લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરતમંદ યુવા વિદ્યાર્થીઓને (Students) મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં (CM Scholarship Scheme) આવરી લેવાનો યુવા હિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર હવે ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં (Diploma course) પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનારા યુવાઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો થશે.
વાર્ષિક રૂ. 4.50 લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ વધુને વધુ યુવાછાત્રોને મળે તે માટે ભૂપેન્દ્ર પટેલે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિના લાભ વધુ સરળ બનાવ્યા છે.રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવાયું છે કે, વાર્ષિક 4.50 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોના બાળકો-યુવાઓને આ યોજનાનો લાભ મળશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટેની જે પાત્રતા નિર્ધારીત કરવામાં આવી છે તે મુજબ ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા પાત્રતા પ્રાપ્ત વિદ્યાર્થીને અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની 50 ટકા રકમ અથવા રૂ. 50 હજાર બે પૈકી જે ઓછું હોય તેટલી રકમ મંજૂર કરવામાં આવશે.
ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફીના 50 ટકા રકમ અથવા રૂ. 1 લાખ પૈકીની જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે શિષ્યવૃત્તિ મેળવનારા લાભાર્થીને આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના નીચે પણ લાભ મળવાપાત્ર થશે. એટલે કે આ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના બનશે.
આ પણ વાંચો : GIR SOMNATH : સોમનાથના ભોજનાલયમાં વિનામુલ્યે મહાપ્રસાદનો લાભ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
આ પણ વાંચો : ગજબ ! અમેરિકન મહિલાને બનાવતા આવડે છે ગુજરાતી ભાણુ, ગુજરાતીમાં કરી એવી વાત કે સૌ કોઇ રહી ગયા સ્તબ્ધ