ભારતે જીત્યો વર્લ્ડ કપ 2023 તો બીસીસીઆઈ પર થશે રૂપિયાનો વરસાદ, જાણો ખેલાડીઓને કેટલી રકમ મળશે?
19 નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચનો મહામુકાબલો યોજાશે. જેમાં જો ભારતીય ટીમ વિજય મેળવશે તો બીસીસીઆઈ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે અને સાથે જ ખેલાડીઓને પણ મોટી રકમ મળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે 19 નવેમ્બરે રમાશે. પીચને તૈયાર કરવાથી લઈને ઘણા વીવીઆઈપી અને લગભગ 1 લાખ દર્શકોની સુરક્ષાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી ચૂકી છે.
વિરાટ કોહલી, શુભમન ગિલ, મોહમ્મદ શમી અને સૂર્ય કુમાર યાદવ જેવા ક્રિકેટર્સના જોશથી ભરેલી ટીમ મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે 2003નો બદલો લેશે, જે બીસીસીઆઈને કરોડોની કમાણી પણ કરાવશે. જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો આ ટૂર્નામેન્ટમાં તે તમામ મેચ જીતનારી પસંદગીની ટીમમાં સામેલ થઈ જશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને બેઠા બેઠા કરોડો રૂપિયાની કમાણી થઈ જશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને બેઠા બેઠા કરોડો રૂપિયાની કમાણી
આઈસીસીએ વર્લ્ડ કપ ફાઈનલ જીતનારી ટીમ માટે 40 લાખ ડોલર (33.25 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની રાખી છે. જો કે ભારતીય ક્રિકેટ ટીમ બીસીસીઆઈની અંદર રમે છે, તેથી આ પ્રાઈઝ મની પહેલા બીસીસીઆઈને ખાતામાં આવશે. જો કે બીસીસીઆઈ આ પ્રાઈઝ મનીને પોતાની પાસે રાખતી નથી પણ વર્લ્ડ કપમાં રમનારી ટીમના ખેલાડીઓ અને કોચની વચ્ચે જ વહેંચી દે છે. એટલું જ નહીં ખેલાડીઓના સારા પ્રદર્શન પર તે પોતાની તરફથી તેમને બોનસ પણ આપે છે.
બીસીસીઆઈની આ કમાણી માત્ર આઈસીસી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતવાની પ્રાઈઝ મનીથી થશે. આ વખતે ભારતે જ વર્લ્ડ કપની મેજબાની કરી છે. ત્યારે સ્પોન્સરશિપથી લઈ ટિકિટ સેલિંગ અને ટીવી-ડિજિટલ રાઈટ્સ વગેરેથી થતી કમાણી અલગ છે.
હારનારી ટીમને પણ મળશે આટલા પૈસા
આઈસીસીની જાહેરાત મુજબ વર્લ્ડકપ ફાઈનલમાં હારનારી ટીમને પણ 20 લાખ ડોલર (16.62 કરોડ રૂપિયા) મળશે. જ્યારે સેમિફાઈનલમાં હારનારી બંને ટીમને 6.65 કરોડ રૂપિયાની રકમ મળશે. જ્યારે ગ્રુપ સ્ટેજ લેવલ બાદ બહાર થનારી દરેક ટીમને 83.12 લાખ રૂપિયા અને ગ્રુપ લેવલ મેચ જીતનારી દરેક ટીમને 33.25 લાખ રૂપિયાની પ્રાઈઝ મની મળશે.
આ પણ વાંચો: રણતુંગાના વિવાદિત નિવેદન પર શ્રીલંકા સરકાર ઝુકી, BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી