શ્રીલંકાના આ અહેવાલે ભારતીય ચા કંપનીના શેર્સના ભાવ આસમાને પહોંચાડ્યા, જાણો વિગતવાર
મુખ્ય ચા ઉત્પાદક કંપની મેકલિયોડ રસેલ(McLeod Russel) ના શેરમાં પણ બુધવારે વધારો થયો હતો. શેર 1.36 ટકાના વધારા સાથે રૂ.26 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં 14.4 ટકાનો વધારો થયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર(Share Market)માં ચા કંપનીઓના શેર(Tea Company Shares)માં તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ ટોચની છ ચા કંપનીઓમાંથી પાંચના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ચા કંપનીઓના શેરમાં 15 થી 28 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્વના અગ્રણી ચા ઉત્પાદક શ્રીલંકામાં સર્જાયેલી આર્થિક દુર્દશાનો લાભ ભારતીય ચાને મળી રહ્યો છે. શ્રીલંકાની આર્થિક દુર્દશાએ તેના ચાના ઉત્પાદનને પણ અસર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેની ચાની નિકાસ પર પણ અસર પડી રહી છે.ભારતે હવે એવા દેશોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે જ્યાં શ્રીલંકા ચાની નિકાસ કરે છે. આગામી દિવસોમાં ભારતીય ચાની નિકાસમાં તેજી આવવાની ધારણા છે. આ જ કારણ છે કે ભારતીય ચા ઉદ્યોગ આગળ જતાં તેના બિઝનેસમાં સારી તેજીની અપેક્ષા રાખે છે. આ આશા ચા કંપનીઓના શેરને વેગ આપી રહી છે.
ચા કંપનીઓના શેરમાં તેજી
મુખ્ય ચા ઉત્પાદક કંપની મેકલિયોડ રસેલ(McLeod Russel) ના શેરમાં પણ બુધવારે વધારો થયો હતો. શેર 1.36 ટકાના વધારા સાથે રૂ.26 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં 14.4 ટકાનો વધારો થયો છે. જય શ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(Jay Shree and Tea Industries)નો સ્ટોક પણ બુધવારે 4.27 ટકા વધીને રૂ.115.95ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં 19 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં આ શેરે 15 ટકા વળતર આપ્યું છે.
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products)ના શેરમાં પણ આજે વધારો જારી રહ્યો હતો. શેર આજે 2.37 ટકાના ઉછાળા સાથે રૂ.810.10 પર બંધ રહ્યો હતો. આ શેરે એક મહિનામાં 8.33 ટકા વળતર આપ્યું છે. બુધવારે ધુનસેરી ટી ઇન્ડસ્ટ્રીઝ(Dhunseri Tea Industries)ના શેરમાં પણ વધારો થયો હતો અને શેર રૂ. 309.80 પર બંધ થયો હતો. એક મહિનામાં શેરમાં લગભગ 21 ટકાનો વધારો થયો છે.
રોસેલ ઈન્ડિયા(Rossell India)ના શેરમાં પણ તેજીનું વલણ છે. બુધવારે શેર 3.76 ટકાના વધારા સાથે રૂ. 195.75 પર બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં આ સ્ટોક એકવાર રૂ. 200ના સ્તરને પાર કરી ગયો હતો. એક મહિનાની વાત કરીએ તો આ શેરમાં લગભગ 19 ટકાનો ઉછાળો આવ્યો છે.
ગુડરિક ગ્રુપ(Goodricke Group)ના શેરે છેલ્લા એક મહિનામાં સૌથી વધુ વળતર આપ્યું છે. તેની કિંમત એક મહિનામાં 28.17 ટકા વધી છે. બુધવારે તેની કિંમત 0.98 ટકાના વધારા સાથે રૂ. 263.90 પર બંધ થઈ.
તેજીનું કારણ શું છે ?
બજારના જાણકારોનું કહેવું છે કે શ્રીલંકાથી ચાનો પુરવઠો ઘટ્યો છે. ભારત આની ભરપાઈ કરી શકે છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર 2019માં શ્રીલંકાએ તુર્કીને 167 મિલિયન ડોલર, રશિયાને 132 મિલિયન ડોલર , ઈરાકને 104 મિલિયન ડોલર અને ચીનને 55 મિલિયન ડોલર ચાની નિકાસ કરી હતી. શ્રીલંકા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની સાથે સાથે ખાદ્ય ચીજોની પણ અછત છે. રોજેરોજ લાંબો વીજ કાપ છે. તેની અસર ચાના ઉત્પાદન પર પડી છે. ભારત ઈરાન, તુર્કી, ઈરાક જેવા દેશોમાં ચાની નિકાસ વધારી શકે છે. અત્યારે આ દેશોમાં ચાની નિકાસને લઈને કેટલીક સમસ્યાઓ છે. સરકાર તેમને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને આ દેશોમાં ભારતીય ચા શ્રીલંકાની ચાનો વિકલ્પ બની શકે.