MONEY9: REITમાં રોકાણ કરતાં પહેલાં સમજી લો આટલી વાત, થશે જોરદાર કમાણી

જો તમે પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોવ પરંતુ તમારી પાસે જંગી રકમ ના હોય તો, તમે રિયલ એસ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (REIT) દ્વારા સસ્તામાં રોકાણ કરી શકો છો.

MONEY9: REITમાં રોકાણ કરતાં પહેલાં સમજી લો આટલી વાત, થશે જોરદાર કમાણી
How REITs work
Divyesh Nagar

| Edited By: Pinak Shukla

Jul 14, 2022 | 4:02 PM

MONEY9: ઘર, દુકાન કે ઑફિસ સહિતની પ્રૉપર્ટી (PROPERTY) ખરીદવાની ઈચ્છા તો બધાને હોય છે. લોકોમાં રિયલ એસ્ટેટ (REAL ESTATE)નું આકર્ષણ વર્ષોથી રહ્યું છે. રોકાણની વાત આવે ત્યારે લોકો સૌથી પહેલાં રિયલ એસ્ટેટ પસંદ કરે  છે.

ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની જેફરિઝના રિપોર્ટ અનુસાર, લગભગ 50 ટકા ભારતીય પરિવારે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. જો તમારી ઈચ્છા પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની હોય, પરંતુ તમારી પાસે લાખો, કરોડો રૂપિયા ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે માત્ર 300થી 400 રૂપિયા જેટલું નજીવું રોકાણ કરીને પણ રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પરંતુ કેવી રીતે?

REIT શું છે? રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) એટલે કે, રિટ તમને પ્રોપર્ટી ખરીદ્યા વગર રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણનો વિકલ્પ આપે છે. આ ટ્રસ્ટ ઑફિસો, બિઝનેસ પાર્ક્સ અને શોપિંગ મોલ્સ જેવી કમાણી કરાવતી કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરે છે અને તેનું સંચાલન સંભાળે છે. આવી રીતે રોકાણ કરવાથી તમને ભાડાંના સ્વરૂપમાં નિયમિત આવક મળે છે, કારણ કે, રિટે પોતાની એસેટનો 80 ટકા હિસ્સો ભાડાલાયક પ્રોપર્ટીમાં રોકવો પડે છે.

રિટ કામ કેવી રીતે કરે છે?

ધારો કે, એબીસી નામની એક કંપનીએ એક ટ્રસ્ટ બનાવ્યું છે. આ ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડની જેમ લોકો પાસેથી પૈસા ઉઘરાવશે અને ભાડાલાયક પ્રોપર્ટીમાં રોકાણ કરશે. આ ભાડાંથી ટ્રસ્ટને જે કમાણી થશે, તે રોકાણકારોને વળતર સ્વરૂપે ચૂકવવામાં આવશે. આ સિવાય, ટ્રસ્ટે જે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હશે તેની કિંમત પણ વધશે એટલે તેનો ફાયદો પણ મળશે. રિટમાં રોકાણ કર્યા બાદ રોકાણકારોને યુનિટ આપવામાં આવે છે. રિટને ભાડાં પેટે જે આવક થાય તેનો 90 ટકા હિસ્સો ડિવિડન્ડ કે વ્યાજ તરીકે રોકાણકારોને વહેંચી દેવાનો હોય છે.

REITમાં રોકાણના ફાયદા  ચાલો, હવે રિટમાં રોકાણના ફાયદા પણ સમજી લઈએ. પહેલો ફાયદો. રિટમાં રોકાણ કરવાથી તમને સાવ નજીવા રોકાણ દ્વારા પ્રોપર્ટીના માલિક બનવાનો મોકો મળે છે. બીજો ફાયદો. ભાડું વસૂલવાની કે પેપર વર્ક કરવાની કોઈ માથાકૂટ તમારે કરવી પડતી નથી, કારણ કે આ બધું કામ રિટ સંભાળે છે. પ્રોપર્ટી ખરીદવા માટે જંગી રકમની જરૂર પડે છે, પરંતુ રિટમાં સાવ નજીવી રકમ દ્વારા રોકાણ થઈ શકે છે.

તમે સ્ટોક માર્કેટ પર 350થી 400 રૂપિયામાં એક યુનિટ ખરીદી શકો છો. તમારી પાસે જેટલા વધારે યુનિટ હશે, તેટલું વધારે રિટર્ન મળવાની શક્યતા રહેશે. શેરની જેમ આ યુનિટને પણ ગમે ત્યારે વેચીને પૈસા પાછા ઉપાડી શકાય છે. તેનાથી વિપરિત, જો તમે જાતે કોઈ પ્રોપર્ટી ખરીદી હશે તો તેને વેચવામાં લાંબો સમય લાગે છે.

સ્ટોક માર્કેટ પર થાય છે ટ્રેડિંગ  શેરની જેમ રિટનું લિસ્ટિંગ અને ટ્રેડિંગ પણ સ્ટોક માર્કેટ પર થાય છે. રિટમાં રોકાણ કરવું હોય તો, તમારી પાસે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. રિટનું પર્ફોર્મન્સ કેવું છે અને તેની ડિમાન્ડ કેવી છે, તેના આધારે સ્ટોક માર્કેટ પર તેના યુનિટના ભાવમાં વધ-ઘટ થાય છે. અત્યારે સ્ટોક માર્કેટ પર 3 રિટ લિસ્ટેડ છે, જેમાં એમ્બેસી બિઝનેસ પાર્ક, માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક અને બ્રૂકફિલ્ડ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

સેબીએ નાના રોકાણકારોને આકર્ષવા માટે વર્ષ 2021માં રિટના નિયમોમાં ફેરફાર કર્યા હતા. શરૂઆતમાં તો, IPO તથા ફોલો-ઓન-ઑફર મારફતે રિટમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 50,000 રૂપિયાની જરૂર પડતી હતી. પરંતુ હવે આ રકમ ઘટાડીને 10,000થી 15,000 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય લિસ્ટિંગ થઈ ગયા પછી, મિનિમમ ટ્રેડિંગ લોટની સાઈઝ પણ 100થી ઘટાડીને એક કરવામાં આવી છે. એટલે કે, હવે સ્ટોક માર્કેટ પર એક યુનિટનું ખરીદ કે વેચાણ થઈ શકે છે.

નિષ્ણાતનો મત સેબી-રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જિતેન્દ્ર સોલંકી કહે છે કે, કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો અઢળક રૂપિયાની જરૂર પડે છે. નાના રોકાણકારો આટલું મોટું રોકાણ કરી શકતા નથી. આવા રોકાણકારો માટે રિયલ એસ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ સારો વિકલ્પ છે. જો રિટ સારી પ્રીમિયમ કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરતા હશે તો તમને 10થી 12 ટકા વળતર મળી શકે છે. આમાં રેન્ટલ ડિવિડન્ડ અને કેપિટલ એપ્રિસિએશન પણ સામેલ છે. પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવું હોય તો, રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ પણ એક સારો વિકલ્પ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati