HIBOX Scam : લોકોના 500 કરોડ રૂપિયા ગાયબ ! રિયા ચક્રવર્તીથી લઈ એલ્વિશ યાદવ સુધીના નામ સામેલ
જો તમે પણ શેરબજારમાંથી પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો અને તેની ચકાસણી કર્યા વિના કોઈપણ ટ્રેડિંગ એપ્લિકેશન પર વિશ્વાસ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે એક ટ્રેડિંગ એપ 30,000 લોકો પાસેથી રૂપિયા 500 કરોડથી વધુની laundering કરી ચૂકી છે.
દેશમાં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. એક 30 વર્ષીય વ્યક્તિએ લગભગ 30,000 લોકો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘણા હાઈ-પ્રોફાઈલ યુટ્યુબર્સ અને સ્ટાર્સનું નામ પણ આ કૌભાંડમાં હોવાનું કહેવાય છે.
આ મામલામાં કાર્યવાહી કરતા દિલ્હી પોલીસના સાયબર સેલ IFSO (ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ)એ માસ્ટરમાઇન્ડ શિવરામની ધરપકડ કરી છે, જે ચેન્નાઈનો રહેવાસી છે. શિવરામે નવેમ્બર 2016માં સાવરુલ્લા એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બનાવી હતી અને ફેબ્રુઆરી 2024માં HIBOX નામની એપ લોન્ચ કરી હતી.
કેવી રીતે થયું કૌભાંડ?
HIBOX એપને એક રોકાણ યોજના તરીકે પ્રમોટ કરવામાં આવી હતી, જેમાં દરરોજ 1 થી 5 ટકા વ્યાજ, એટલે કે એક મહિનામાં 30% થી 90% સુધીના વળતરનું વચન આપવામાં આવ્યું હતું. ત્વરિત નફો મેળવવા માટે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં રોકાણકારોએ આ એપમાં રસ દાખવ્યો હતો. શરૂઆતમાં એપ પણ વળતર આપવાનું શરૂ કર્યું, જેનાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો. પરંતુ તેણે ટેકનિકલ ખામીઓ અને કાનૂની માન્યતાને ટાંકીને જુલાઈ 2024 થી ચુકવણી અટકાવી દીધી હતી.
આ સ્ટાર્સના નામ સામે આવ્યા
આ કૌભાંડ સાથે જોડાયેલા ઘણા યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇનફલૂઆન્સર જેમ કે એલ્વિશ યાદવ, લક્ષ્ય ચૌધરી, અભિષેક મલ્હાન, કોમેડિયન ભારતી સિંહ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ આ એપનો પ્રચાર કર્યો હતો. પોલીસે તમામને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
બેંક એકાઉન્ટ જપ્ત અને ED તપાસ
IFSO યુનિટે શિવરામના ચાર બેંક ખાતામાં હાજર રૂ. 18 કરોડ જપ્ત કર્યા છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પણ નોટિસ મોકલવામાં આવશે. આ કિસ્સામાં, પોલીસ Easebuzz અને Phonepe જેવી પેમેન્ટ ગેટવે કંપનીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે, જેણે વેરિફિકેશન પ્રક્રિયાને અનુસરી ન હતી અને નિયમોની અવગણના કરી હતી. પોલીસને આ એપ સંબંધિત 127થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં લોકોએ કહ્યું હતું કે તેમનું રોકાણ અટકી ગયું છે. આ પછી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.