અશ્નીર ગ્રોવરને વધુ એક ઝટકો, દિલ્હી હાઈકોર્ટે તપાસ પર રોક લગાવવાની અરજી ફગાવી
BharatPeના સહ સ્થાપક અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવરને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગ્રોવર દંપત્તિની અરજીને ફગાવી દીધી હતી. બંનેએ તેમનમાં વિરુદ્ધ ચાલી રહેલ કેસની તપાસને રોકવાની અરજી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે BharatPeની ફરિયાદના આધારે દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIRના સંબંધમાં અશ્નીર ગ્રોવર અને માધુરી જૈન ગ્રોવર સામેની તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ કહ્યું હતું કે હાલના તબક્કે તપાસ પર રોક લગાવવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. આ નિર્ણય બાદ અશ્નીર ગ્રોવરની મુશ્કેલીમાં વધારો થયો છે.
દિલ્હી હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ દ્વારા આગોતરી સૂચના જારી કરવાની વાત છે તો અશ્નીર ગ્રોવર અને તેની પત્ની બંને કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય ઉપાયો અપનાવી શકે છે. કોર્ટે આ અંગે આદેશ આપ્યો અને કહ્યું, “આ કોર્ટનું માનવું છે કે હાલના તબક્કે, તપાસ પર સ્ટે આપવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી અને જ્યાં સુધી આગોતરી સૂચનાનો સંબંધ છે, અરજદારો કાયદા અનુસાર તેમની પાસે ઉપલબ્ધ અન્ય ઉપાયો અપનાવવા માટે સ્વતંત્ર છે. ”
આ પણ વાંચો:BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ
દિલ્હી હાઇકોર્ટે નોટિસ ફટકારી
દિલ્હી હાઇકોર્ટે અશ્નીર ગ્રોવર અને તેની પત્ની દ્વારા FIR રદ કરવા તેમજ વચગાળાની રાહત માટેની અરજી પર દિલ્હી પોલીસ અને BharatPeને નોટિસ ફટકારી છે. ડિસેમ્બર 2022માં BharatPeએ અશ્નીર ગ્રોવર અને માધુરી જૈન ગ્રોવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ વર્ષે મે મહિનામાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ તેમની વિરુદ્ધ FIR નોંધી હતી. BharatPe પર આશરે ₹81 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસે અશ્નીર ગ્રોવર અને માધુરી જૈન ગ્રોવર વિરુદ્ધની FIRમાં છેતરપિંડી, વિશ્વાસભંગ તેમજ ગુનાહિત અને ફોજદારી કાવતરાને લગતી ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓનો સમાવેશ કરી તપાસ હાથ ધરી હતી.
81 કરોડની છેતરપિંડીનો ગુનો
ગતવર્ષે કંપની ફંડમાં હેરાફેરી કરવા બદલ ભારતપેના MD અશ્નીર ગ્રોવર સામે આરોપ નોંધવામાં આવ્યા હતા. તેમની પર 81 કરોડની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયેલ છે. EOWએ અશ્નીર ગ્રોવર સહિત તેની પત્ની અને પરિવારના 5 સભ્યો પર જુદી-જુદી રીતે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં બેન્કિંગ, બિઝનેસ અને એજેંટ્સ સાથેની છેતરપિંડીને લઈને આરોપ લગાડવામાં આવ્યાં છે.
અગાઉના વર્ષથી અશ્નીર ગ્રોવર અને ફિનટેક કંપની વચ્ચે મતભેદ અને વિવાદો ચાલી રહ્યાં હતાં. છેલ્લાં 6 મહિનાની અંદર અશ્નીર ગ્રોવર પર 5 અલગ-અલગ રીતે કેસ નોંધવામાં આવેલ છે. તે સહિત કંપનીમાં અન્ય રીતે પૈસાની હેરાફેરી, કંપની સાથે વિશ્વાસઘાત અને સાક્ષીને નષ્ટ કરવાના મામલામાં ઘણા કેસ નોંધાયા છે.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…