અયોધ્યામાં ગુમ યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળતા ચકચાર, સાંસદે મીડિયા સમક્ષ સાર્યા આંસુ- Video
અયોધ્યામાં શુક્રવારથી ગુમ થયેલી યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. ગુમ યુવતીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે અને તેની આંખો પણ ફોડી નાખવામાં આવી તેમજ ચહેરા પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા છે.
યુપીના અયોધ્યામાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શુક્રવાર સાંજથી ગુમ થયેલી યુવતીની નિર્વસ્ત્ર અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ પાસે યુવતીના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા છે. બીજી તરફ, માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. તેમજ એક યુવકને પણ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
આ ઘટના કોતવાલી વિસ્તારના સહનવા ગામમાં બની હતી. જ્યાં શૈતાનોએ દલિત યુવતી પર અત્યાચાર ગુજાર્યો હતો. 30 જાન્યુઆરીની રાત્રે 22 વર્ષની એક યુવતી ભાગવતના દર્શન કરવા ગઈ હતી. જ્યાં રાત્રે 11 વાગ્યા સુધી તે ઘરે આવી ન હતી. પરિવારજનોએ શોધખોળ કરતાં તે મળી આવી ન હતી. શનિવારે સવારે નાળા પાસે યુવતીની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. નજીકમાં લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા. યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેના હાથ-પગ ભાંગી ગયા હતા. આંખો પણ ફોડી કાઢવામાં આવી હતી. ચહેરા પર ઘણી જગ્યાએ ઇજાના નિશાન હતા.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સપા સાંસદ અવધેશ પ્રસાદ મીડિયાની સામે રડી પડ્યા. કહ્યું- હું આ મુદ્દો મોદી સામે લોકસભામાં ઉઠાવીશ. જો મને ન્યાય નહીં મળે તો હું રાજીનામું આપી દઈશ. અમે અમારી દીકરીની ઈજ્જત બચાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. ઈતિહાસ શું કહેશે? તમારી દીકરી સાથે આ કેવી રીતે થયું? હે રામ… આ શું થઈ ગયું.