હવે સાયબર ગઠીયાઓ EDના નામે નહીં છેતરી શકે, આ રીતે જાણો EDનો અસલી અને નકલી સમન્સ
ED અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે બધા અસલી સમન્સ એક સિસ્ટમ દ્વારા જાહેર કરવામાં આવે છે. આવા સમન્સમાં QR કોડ અને એક અનન્ય પાસકોડ સામેલ હોય છે. આનાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ચકાસી શકે છે કે તેમને મળેલ સમન્સ અસલી છે કે નકલી.

તાજેતરમાં, કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓ ED ના નામે નકલી સમન્સ અને નોટિસ મોકલીને અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાનો અથવા તેમની પાસેથી રૂપિયા પૈસા પડાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવા સાયબર ગઠીયાઓ જે તે વ્યક્તિને નકલી સમન્સ મોકલે છે તે, ED ના અસલી સમન્સ જેવા લાગે છે, જેના કારણે સામાન્ય જનતા માટે અસલી અને નકલી સમન્સ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની ગયો છે. સાયબર ઠગાઈના કેસોની વધતીજતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ED એ અસલી અને નકલી સમન્સ કેવી રીતે ઓળખવા તે સમજાવ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સામાન્ય જનતાને નકલી સમન્સ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં, કેટલાક છેતરપિંડી કરનારાઓ ED ના નામે નકલી સમન્સ અને નોટિસ મોકલીને અનેક લોકો સાથે છેતરપિંડી કરવાનો અથવા તેમની પાસેથી રૂપિયા પડાવ્યા છે. તો કેટલાકે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે. સાયબર ગઠીયાઓ દ્વારા મોકલાવમાં આવતા નકલી સમન્સ, ઈડીના અસલી સમન્સ જેવા લાગે છે, જેના કારણે જનતા માટે અસલી અને નકલી સમન્સ વચ્ચે તફાવત કરવો અથવા નકલી અને અસલી સમન્સનો ભેદ ઉકેલવો ખૂબ જ મુશ્કેલ બને છે.
ED અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે બધા અસલી સમન્સ એક સિસ્ટમ દ્વારા જાહેર કરવામાં આવે છે. આવા સમન્સમાં QR કોડ અને એક અનન્ય પાસકોડ સામેલ હોય છે. આનાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ચકાસી શકે છે કે તેમને મળેલ સમન્સ અસલી છે કે નકલી. સમન્સ પર મોકલનારા અધિકારીની સહી, સીલ, સત્તાવાર ઇમેઇલ, સરનામું અને ફોન નંબર પણ હોય છે.
સમન્સની સત્યતા ચકાસવાની બે રીતો
1. QR કોડ સ્કેન કરીને અસલી અને નકલી વચ્ચેનો તફાવત તપાસો:
- સમન્સ પર છાપેલ QR કોડ તમારા મોબાઇલ ફોનથી સ્કેન કરો.
- સ્કેન કરવાથી ED વેબસાઇટ પર એક પૃષ્ઠ ખુલશે.
- તે પૃષ્ઠ પર સમન્સ પર છાપેલ પાસકોડ દાખલ કરો.
- જો માહિતી એટલે કે તમને મળેલ સમન્સ સાચો હશે, તો વેબસાઇટ ઉપર સમન્સને લગતી બધી વિગતો (જેમ કે નામ, અધિકારીનું નામ, હોદ્દો અને તારીખ) પ્રદર્શિત કરશે.
2. વેબસાઇટની મુલાકાત લઈને તપાસો:
• https://enforcementdirectorate.gov.in પર ED વેબસાઇટની મુલાકાત લો. • “તમારા સમન્સ ચકાસો” મેનૂ પર ક્લિક કરો. • સમન્સ નંબર અને પાસકોડ દાખલ કરો. • જો માહિતી સાચી હશે, તો વાસ્તવિક સમન્સની વિગતો વેબસાઇટ પર દેખાશે.
ED એ જણાવ્યું હતું કે સમન્સ ઈસ્યું થયાના 24 કલાક પછી આ ચકાસણી કરી શકાય છે (શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાઓ સિવાય). જો સિસ્ટમ દ્વારા સમન્સ જાહેર કરવામાં ના આવ્યું હોય, તો તમે ચકાસણી કરવા માટે નીચે સૂચિબદ્ધ ED અધિકારીનો સંપર્ક કરી શકો છો:
• નામ: રાહુલ વર્મા • હોદ્દો: સહાયક નિયામક • સરનામું: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એ-બ્લોક, એન્ફોર્સમેન્ટ ભવન, એપીજે અબ્દુલ કલામ રોડ, નવી દિલ્હી – 110011 • ઇમેઇલ: adinv2-ed@gov.in • ફોન: 011-23339172
ડિજિટલ ધરપકડ સંપૂર્ણપણે નકલી છે
ED એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કેટલાક છેતરપિંડી કરનારાઓ EDના નામે ડિજિટલ ધરપકડ અથવા ઓનલાઈન ધરપકડની ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. ED એ જણાવ્યું હતું કે આવો કોઈ ડિજિટલ ધરપકડ કરવાનો કે ઓનલાઈન ધરપકડ કરવાનો કાયદો નથી. ED દ્વારા કરવામાં આવતી ધરપકડ હંમેશા કાનૂની પ્રક્રિયા મુજબ રૂબરૂ જઈને કરવામાં આવે છે, ઓનલાઈન કે ડિજિટલ રીતે નહીં. ED એ જાહેર જનતાને અપીલ કરી છે કે, EDના અધિકારી હોવાનો દાવો કરતી અને પૈસા માંગતી અથવા ધરપકડની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ અથવા સમાચાર કે મેસેજ પર સહેજ પણ વિશ્વાસ ના કરે.
— ED (@dir_ed) October 8, 2025
જેને ઈડીના ટૂંકા નામે ઓળખવામાં આવે છે તે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.