Breaking News: મોંઘવારીનો વધુ એક માર! HULએ સર્ફ એક્સેલ, રિન અને વ્હીલના ભાવમાં કર્યો 11% સુધીનો વધારો, જુઓ નવી કિંમતો
દેશની સૌથી મોટી FMCG કંપની HUL એ લોન્ડ્રી સાબુ અને સર્ફ બંનેના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો ₹1 થી ₹10 સુધીનો છે.

તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. દેશની અગ્રણી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ પોતાના લોકપ્રિય ડિટર્જન્ટ અને લોન્ડ્રી ઉત્પાદનોના ભાવમાં 11 ટકા સુધીનો વધારો કર્યો છે. કંપનીએ સર્ફ એક્સેલ, રિન અને વ્હીલ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સના વિવિધ પેકેટની કિંમતમાં રૂ. 1થી રૂ. 10 સુધીનો વધારો કર્યો છે. આ ભાવવધારાની સીધી અસર સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પડી શકે છે. કંપનીએ કાચા માલના વધતા ખર્ચ અને નફાનું માર્જિન જાળવી રાખવાના પ્રયાસો વચ્ચે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
સર્ફ એક્સેલના ભાવમાં કેટલો વધારો થયો?
HULએ સર્ફ એક્સેલના વિવિધ પેકેટના ભાવમાં વધારો કર્યો છે. સર્ફ એક્સેલ ક્વિક વોશના 1 કિલોગ્રામ પેકની કિંમત રૂ. 235થી વધારીને રૂ. 245 કરવામાં આવી છે. જ્યારે 500 ગ્રામના પેકની કિંમત રૂ. 123થી વધારીને રૂ. 128 કરવામાં આવી છે. બીજી તરફ, સર્ફ એક્સેલ ઇઝી વોશના 1 કિલોગ્રામ પેકની કિંમત રૂ. 167થી વધારીને રૂ. 172 કરવામાં આવી છે. જ્યારે 500 ગ્રામના પેકની કિંમત રૂ. 85થી વધારીને રૂ. 87 કરવામાં આવી છે.
સર્ફ એક્સેલ સાબુના ભાવમાં પણ વધારો થયો છે. 250 ગ્રામના સાબુની કિંમતમાં રૂ. 3નો વધારો કરીને રૂ. 45 કરવામાં આવી છે. જ્યારે 200 ગ્રામના સાબુના ચાર પેકની કિંમત રૂ. 145થી વધારીને રૂ. 155 કરવામાં આવી છે.
રિન અને વ્હીલના નવા ભાવ જાણો
કંપનીએ રિન અને વ્હીલના ઉત્પાદનો પણ મોંઘા કર્યા છે. રિન આલા 500 મિલીની કિંમત રૂ. 90થી વધારીને રૂ. 95 કરવામાં આવી છે. રિન ડિટર્જન્ટ પાવડરના 1 કિલોગ્રામ પેકની કિંમત રૂ. 120થી વધારીને રૂ. 123 અને 500 ગ્રામના પેકની કિંમત રૂ. 60થી વધારીને રૂ. 63 કરવામાં આવી છે.
વ્હીલ ડિટર્જન્ટ પાવડરના 1 કિલોગ્રામ પેકની કિંમત રૂ. 90થી વધારીને રૂ. 93 કરવામાં આવી છે. જ્યારે 500 ગ્રામના પેકની કિંમત રૂ. 46થી વધારીને રૂ. 47 કરવામાં આવી છે.
મોતી ગુલાબ સાબુ પણ મોંઘો થયો
HULએ માત્ર ડિટર્જન્ટ જ નહીં, પરંતુ સાબુની કિંમતમાં પણ વધારો કર્યો છે. મોતી ગુલાબ સાબુના 150 ગ્રામ પેકની કિંમત રૂ. 74થી વધારીને રૂ. 82 કરવામાં આવી છે. આ ઉત્પાદનમાં 10 ટકાથી વધુનો ભાવવધારો નોંધાયો છે. આમ, રોજિંદા વપરાશની અનેક વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય ગ્રાહકોના બજેટ પર તેની અસર પડી શકે છે.
કાચા માલના વધતા ખર્ચને કારણે ભાવવધારો
HULના જણાવ્યા અનુસાર, કાચા માલના ખર્ચમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને કંપની સમયાંતરે ઉત્પાદનોની કિંમતોમાં ફેરફાર કરતી રહે છે. કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રિયા નાયરે અગાઉ જણાવ્યું હતું કે કાચા માલના વધતા ખર્ચ અને કોમોડિટી મોંઘવારી વચ્ચે કંપની સમજદારીપૂર્વક ભાવમાં વધારો કરવાનું ચાલુ રાખશે. FMCG ક્ષેત્રની કંપનીઓ માટે કાચા માલનો વધતો ખર્ચ એક મોટો પડકાર બન્યો છે. ત્યારે HULના આ નિર્ણયથી હવે ગ્રાહકોએ ઘરવપરાશની વસ્તુઓ ખરીદવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે.
આ પણ વાંચો- Gold Silver Rate Today : અમદાવાદ, મુંબઈ કે દિલ્હી… કયા શહેરમાં સોનું થયું સૌથી મોંઘું? 10 નવેમ્બરના 24K-22K સોના અને ચાંદીના આંકડા જુઓ
