Breaking News : દુષ્કર્મી આસારામને આજીવન કેદમાંથી કોઈ રાહત નહીં, તાત્કાલિક શરણે થવા હાઈકોર્ટનો આદેશ
રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે જાતીય શોષણના કેસમાં આસારામને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી છે. વધુમાં, કોર્ટે આસારામ - જે હાલમાં જામીન પર છે તેમ ને તાત્કાલિક સરેન્ડર થવા આદેશ આપ્યો છે.

રાજસ્થાન હાઈકોર્ટે સગીરા પરના જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી છે. ન્યાયાધીશ અરુણ મોંગા અને ન્યાયાધીશ યોગેન્દ્ર કુમાર પુરોહિતની બનેલી ડિવિઝન બેન્ચે આજે બુધવારને 27 મેના રોજ આ ચુકાદો આપ્યો છે.
એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, હાઈકોર્ટની જોધપુર બેન્ચની ડિવિઝન બેન્ચે નીચલી અદાલત દ્વારા ફટકારવામા આવેલ આજીવન કેદની સજાને યથાવત રાખી છે. કોર્ટે આસારામ જે હાલમાં પેરોલ પર છે તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ જાહેર કર્યો છે. આસારામ વચગાળાના જામીન પર હતા. પરંતુ તેમણે હવે પોતાને સરેન્ડર થયા વિના છુટકો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ આસારામના જામીનનો સમયગાળો, આગામી 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો.
શિલ્પી અને શરતચંદને સજામાંથી મુક્તિ
આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કાર્યવાહી દરમિયાન, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સગીર અવસ્થાની પીડિતાને સંડોવતા બળાત્કાર કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે, આ કેસમાં સહ-આરોપી એવા શિલ્પી અને શરતચંદને તેમની સજામાંથી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા છે.
આસારામની બળાત્કારના આરોપમાં ધરપકડ
આસારામની ઓગસ્ટ 2013 માં જોધપુર સ્થિત તેમના આશ્રમમાં એક સગીર વયની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. લાંબી ટ્રાયલ પછી, જોધપુરની એક ખાસ પોક્સો કોર્ટે ગત 25 એપ્રિલ, 2018 ના રોજ આસારામને દોષિત ઠેરવ્યા અને તેને આજીવન કેદની સજા ફટકારી. આ જ કેસમાં, સહ-આરોપી એવા શરદ અને શિલ્પીને 20-20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા, બધા આરોપીઓએ રાજસ્થાન હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
16 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ, 2026 સુધી હાઇકોર્ટમાં દૈનિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન, બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષ બંનેએ પોતપોતાના પક્ષોના સમર્થનમાં વિગતવાર દલીલો રજૂ કરી હતી. બેન્ચે 20 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ, આજે આ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.
શું હતુ આખી ઘટના ?
મૂળભૂત રીતે, આ કેસ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એક સગીર છોકરીએ આરોપ લગાવ્યો કે તેને ધાર્મિક ઉપચાર અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવાના બહાને આશ્રમમાં બોલાવવામાં આવી હતી, જ્યાં તેનું જાતીય શોષણ અને બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ, તબીબી અહેવાલો, સાક્ષીઓની જુબાનીઓ અને સંજોગોવશાત્ પુરાવાઓના આધારે, ટ્રાયલ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા. હાલમાં, આસારામ પેરોલ પર જેલની બહાર છે.