Happy Women’s Day 2022: મહિલા સશક્તિકરકણને પ્રોત્સાહન, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મહિલાઓ માટે ખાસ યોજનાઓ
મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓનો લાભ લઈને મહિલાઓ ન માત્ર આત્મનિર્ભર બની રહી છે, પરંતુ દરેક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી રહી છે. આવો જાણીએ આવી કેટલીક યોજનાઓ વિશે.
સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવી રહી છે. આના પરિણામે આજે સમાજમાં મહિલાઓની ભૂમિકામાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. આજે ભાગ્યે જ કોઈ એવુ ક્ષેત્ર હશે જ્યાં મહિલાઓએ પોતાની હાજરી નોંધાવી ન હોય તો મહિલા દિવસ (8 માર્ચ) નિમિત્તે (International Women’s Day 2022), ચાલો જાણીએ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે જેનો લાભ લઈને મહિલાઓ દિવસેને દિવસે સશક્ત બની રહી છે.
કુંવરબાઈનું મામેરૂં યોજના
ગરીબ પરિવારને દીકરીના લગ્ન ખર્ચમાં સહાય મળી શકે તે માટે રાજ્ય સરકારે કુંવરબાઈનું મામેરું યોજના લાવી છે. જે સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરીવારની આવક રૂપિયા 1,20,000/- હોય અને શહેર વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક 1,50,000/- હોય એવા પરિવારો કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ લઇ શકે છે. પરિવારની ત્રણ કન્યા સુધી કુવરબાઈનું મામેરુ યોજનામાં લાભ લઈ શકે છે. જેમાં 12000/-ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના દ્વારા અનુસુચિત જાતિ, સામાજીક – શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા પરીવારની દીકરીઓને મદદ કરવામાં આવે છે.
ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના
વિધવા મહિલાઓના આર્થિક વિકાસ માટે “ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના” દ્વારા રાજ્યની મહિલાઓને દર માસે 1,250 રૂપિયાની સહાય સીધી તેના ખાતામાં જમા થાય છે, હવે વિધવા મહિલાઓનું સમાજમાં સ્વમાન સાથે સ્વીકૃતિ અને પુનઃ સ્થાપન થાય એ માટે વર્ષ 2021-22થી “વિધવા પુનઃલગ્ન” યોજના અમલી મૂકવામાં આવી છે, જે અંતર્ગત તેને 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
મહિલા સ્વાવલંબન યોજના
મહિલાઓ આર્થિક રીતે પગભર બને એ માટે વિવિધ યોજના અંતર્ગત આર્થિક સહાય / લોન આપવામાં આવે છે, મહિલા સ્વાવલંબન યોજના તેમજ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે સાધન સહાય આપવામાં આવે છે. ઉપરાંત યુવતીઓ અને મહિલાઓમાં વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ થાય એ માટે ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે ઘનિષ્ઠ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના
જો તમારા ઘરે દીકરીનો જન્મ થાય તો સરકાર દ્વારા પણ બાળકી મોટી થાય ત્યારે સહાય આપવામાં આવે છે, જેના માટે ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે, વ્હાલી દીકરી યોજના. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. સરકાર ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાકીય સહાય આપે છે. જેમાં દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 રૂપિયાની સહાય, નવમા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયાની સહાય અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે.
મહિલા ઉત્કર્ષ યોજના
મહિલાઓ સમાજમાં માનભેર ઉભી રહે તે માટે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 10 બહેનોનું એક સખી મંડળ, એમ કુલ 10 લાખ ‘સખી મંડળો’ નિર્મિત કરીને પ્રત્યેક સખીમંડળને 1 લાખ રૂપિયાની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત સખી મંડળ નિયમિત હપ્તા ભરશે તો 1 લાખ રૂપિયાની ઉપરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવાની જોગવાઇ છે.
આ પણ વાંચો : Russia-Ukraine crisis : યુક્રેન સંકટથી ભારતની આયાત પર થશે અસર, ઘણા ક્ષેત્રોમાં થશે ભારે નુકસાન