Surat: એમનેમ થોડુ કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, સુરતમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી 23 વર્ષે ઓડિશાથી ઝડપાયો
સુરત PCBની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને 23 વર્ષ બાદ ઓડીશા ખાતેથી ઝડપી પાડ્યો છે.
Surat: સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી 23 વર્ષ બાદ ઝડપાયો છે. સુરત PCB દ્વારા 23 વર્ષ બાદ ઓડીશા ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ વેશપલટો કરીને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી અને આખરે આરોપી બાબતે માહિતી મળેવીને તેને ઝડપી પાડ્યો હતો.
સુરત PCBની ટીમે બાતમીના આધારે કરી ધરપકડ
સુરત PCB પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઓડિશા ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ ઓડિશા ખાતે પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવીને ઓડિશાના ગંજામ જિલ્લાના સોડક ગામ ખાતેથી આરોપી સીમાંચલ લાડુ ઉર્ફે નડુ ડાકવાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો Monsoon 2023: સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ, બારડોલીના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ, જુઓ VIDEO
આરોપી સામે વર્ષ 2001માં હત્યાનો ગુનો નોંધાયો હતો
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી વર્ષ 2001માં પાંડેસરાના પુનીત નગરમાં ભાડાની રૂમમાં રહેતો હતો. ત્યારે તેની પડોશમાં રહેતા શિવરામ દલાઈના પુત્રના નવા કપડા પ્રતાપ ઉર્ફે શંકર લઈને ભાગી ગયો હતો. તેથી તેને શોધવા આરોપી પોતે તથા અન્ય માણસો ગયા હતા અને પ્રતાપ મળી આવતા તેની સાથે ઝઘડો થતાં બધાએ ભેગા મળી તેના પર કુહાડી, ચપ્પુ, તલવાર જેવા હથિયારો વડે હુમલો કરી તેનું માથું ધડથી અલગ કરી ખાડીમાં લાશને ફેકી દીધી હતી.
બાદમાં ત્યાંથી તે લોકો નાસી છૂટ્યા હતા. આરોપી નડુ ડાકવા ત્યાંથી કેરલા, તમિલનાડુ ભાગી ગયો હતો અને ત્યાં કડિયાકામની મજુરી કરવા લાગ્યો હતો અને થોડા વર્ષો પછી પોતે વતન ગયો હતો. પરંતુ જયારે પણ ગુજરાત પોલીસ તેના ગામ તેની તપાસમાં આવતી ત્યારે તે પોલીસ આવે તે પહેલા જ જંગલ વિસ્તારમાં નાસી જતો હતો.
આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો
આરોપી સામે વર્ષ 2001માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે નાસ્તો ફરતો હતો. આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. વધુમાં PCB પોલીસની ટીમે આરોપી વિષે માહિતી મેળવી સતત બે દિવસ સુધી આરોપીના ગામની આસપાસ વેશપલટો કરીને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા.
આરોપી તેના ગામમાં જ હોવાની ખાતરી કરી હતી જેથી આરોપીને પકડી પાડવા વ્યુરચના ઘડી સ્થાનિક પોલીસની મદદથી આરોપી તેની વાડીમાં કામ કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે વેશપલટો કરીને ટ્રેક્ટર લઈને તેની વાડીએ પહોંચી આરોપીને ખબર પડે તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો