MONEY9: ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી આવે તેની પહેલાં જ લાગી જશે બ્રેક?

ભારતમાં જેટલી ઝડપે ઈલેક્ટ્રિક વ્હિકલની ક્રાંતિ શરૂ થઈ, તેટલી જ ઝડપથી તેનાં વળતાં પાણી થઈ રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં છે. ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં લાગતી આગની અનેક ઘટનાઓ આ ક્રાંતિ પર ઠંડું પાણી રેડી રહી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 19, 2022 | 2:51 PM

MONEY9: દેશમાં કેટલી જગ્યાએ EVમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ (ELECTRIC VEHICLE)ની ક્રાંતિ (REVOLUTION) જેટલી ઝડપથી શરૂ થઈ હતી. લગભગ તેટલી જ ઝડપે તેમાં નવો વળાંક આવ્યો છે. ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં લાગેલી આગની ઘટનાઓ આ ઓટો સેક્ટર (AUTO SECTOR)માં આ ક્રાંતિ પર ઠંડું પાણી ફેરવી રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકો ભયભીત છે અને સરકારનો પરસેવો છૂટી રહ્યો છે. ઈલેક્ટ્રિક વ્હિકલ બનાવતી કંપનીઓને પણ નથી સમજાતુ કે વાહનમાં આગ લાગવાનું કારણ શું છે..? કંપનીઓ ક્લૂ-લેસ છે.

વીજળીથી ચાલતા વાહનો સેફ્ટીના મોરચે નિષ્ફળ પુરવાર થઈ રહ્યાં છે અને આ વાહનો સલામત ન હોવાની વાત લોકોના મનમાં દૃઢ બની રહી છે. તો સામે પક્ષે, સરકાર પણ કડક થવાના મૂડમાં છે અને ઈલેક્ટ્રિક વાહનો સલામત હોવાનો ભરોસો આપવાની મથામણ કરી રહી છે.

21 એપ્રિલે, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ EV કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી.  તેમણે કહ્યું કે, સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવી છે અને તેનો રિપોર્ટ આવશે પછી, EV બેટરી તથા અન્ય સેફ્ટી ધારાધોરણો અંગે નિયમો બનાવવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, જો કોઈ કંપની નિયમોનો ભંગ કરશે તો, જંગી દંડ ભરવો પડશે.  કંપનીઓને ખામીયુક્ત વાહનો પાછા ખેંચવાની સૂચના પણ આપવામાં આવશે. 

છેલ્લાં કેટલાક સમયમાં લગભગ ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની એક ડઝનથી વધુ ઘટનાઓ બની છે, જેમાં જાન-માલ બંનેનું નુકસાન થયું છે. ઓલા, પ્યોર ઈવી, જિતેન્દ્ર ઈવી અને ઓકીનાવા જેવી કંપનીઓના સ્કૂટર્સમાં આગ લાગી છે. ઓકીનાવાએ તેના 3,000થી પણ વધારે સ્કૂટર પાછા ખેંચ્યા છે તો પ્યોર ઈવી ઈન્ડિયાએ પણ 2,000 ઈલેક્ટ્રિક સ્કૂટર પાછા ખેંચી લીધા છે. સરકારને એ વાતની બીક છે કે, આ ઘટનાઓ વધશે તો, ભારતમાં ગ્રીન એનર્જીની ક્રાંતિમાં અવરોધ ઉભો થશે. 

ભારતમાં પરંપરાગત દ્વિચક્રી વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે જ્યારે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજીએ તરખાટ મચાવ્યો છે.  ઓટો સંગઠન સિઆમના આંકડા અનુસાર, 2020-21માં દેશમાં કુલ 1.5 કરોડ દ્વિચક્રી વાહનો વેચાયા હતા. 2019માં તો આ આંકડો 2.1 કરોડ યુનિટ હતો. તેની સામે, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું વેચાણ 2021માં 132 ટકા વધ્યું હતું. 2021માં કુલ 2,33,971 ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચાયા હતા જ્યારે 2020માં આ આંકડો 1,00,736 યુનિટનો હતો. આમ, ઈલેક્ટ્રિક સ્કૂટર્સનાં સટાસટ વધી રહેલાં વેચાણથી સરકાર પણ ઉત્સાહિત છે અને તે નથી ઈચ્છતી કે, દેશમાં ઈવીના વેચાણની આ રફ્તારને બ્રેક વાગે.  

આ કારણસર જ, સરકારની સર્વોચ્ચ થિન્ક ટેન્ક, નીતિ આયોગે બેટરી સ્વૉપિંગ પૉલિસીને લઈને ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો છે. આ કાચા મુસદ્દામાં EVની પૂરી ઈકોસિસ્ટમ, બેટરી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેટરી સ્વૉપ કરવાના નિયમો, ટેકનોલોજી તથા ઑપરેશનલ સ્ટાન્ડર્ડ્ઝ, સબસિડી અને સેફ્ટી અંગે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. 

હવે, આ ડ્રાફ્ટના આધારે સરકાર બેટરી સ્વૉપિંગ પૉલિસી લાવી રહી છે. ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાથી સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ, તેની પાછળ અન્ય એક કારણ પણ જવાબદાર છે. આ કારણ છે, ‘નેટ ઝીરો’.  નેટ ઝીરો એટલે કાર્બનનું ઝીરો ઉત્સર્જન કરવાનો ટાર્ગેટ. ભારતે ગયા વર્ષે ગ્લાસ્ગો સમિટમાં વાયદો કર્યો હતો કે તે 2027 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ હાંસલ કરી લેશે. 

આ પહેલાં, 2015માં પેરિસ એગ્રીમેન્ટમાં ભારતે 2030 સુધીમાં જીડીપીની એમિશન ઈન્ટેન્સિટીમાં 33-35 ટકા ઘટાડો કરવા માટે પણ સહમતિ દર્શાવી હતી. સીઓપી-26 (COP26)માં ભારતે આ આંકડો 45 ટકા કરી નાખ્યો હતો.  ભારતે વાયદો કર્યો છે કે, 2030 સુધીમાં તે ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે.  

અહીં એ જાણવું પણ જરૂરી છે કે, દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરવામાં ભારત ચોથા ક્રમે આવે છે. આ લિસ્ટમાં ટોચનાં ત્રણ દેશ છે ચીન, અમેરિકા અને ઈયુ. પરંતુ માથાદીઠ ઉત્સર્જનનો આંકડો જોઈએ, તો આ મહાકાય અર્થતંત્રોની સરખામણીએ ભારત ઘણું પાછળ છે. 

2019માં ભારતમાં કાર્બન ડાયોક્સાઈડનું માથાદીઠ ઉત્સર્જન 1.9 ટન હતું, જેની સરખામણીએ અમેરિકામાં તે 15.5 ટન અને રશિયામાં 12.5 ટન હતું. જોકે, માથાદીઠ ઉત્સર્જન ઓછું હોવાનું કારણ ભારતની વિશાળ વસતિ પણ છે. એટલે, આ મોરચે આપણે વધારે હરખાઈ જવાની જરૂર નથી.  

સરકારે ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવાના જે ઊંચા ટાર્ગેટ નક્કી કર્યાં છે. . તે EV વગર તો પૂરા થઈ શકે એમ નથી.  આથી, જ સરકાર EV કંપનીઓની ભૂલો સ્વીકારવાના મૂડમાં નથી અને કડક વલણ દાખવી રહી છે, કારણ કે, જો લોકોના મનમાં એક વખત ડર પેસી જશે તો, સરકાર એક પણ લક્ષ્ય હાંસલ નહીં કરી શકે.  

ભારતમાં EV અને ગ્રીન એનર્જીની ક્રાંતિ આવે તે જરૂરી છે, પરંતુ આ ક્રાંતિમાં વગર વાંકે કોઈનો જીવ જાય તે પરવડે એમ નથી.  સવાલ લોકોની જિંદગી સાથે જોડાયેલો છે અને આથી, તેની જવાબદારી આ ક્રાંતિનું સુકાન સંભાળી રહેલી સરકાર અને EV બનાવતી કંપનીઓની છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">