Russia-Ukraine Crisis: રો-મટિરિયલ થઈ શકે છે મોંઘું, મકાનોની વધી શકે છે કિંમત, જાણો અન્ય શું થઈ શકે છે અસર
રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે ઉદ્યોગને આશંકા છે કે, કાચા માલના ભાવમાં વધારો થશે. જે ઉત્પાદન ખર્ચમાં વધારો કરશે. જેના કારણે મોંઘવારી વધી શકે છે.
રશિયા-યુક્રેન સંકટને (Russia-Ukraine crisis) કારણે ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવમાં વધારો થઈ શકે છે. તેનાથી કાચા માલની કિંમતમાં (Raw material price) વધારો થશે અને ફુગાવાનું દબાણ વધશે. બિસ્કિટ, ચોકલેટ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતી પારલે પ્રોડક્ટ્સે જણાવ્યું હતું કે, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ ક્રૂડ ઓઇલના ભાવ (Crude oil price) પર નોંધપાત્ર અસર કરશે અને તેનાથી વેપાર ખર્ચમાં વધારો થશે. તેનાથી અનેક ઉદ્યોગોને અસર થશે. પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ અધિકારી (કેટેગરી હેડ) કૃષ્ણરાવ બુદ્ધે જણાવ્યું હતું કે, “છેલ્લા 7-8 વર્ષોમાં ક્રૂડ ઓઇલ $100ની નીચે હતું, પરંતુ આજે તે $100ના આંકને વટાવી ગયું છે. આનાથી ખાદ્ય ઉદ્યોગ સિવાય ઘણા ઉદ્યોગોને અસર થશે. અમારા મોટા ભાગના ઉત્પાદનો પર ભાવવધારાની વ્યાપક અસર પડશે.”
ઉષા ઈન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દિનેશ છાબરાએ કહ્યું કે, જો સ્થિતિ વધુ વણસે તો ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર થવાની સંભાવના છે. “રશિયા અને યુક્રેન વચ્ચે વધતી જતી ભૌગોલિક રાજકીય ગતિવિધિનો અર્થ એ છે કે તે એક મોટી વિશ્વવ્યાપી કટોકટી તરફ દોરી શકે છે. એક કંપની અને ઉદ્યોગ તરીકે, આ અમારા માટે ચિંતાનો વિષય છે….”
યુરોપમાં મંદી આયાત ખર્ચમાં વધારો કરી શકે છે
છાબરાએ કહ્યું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને યુરોપમાં મંદીની આશંકાથી આયાત ખર્ચ વધી શકે છે. યુક્રેન તાંબા જેવા ખનિજોનો મુખ્ય સ્ત્રોત છે. જેના પરિણામે આ ખનિજોની અછત થઈ શકે છે. જે ખનિજની કિંમતમાં વધારો કરી શકે છે.
સિમેન્ટ જેવા કાચા માલના ભાવ વધી શકે છે
આ સંકટની અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ પડશે. રિયલ્ટી કંપનીઓની સંસ્થા CREDAIએ કહ્યું કે, આ સંકટના કારણે સિમેન્ટ જેવા કાચા માલના ભાવ વધી શકે છે અને તેની સાથે આવતા મહિનાઓમાં મકાનોની કિંમતો વધી શકે છે. ક્રેડાઈના પ્રમુખ હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું હતું કે, “ભૌગોલિક રાજકીય સંકટને કારણે તેલના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે શેરબજારને ખરાબ રીતે ફટકો પડ્યો છે.” તેમણે કહ્યું કે આ સંકટ વચ્ચે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપની ચિંતાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પટોડિયાએ જણાવ્યું હતું કે, “આ ભારતમાં સિમેન્ટ ઉત્પાદકોને વધુ અસર કરશે. જેઓ પહેલેથી જ વધતા કાચા માલ અને ઉર્જા ખર્ચના દબાણ હેઠળ હતા.”
ચાની નિકાસને અસર થવાની ભીતિ
રશિયા-યુક્રેન સંકટના પગલે ચાના વાવેતરકારો અને નિકાસકારો ચિંતિત છે. કારણ કે રશિયા દેશ ભારતીય ચાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ગુરુવારે યુક્રેન પર રશિયાના હુમલા પછી પશ્ચિમી પ્રતિબંધો અને ડોલરની ચૂકવણીમાં વિક્ષેપ તેમજ રશિયામાં નિકાસને ફટકો પડવાની ધારણા છે. ઇન્ડિયન ટી એસોસિએશનના ચેરપર્સન નયનતારા પાલચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતીય ચા માટે રશિયન બજાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઇરાનમાં નિકાસમાં ચૂકવણીની સમસ્યાઓ છે. જે અન્ય મહત્વપૂર્ણ ચા નિકાસ સ્થળ છે. ભારતની ચાની નિકાસમાં રશિયાનો હિસ્સો 18 ટકા જેટલો છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષ અને અમેરિકા દ્વારા પ્રતિબંધોની શક્યતાના સંજોગોમાં આગામી સત્રમાં રશિયાની નિકાસને અસર થશે.
નિકાસની અસરને કારણે સ્થાનિક બજારમાં ચા થશે સસ્તી
ભારતીય ચા નિકાસકારો એસોસિએશનના અધ્યક્ષ અંશુમન કનોરિયાએ પણ કહ્યું કે, ચા ઉદ્યોગના હિસ્સેદારો કટોકટી વિશે “અત્યંત ચિંતિત” છે. પાલચૌધરીએ જણાવ્યું હતું કે, જો રશિયામાં નિકાસને અસર થાય છે, તો સ્થાનિક બજારમાં વધુ પડતા પુરવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના પરિણામે ભાવમાં ઘટાડો થઈ શકે છે. “CIS દેશોમાં કુલ નિકાસમાં રશિયા અને કઝાકિસ્તાન મુખ્ય બજારો છે. કનોરિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની વધતી કિંમતોને કારણે પ્લાન્ટર્સ અને નિકાસકારો માટે કામગીરીની કિંમતમાં વધારો થવાનો છે.
દેશના વેપાર પર પણ પડશે તેની અસર
યુક્રેન સામે રશિયાના લશ્કરી અભિયાનથી માલસામાનની અવર-જવર, ચૂકવણી અને તેલની કિંમતો પર અસર થશે અને પરિણામે તે દેશના વેપારને પણ અસર કરશે. નિકાસકારોએ આ વાત કહી. v ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)એ નિકાસકારોને કાળા સમુદ્રના માર્ગને અનુસરતા વિસ્તારમાં તેમનો માલ સુરક્ષિત રાખવા જણાવ્યું છે. FIEOના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે, માલ સુએઝ કેનાલ અને કાળા સમુદ્રમાંથી થઈને રશિયા, યુક્રેન અને અન્ય પૂર્વ યુરોપિયન દેશોમાં જાય છે. તેમણે કહ્યું કે, વેપાર પર તેની કેટલી અસર પડશે. તે બંને દેશો વચ્ચે સૈન્ય સંકટ કેટલો સમય ચાલે છે. તેના પર નિર્ભર રહેશે.
આ વર્ષે ભારત-રશિયાનો વેપાર $9.4 બિલિયન
મુંબઈ સ્થિત નિકાસકાર શરદ કુમાર સર્રાફે જણાવ્યું હતું કે, વર્તમાન કટોકટી દેશની નિકાસને અસર કરશે. કારણ કે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં $9.4 બિલિયન રહ્યો છે. આ પહેલા છેલ્લા નાણાંકીય વર્ષ 2020-21માં, તે $ 8.1 બિલિયન હતું. ભારત મુખ્યત્વે ઇંધણ, ખનિજ તેલ, મોતી, કિંમતી અથવા અર્ધ કિંમતી પથ્થરો, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક સાધનોની રશિયા પાસેથી આયાત કરે છે. તે જ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો, કાર્બનિક રસાયણો અને વાહનોની રશિયામાં નિકાસ કરે છે.
ભારત અને યુક્રેન વચ્ચે 2.3 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર
આ સિવાય વર્તમાન નાણાંકીય વર્ષમાં ભારત અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીમાં 2.3 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે. અગાઉના નાણાંકીય વર્ષમાં તે $2.5 બિલિયન હતું. જ્યાં ભારત યુક્રેનમાંથી કૃષિ ઉત્પાદનો, પ્લાસ્ટિક અને પોલિમરની આયાત કરે છે. તે ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી, રસાયણો અને ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરે છે. FIEOના વાઇસ પ્રેસિડેન્ટ ખાલિદ ખાને જણાવ્યું હતું કે, જો રશિયા અને યુક્રેન વચ્ચે લશ્કરી કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહેશે. તો તે પ્રદેશમાં નિકાસ અને આયાત પર તેની ગંભીર અસર પડશે.
આ પણ વાંચો: Budget 2022: વીમા કંપનીઓએ 80C હેઠળ રોકાણ મર્યાદા વધારવા, હેલ્થ પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની કરી માંગ
આ પણ વાંચો: Naukari News : શું તમે એકાઉન્ટન્ટ ક્ષેત્રે કારર્કિદી બનાવવા માંગો છો ? તો વાંચો આ અહેવાલ