ભારત-અમેરિકા વેપાર સોદા માટેની વાતચીત સકારાત્મક રહી, 50 % નો ટેરિફ ઘટી શકે છે
મોદીએ અમેરિકાને એક આકરો સંદેશ પાઠવવા માટે ચીનના પ્રવાસે ગયા હતા. જ્યા એસસીઓની બેઠકમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુટિન સાથે હાથમાં હાથ મિલાવીને વાતચીત કરી હતી. આ તસવીરનો સીધો અર્થ એ હતો કે જરૂર પડ્યે ભારત અમેરિકાને તરછોડી શકે છે.

યુએસ વેપાર પ્રતિનિધિ કાર્યાલયના અધિકારીઓની એક ટીમ સોમવાર 15 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હી પહોંચી હતી. ગઈકાલ 16 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યુએસ ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં દિવસભર વાટાઘાટો ચાલી હતી. ત્યાર બાદ, ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચર્ચાઓ સકારાત્મક રહી હતી અને બંને પક્ષોએ “પરસ્પર ફાયદાકારક વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે પ્રયાસો ઝડપી બનાવવા”નો નિર્ણય લીધો છે. 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારત પર વધારાના 25 % ટેરિફ લાદ્યા પછી આ વાટાઘાટોમાં પ્રગતિના સંકેત તરીકે જોવામાં આવે છે.
ભારત દ્વારા રશિયા પાસેથી ઈંધણની કરાતી ખરીદીને કારણે અમેરિકાએ દંડનાત્મક પગલું લીધુ હતું, જેના કારણે અમેરિકાએ વેપાર વાટાઘાટો “થોભાવી” હતી. હાલમાં, ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર સોદા પર વાટાઘાટો ચાલી રહી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. થોડા દિવસો પહેલા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર સોદાનો પ્રથમ તબક્કો નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ બધા વચ્ચે, પ્રશ્ન એ છે કે, શું વેપાર સોદો થયા પછી ભારત પર લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ હટાવી લેવામાં આવશે? પ્રશ્ન એ પણ છે કે, વેપાર સોદો થયા પછી ભારતીય માલ પર કેટલો ટેક્સ લાદવામાં આવશે?
જે રીતે ભારતના કડકાઈ ભર્યા વલણ બાદ, અમેરિકા હવે કુણુ પડ્યું છે. આ જોતા વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલાનું કહેવું છે કે, અમેરિકાને ભારત વીના ચાલે તેવી સ્થિતિ નથી. તેથી તેઓ વાટાધાટો કરી રહ્યાં છે. જેમાં બન્ને દેશનું હિત સચવાઈ જશે. ભારત ઈચ્છે છે કે, 50 ટકા ટેરિફ હળવો થાય જ્યારે અમેરિકા ઈચ્છે છે કે, ભારતે ચીન અને રશિયા સાથે વ્યાપારિક સંબંધ ઓછો કરવો જોઈએ. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈના નથી તેની ખાતરી ભારતને થઈ ચૂકી છે આથી ભારત હવે દરેક ડગ સમજી વિચારીને માંડી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, તેઓ દેશહીતને પ્રાધાન્ય આપશે. ખેડૂત, પશુપાલક, માછીમારો અને અન્ય નાના ઉદ્યોગકારોના ભોગે કોઈ વેપાર કે સંધિ નહીં થાય. આ માટે મોદીએ અમેરિકાને એક આકરો સંદેશ પાઠવવા માટે ચીનના પ્રવાસે ગયા હતા. જ્યા એસસીઓની બેઠકમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુટિન સાથે હાથમાં હાથ મિલાવીને વાતચીત કરી હતી. આ તસવીરનો સીધો અર્થ એ હતો કે જરૂર પડ્યે ભારત અમેરિકાને તરછોડી શકે છે.
યુએસ ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચ અને તેમની ટીમે વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ભારતના ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ રાજેશ અગ્રવાલ અને તેમની ટીમે બેઠકમાં ભાગ લીધો. હતો.
આ પણ વાંચોઃ જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાયા સૂર