અમદાવાદ: વર્ષ 2018ના લૂંટ વિથ મર્ડર કેસનો આરોપી યુપીથી ઝડપાયો, છેલ્લા 5 વર્ષથી નામ બદલીને પંજાબમાં રહેતો હતો
વર્ષ 2018માં અમદાવાદના ઇન્કમટેક્ષ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં વટવા પોલીસને સફળતા મળી છે. વટવા પોલીસે રૂપિયા 2.5 કરોડની લૂંટ વિથ મર્ડરના ગુનામાં ઉત્તર પ્રદેશથી માસ્ટર માઇન્ડની ધપકડ કરી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોતાનું નામ બદલીને પંજાબમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

શહેરની વટવા પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2018થી પોલીસ ચોપડે લૂંટ વિથ મર્ડરના ગુનાનો મુખ્ય આરોપી વોન્ટેડ હતો, જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વાડજ વિસ્તારમાં વર્ષ 2018માં અઢી કરોડથી પણ વધુના દાગીના લઈને આંગડિયા પેઢીનો કર્મચારી ઊભો હતો, તે સમયે ચાર શખ્સોએ ફાયરિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ કેસમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા અને પાંચ વર્ષ બાદ આજે મુખ્ય આરોપી મોહમ્મદ શકીલ ઉર્ફે કક્કો મહમદની ઉત્તર પ્રદેશ ખાતેથી વટવા પોલીસે ધરપકડ કરી લીધી છે. બાતમી મળી હતી કે, છેલ્લા પાંચ વર્ષથી લૂંટ અને મર્ડર ગુનાનો આરોપી તેના પરિવારને મળવા ઉત્તરપ્રદેશ આવવાનો છે. જેથી તત્કાલિક વટવા પોલીસે ટીમ બનાવીને યુપી મોકલી આપી હતી અને વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
પાંચેક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2018માં ગુજરાત વિદ્યાપીઠની નજીકમાં આવેલી અંબાલાલ હરગોવનદાસ પટેલની આંગડિયા પેઢીનો કર્મચારી અરવિંદ પટેલ કરોડો રૂપિયાના દાગીના લઈને બસની રાહ જોઈને ઉભા હતા. આ સમયે બે મોટર સાયકલ પર ચાર શખ્સો આવ્યા અને અરવિંદ પટેલના માથાના ભાગે ગોળી મારી તેમની પાસે રહેલા બે પાર્સલોની લૂંટ કરીને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વર્ષ 2018માં અઢી કરોડથી વધુની લૂંટ વિથ મર્ડરનો ગુનો બન્યો હતો, તે સમયે અમદાવાદની તમામ એજન્સીઓના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ રચાયો હતો. ધોળા દિવસે ગુજરાત વિદ્યાપીઠ પાસે આ પ્રકારની લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી, જેના લીધે પોલીસ વિભાગની શાખ ઉપર ઘણા સવાલો ઊભા થયા હતા.
ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 48 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો, પરંતુ આ કેસનો માસ્ટરમાઈન્ડ એવો મોહમ્મદ શકીલ ઉર્ફે કક્કુ મોહમ્મદ સુબરાતી ગુનો બન્યો ત્યારથી વોન્ટેડ હતો. ઘણા પ્રયાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસને હાથ તાળી આપતો રહેતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાય સમયથી પોલીસના હાથે ઝડપાઇ ના જાય તે માટે પોતાનું નામ બદલીને પંજાબ ખાતે રહેતો હતો. અને ત્યાં પડદા બનાવવાનું કામ કરતો હતો. જો કે ઉત્તર પ્રદેશ આવતા પોલીસે તેને ઝડપી લીધો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.