LIC : લોન્ચ થયો નવો પ્લાન, એક વાર પૈસા ભરવાના અને પછી થશે આવક, બંધ પોલિસી થશે સસ્તામાં ફરી શરૂ
LIC એ નવા વર્ષ 2026માં 'જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ' યોજના લોન્ચ કરી છે, જે આજીવન સુરક્ષા અને બચત પ્રદાન કરશે. આ ઉપરાંત, કંપનીએ બંધ થયેલી (લેપ્સ) પોલિસીઓને ફરી શરૂ કરવા માટે 1 જાન્યુઆરીથી 2 માર્ચ 2026 સુધી ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ નવા વર્ષ 2026ની શરૂઆતમાં તેના લાખો ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ એક તરફ નવો ‘જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ’ વીમા પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જ્યારે બીજી તરફ બંધ થયેલી (લેપ્સ્ડ) પોલિસીઓને ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ પણ શરૂ કરી છે.
LIC દ્વારા રજૂ કરવામાં આવેલ ‘જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ’ યોજના 12 જાન્યુઆરી, 2026થી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ, આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત બચત તથા સંપૂર્ણ જીવન વીમા યોજના છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ વારંવાર પ્રીમિયમ ભરવાની ઝંઝટથી બચીને એક જ વખત રોકાણ કરીને આજીવન સુરક્ષા અને બચત મેળવવા માંગે છે.
LIC સતત તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવી રહી છે. ગયા વર્ષે કંપનીએ “બિમા કવચ”, “જન સુરક્ષા” અને “સ્માર્ટ પેન્શન યોજના” જેવા અનેક પ્લાન લોન્ચ કર્યા હતા, પરંતુ ‘જીવન ઉત્સવ’ સિંગલ પ્રીમિયમ યોજના એક મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહી છે.
બંધ થયેલી પોલિસી ફરી શરૂ કરવાની તક
ઘણીવાર નાણાકીય મુશ્કેલી કે ભૂલને કારણે લોકો સમયસર પ્રીમિયમ ચૂકવી શકતા નથી, જેના કારણે તેમની પોલિસી લેપ્સ થઈ જાય છે અને તેઓ વીમા સુરક્ષા વિના રહી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને LIC એ એક ખાસ પોલિસી પુનરુત્થાન અભિયાન શરૂ કર્યું છે.
આ ઝુંબેશ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થઈને 2 માર્ચ, 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, જો તમારી કોઈ વ્યક્તિગત LIC પોલિસી પ્રીમિયમ ન ભરવાને કારણે બંધ થઈ ગઈ હોય, તો તમે તેને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે ફરી શરૂ કરી શકો છો. LIC અનુસાર, આ ઝુંબેશ ખાસ કરીને એવા પોલિસીધારકો માટે છે, જેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પ્રીમિયમ ચૂકવી શક્યા ન હતા.
જૂની પોલિસી ફરી શરૂ કરવી નવી પોલિસી ખરીદવા કરતાં વધુ લાભદાયી હોય છે, કારણ કે તેમાં જૂના બોનસ અને કવરેજનો લાભ યથાવત રહે છે.
લેટ ફી પર મોટી છૂટ
આ ઝુંબેશનું સૌથી મોટું આકર્ષણ લેટ ફી પર મળતી મોટી ડિસ્કાઉન્ટ છે. LIC દ્વારા નોન-લિંક્ડ અને માઇક્રો વીમા યોજનાઓ માટે આ રાહત આપવામાં આવી છે. પોલિસી રિવાઈવ કરાવનારને 30% સુધી લેટ ફી ડિસ્કાઉન્ટ મળી શકે છે.
- જો બાકી પ્રીમિયમ ₹1 લાખ સુધી છે, તો 30% ડિસ્કાઉન્ટ (મહત્તમ ₹3,000) મળશે.
- ₹1 લાખથી ₹3 લાખ સુધીના પ્રીમિયમ પર પણ 30% ડિસ્કાઉન્ટ, પરંતુ મહત્તમ મર્યાદા ₹4,000 રહેશે.
- ₹3 લાખ અથવા તેથી વધુના પ્રીમિયમ માટે મહત્તમ ડિસ્કાઉન્ટ ₹5,000 સુધી મળશે.
- ખાસ વાત એ છે કે માઇક્રો વીમા યોજનાઓ માટે લેટ ફી પર 100% માફી આપવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત સમાન છે.
પોલિસી રિવાઈવ કરવાની શરતો
LIC એ સ્પષ્ટ કર્યું છે કે દરેક લેપ્સ્ડ પોલિસી આ ઝુંબેશ હેઠળ પુનર્જીવિત કરી શકાશે નહીં. ફક્ત તે જ પોલિસીઓ રિવાઈવ થઈ શકશે, જે પ્રીમિયમ ચૂકવણી સમયગાળા દરમિયાન લેપ્સ થઈ હોય અને જેમની મુદત હજુ પૂર્ણ ન થઈ હોય.
આ ઉપરાંત, પોલિસી પ્રથમ અવેતન પ્રીમિયમની તારીખથી 5 વર્ષની અંદર જ પુનર્જીવિત કરી શકાય છે. LIC એ એ પણ જણાવ્યું છે કે તબીબી અથવા આરોગ્ય સંબંધિત શરતોમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. જો પોલિસી રિવાઈવ કરવા માટે મેડિકલ ટેસ્ટ જરૂરી હશે, તો પોલિસીધારકે તે કરાવવો ફરજિયાત રહેશે.
ટ્રેન્ટના શેર ધારકો થશે માલામાલ! એક્સપર્ટ સુશીલ કેડિયાએ કરી મોટી આગાહી, જાણવા માટે અહીં ક્લિક કરો..
