Ahmedabad: બે દિવસ પહેલા ગળુ કપાયેલી લાશ મળવા મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની કરી ધરપકડ, પૂછપરછમાં થયો આવો ખુલાસો
શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલા માથું અને ધડ કપાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
Ahmedabad: શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલા માથું અને ધડ કપાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે મઝહર ઉર્ફે કસાઈ કુરેશી નામના શખ્સની ધરપકડ કરી છે.
મઝહર ઉર્ફે કસાઈ કુટેશીનું નામ એવું કામ છે. કેમ કે, મઝહર એ કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી દીધી છે. બાદમાં લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી. સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જોકે 10 દિવસ પહેલા થયેલી હત્યાની ઘટના સામે આવી અને તપાસનો ધમધમાટ શરૂ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સીરીન સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મઝહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહર એ મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો.
હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. જે કબૂલાત બાદ પોલીસે આરોપીના મોબાઇલ કબજે કર્યા છે. ઉપરાંત હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ કબજે કર્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થાય છે.