SURAT : રોહિત માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 10.27 લાખની સાડીની ઠગાઇ, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચારમાં સાડીઓ આપવાની છે. અને ઓર્ડર મોટો છે તેથી હું તમારી પાસેથી 10 હજાર સાડી ખરીદીશ તેમ જણાવી ભાવતાલ કરી ઓર્ડર આપ્યો હતો.
સુરતના (SURAT) રીંગરોડ બેગમવાડી સ્થિત રોહિત માર્કેટના સાડીના (SARI) વેપારી પાસેથી યુપીમાં ચૂંટણી પ્રચાર માટે સાડી જોઈએ છે કહીને ગઠીયો (Chitter) રૂ.10.27 લાખની સાડી ખરીદી કરી. વેપારીને પેમેન્ટ આપવાના બહાને કુબેરજી પ્લાઝા માર્કેટમાં સાથે લઈ જઈ મોપેડ પાર્ક કરવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો.સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી હતી.
મૂળ બિહારનો વતની અને સુરતમાં ડિંડોલી રામીપાર્ક સોસાયટી પાસે સાંઈ દર્શન સોસાયટી પ્લોટ નં.જી/227 માં ભાઈ-ભાભી અને તેમના પરિવાર સાથે રહેતો અપરણિત આશિષ રામચંદ્ર પ્રસાદ રીંગરોડ બેગમવાડી સ્થિત રોહિત માર્કેટમાં બજરંગ સિલ્ક મિલ્સ અને શ્રી બાલાજી સિલ્ક મિલ્સના નામે સાડીનો વેપાર કરે છે. તેને ત્યાં સચિનના ગ્રાહક સંતોષ દુબે સાથે અવારનવાર ખરીદી કરવા આવતો રામાનંદ રામવચન ઉપાધ્યાય ગત 21 ફેબ્રુઆરીના રોજ તેની દુકાને આવ્યો હતો. અને કહ્યું હતું કે મારી રીંગરોડ કુબેરજી પ્લાઝાના ત્રીજા માળે શ્રીરામ વસ્ત્ર વિભાગ નામની સાડીની દુકાન છે.
ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચારમાં સાડીઓ આપવાની છે. અને ઓર્ડર મોટો છે તેથી હું તમારી પાસેથી 10 હજાર સાડી ખરીદીશ તેમ જણાવી ભાવતાલ કરી ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર પૈકીની રૂ.10,27,687 ની કિંમતની 3435 નંગ સાડી તૈયાર હોય તે લેવા માટે રામાનંદ એક અજાણ્યા ટેમ્પો ચાલકને લઈ ગત 1 માર્ચની બપોરે આશિષની દુકાને આવ્યો હતો. ટેમ્પોમાં સાડી ભરાવ્યા બાદ તે આશિષને પેમેન્ટ આપવા પોતાની નંબર વિનાની મોપેડ પર બેસાડી કુબેરજી પ્લાઝાના પાર્કીંગમાં લઈ ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો. ત્યારબાદ તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો.
રામાનંદ ઘરે પણ નહોતો અને કુબેરજી પ્લાઝામાં પોતાની દુકાનની વાત કરેલી તે કોઈ બીજાની હતી. જેથી ગતરોજ આશિષે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં રામાનંદ ઉપરાંત તેના ઘર નજીક રહેતા અને ટેમ્પોમાં સાડી ભરી સગેવગે કરનાર અશોક રામમિલન નિસાદની ધરપકડ કરી હતી. તેમણે સાડીનો જથ્થો પાંડેસરાના એક ખાતામાં છુપાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ પ્રિતેશ ચિત્તે કરી રહ્યા છે.રામાનંદ અને તેના સાથી અશોકની પોલીસે પુછપરછ કરતા બંનેએ પહેલી વખત મજબૂરીને લીધે ગુનાખોરીનો માર્ગ અપનાવ્યાની કબૂલાત કરી હતી.
અશોકને પગમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયા હોય તેની સારવાર ચાલુ છે. ઉપરાંત, તેનો છોકરો પડી ગયા બાદ માનસિક બિમાર થઈ ગયો છે. અશોકની પત્ની પણ હાર્ટની પેશન્ટ છે.આમ પરિવારમાં મોટાભાગના બિમાર હોય તેમની સારવારના ખર્ચમાં તે આર્થિક તંગી અનુભવે છે. મુખ્ય સૂત્રધાર રામાનંદના પુત્રને પણ ખેંચની બિમારી છે જયારે દિકરીને ગાયનેક પ્રોબ્લેમ હોય તે પણ સારવારનો ખર્ચ પૂરો કરતા આર્થિક તંગી અનુભવી રહ્યો છે. આથી બંનેએ ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો.
આ પણ વાંચો- Health : પેટ ફૂલવાની સમસ્યાથી રહેતા હો પરેશાન, તો આ સાતમાંથી કોઈપણ એક વસ્તુનું સેવન આપશે રાહત