EDએ એમેઝોન અને ફ્યુચર ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યા, જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનો આપ્યો નિર્દેશ
એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સની પ્રાપ્તિની પુષ્ટિ કરી અને કહ્યું કે કંપની તેની સમીક્ષા કરી રહી છે અને નિર્ધારિત સમયની અંદર જરૂરી પગલાં લેવામાં આવશે. તે જ સમયે ફ્યુચર ગ્રૂપે હજી સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એમેઝોન ઈન્ડિયા (Amazon India) અને ફ્યુચર ગ્રુપ (Future Group)ના વરિષ્ઠ અધિકારીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનની તપાસના સંબંધમાં સમન્સ મોકલ્યા છે. જેમાં એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ પણ સામેલ છે. સત્તાવાર સુત્રોએ રવિવારે જણાવ્યું હતું કે આ અધિકારીઓને બે જૂથો વચ્ચેના વિવાદિત સોદા સાથે જોડાયેલા FEMA તપાસના સંબંધમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને કંપનીઓના અધિકારીઓને આગામી સપ્તાહમાં દસ્તાવેજો સાથે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સુત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઈન્ડિયાના વડા અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ ફ્યુચર ગ્રુપના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
વાણિજ્ય મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સૂચના આપી છે
વાણિજ્ય મંત્રાલયે EDને મલ્ટી-બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગને લઈને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દેશની મોટી ઈ-કોમર્સ કંપનીઓ સામે “જરૂરી પગલાં” લેવા જણાવ્યું હતું. આ સિવાય દિલ્હી હાઈકોર્ટે પણ એમેઝોન અંગે આકરી ટીપ્પણી કરી હતી. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેમાની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે યુએસ કંપની એમેઝોને ફ્યુચર ગ્રૂપની અનલિસ્ટેડ એન્ટિટી સાથે અમુક કરારો દ્વારા ફ્યુચર રિટેલ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે FEMA અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ મામલાની તપાસ કરી રહેલા EDના સૂત્રોએ જણાવ્યું કે આ બંને કંપનીઓના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે, જેથી કરીને તપાસ આગળ વધારી શકાય.
એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ સમન્સ મળ્યાની પુષ્ટિ કરી
એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સની પ્રાપ્તિની પુષ્ટિ કરી અને કહ્યું કે કંપની તેની સમીક્ષા કરી રહી છે અને નિર્ધારિત સમયની અંદર જરૂરી પગલાં લેવામાં આવશે. તે જ સમયે ફ્યુચર ગ્રુપે હજી સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બંને કંપનીઓ ફ્યુચર રિટેલના સંભવિત વેચાણને લઈને કાનૂની લડાઈમાં ફસાઈ છે. એમેઝોનનું કહેવું છે કે ફ્યુચર રિટેલને રિલાયન્સ રિટેલને વેચવાનો કરાર, તેની સાથે 2019માં થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો : સ્ટાર્ટ-અપમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યુ છે ભારત, 70થી વધુ સ્ટાર્ટ-અપ્સની કિંમત 1 અરબ ડોલરથી વધુ: PM મોદી