ડ્રાઇવરોને “સારથી” કહો ! Ola, Uber, Rapido ને હવે ખરી ટક્કર મળશે, ભારત સરકારે નવી ટેક્સી એપ લોન્ચ કરી
ભારત સરકારે તાજેતરમાં એક નવી ટેક્સી એપ લોન્ચ કરી છે. આ એપ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ ડ્રાઇવિંગ અથવા ટેક્સી સર્વિસનો બિઝનેસ શરૂ કરવા માંગે છે.

ભારત સરકારે તાજેતરમાં એક નવી ટેક્સી એપ “ભારત ટેક્સી” લોન્ચ કરી છે. આ એપ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ ડ્રાઇવિંગ અથવા ટેક્સી સર્વિસનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. ‘ભારત ટેક્સી’ ઉબેર, ઓલા અને રેપિડો જેવી લોકપ્રિય ટેક્સી સર્વિસ સાથે સ્પર્ધા કરશે.
આ એપની વિશેષતા એ છે કે, તે ઝીરો-કમિશન મોડેલ પર કામ કરે છે, જેનાથી ડ્રાઇવરોને તેમના ભાડાનો મહત્તમ હિસ્સો મળી શકે છે. હાલમાં, આ એપ ફક્ત એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં આઇફોન યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
51,000 થી વધુ ડ્રાઇવર રજિસ્ટર્ડ થયા
મીડિયા રિપોર્ટસ મુજબ, ભારતની 8 મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા સમર્થિત એક નવી રાઇડ-હેલિંગ એપ્લિકેશન ‘ભારત ટેક્સી’એ રાષ્ટ્રીય રાજધાનીમાં પાયલોટ કામગીરી શરૂ કરી છે. આ એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓને પડકાર આપે છે. આમાં કાર, ઓટો અને બાઇક સર્વિસનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધીમાં 51,000 થી વધુ ડ્રાઇવર આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ થઈ ગયા છે.
ભારત ટેક્સી મોબાઇલ એપ હાલમાં ટ્રાયલ અને ફીડબેક માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે, App નું iOS વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં, દિલ્હી અને ગુજરાતમાં તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે અને ગ્રાહકો તરફથી એપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આની મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર પર ‘ભારત ટેક્સી ડ્રાઈવર’ નામથી જોવા મળશે.
ધ્યાનમાં રાખો કે, ફક્ત તે જ એપ ડાઉનલોડ કરો જે સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી હોય. ભારત ટેક્સીની આ પહેલ ભારતમાં ગિગ ઇકોનોમીના ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું છે. ‘ભારત ટેક્સી એપ’ સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ હેઠળ કામ કરે છે.
ડ્રાઇવરોને પૂરેપૂરું પેમેન્ટ
ભારત ટેક્સીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સસ્તા ભાવે સવારી પૂરી પાડવાનો છે. આ સાથે કેબ ડ્રાઇવરોને તેમની મહેનતનું સંપૂર્ણ વળતર મળી રહે, તે પણ ઉદ્દેશ્ય છે. સહકાર ટેક્સી કો-ઓપરેટિવ અનુસાર, આ પ્લેટફોર્મ પર ડ્રાઈવરોને ગ્રાહકો દ્વારા કરવામાં આવેલ પૂરેપૂરું પેમેન્ટ મળશે. આ સાથે, તેમને સંસ્થાના બોર્ડમાં પ્રતિનિધિત્વ અને શેર પર ડિવિડન્ડ પણ આપવામાં આવશે.
કોઈ કમિશન નહીં
ભારત ટેક્સીની એક વિશેષતા એ છે કે, તે કોઈ કમિશન લેશે નહીં. ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે, જે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક હોઈ શકે છે. આ રીતે, દરેક ટ્રિપમાંથી થતી સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઇવરના ખિસ્સામાં જશે. સરકાર માને છે કે, આનાથી નાણાકીય મજબૂતી મળશે અને લાખો ડ્રાઇવરોનો આત્મવિશ્વાસ વધશે. આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને “સારથી” કહેવામાં આવશે, “ડ્રાઇવર્સ” નહીં.
મુસાફરો માટે સરળ બુકિંગ
ભારત ટેક્સી એપમાં મુસાફરો માટે ઘણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. આ એપ સરળ બુકિંગ, ભાડું, રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને મલ્ટી-લેંગ્વેજ સપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરશે. વધુમાં, વેરિફાય થયેલ ડ્રાઇવર પ્રોફાઇલ્સ, 24×7 ગ્રાહક સપોર્ટ અને મુસાફરોને સલામતી મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
