Breaking News : શું તમારા બાળકો પણ અમેરિકામાં વિદ્યાર્થી છે ? ભારતમાં યુએસ દૂતાવાસે સ્ટુડન્ટ વિઝા ધારકોને કડક ચેતવણી આપી
શું તમારા બાળકો પણ અમેરિકામાં સ્ટુડન્ટ છે? ભારતમાં યુએસ દૂતાવાસે સ્ટુડન્ટ વિઝા ધારકોને કડક ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ સ્ટુડન્ટ વિઝા ધારકો સામે ‘લાલ આંખ’ કરી છે. બીજું કે, તેઓને સજાગ રહેવા માટે પણ સખત સૂચનાઓ આપી છે.

ભારતમાં યુએસ એમ્બેસીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો યુએસ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમને ડિપોર્ટ કરી દેવામાં આવશે અને વિઝા રદ કરવામાં આવશે. યુએસ એમ્બેસી ઇન્ડિયાએ (U.S. Embassy India) તેના સત્તાવાર હેન્ડલ @USAndIndia થી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ શેર કરી છે.
Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD
— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026
X પરની પોસ્ટમાં લખ્યું છે કે, “અમેરિકી કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી સ્ટુડન્ટ વિઝાને લઈને ગંભીર પરિણામો જોવા મળી શકે છે. જો તમારી ધરપકડ કરવામાં આવે અથવા કોઈ કાયદાનો ભંગ થાય, તો તમારા વિઝા રદ થઈ શકે છે. વધુમાં તમને ડિપોર્ટ કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં તમે યુએસ વિઝા માટે પાત્રતા ગુમાવી શકો છો. આથી, નિયમોનું પાલન કરો અને તમારા કરિયરને જોખમમાં ન મૂકો. યુએસ વિઝા એક સુવિધા છે, અધિકાર નથી.”
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
ગયા અઠવાડિયે, દૂતાવાસે H-1B અને H-4 વર્ક વિઝા અરજદારોને ચેતવણી આપી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, યુએસ ઇમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી ગંભીર ફોજદારી દંડ થઈ શકે છે. વિઝા નિયમોમાં કડકાઈ વચ્ચે ગયા વર્ષે અમેરિકામાં નવા ઇન્ટરનેશનલ એનરોલમેન્ટમાં સ્ટુડન્ટ વિઝા પર આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 17 ટકા ઘટાડો થયો છે.
ભારતીય નાગરિકોની ઘણી ફરિયાદો મળી
લગભગ 10 દિવસ પહેલા, ભારતે ભારતીય અરજદારો માટે અગાઉ નિર્ધારિત H-1B વિઝા ઇન્ટરવ્યુ રદ કરવા અંગે અમેરિકા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ભારત સરકારને ભારતીય નાગરિકો તરફથી ઘણી ફરિયાદો મળી છે, જેમને પોતાના વિઝા ‘એપોઇન્ટમેન્ટ’ ફરીથી શેડ્યૂલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
