બેન્ક ઓફ ઈન્ડિયાનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 90 % વધ્યો, કમાણીમાં ઘટાડો
બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ જણાવ્યું કે ડિસેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 90 ટકા વધીને 1,027 કરોડ રૂપિયા થયો છે. તેણે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 540.72 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
બેન્ક ઓફ ઈન્ડિયાએ (Bank of India) શુક્રવારે જણાવ્યું હતું કે તેની ખરાબ દેવાની સ્થિતિમાં સુધારો થવાને કારણે ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર (Q3)માં તેનો ચોખ્ખો નફો 90 ટકા વધીને 1,027 કરોડ રૂપિયા થયો છે. જાહેર ક્ષેત્રની બેંકે (Public Sector Bank) ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 540.72 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. બીઓઆઈએ (BOI) સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક ઘટીને 11,211.14 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 12,310.92 કરોડ રૂપિયા હતી.
તેમણે કહ્યું કે નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) પણ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 3,739 કરોડ રૂપિયાની સરખામણીએ આ વર્ષે ઘટીને 3,408 કરોડ રૂપિયા થઈ છે. બેંકની ગ્રોસ બેડ લોન અથવા નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ડિસેમ્બર 2021ના અંતે ઘટીને 10.46 ટકા પર આવી ગઈ છે.
બેંકના ગ્રાહકોને પડતી સમસ્યાઓ
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીના અંતમાં સિસ્ટમ અપગ્રેડેશન બાદથી બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને વ્યવહારમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોએ પોતે ફરિયાદ કરી છે કે તેઓ નેટ બેન્કિંગ, ચેક ક્લિયરન્સ અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રાહકોએ સોશિયલ મીડિયા દ્વારા ટ્રાન્ઝેક્શનમાં આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવ્યું છે.
નોંધનીય છે કે, બેન્ક ઓફ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે તેની કોર બેન્કિંગ સેવાઓને અપગ્રેડ કરી હતી અને પ્રક્રિયા 24 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું. બેંક ઓફ ઈન્ડિયા પણ તમામ ગ્રાહકોને તેમને પડતી સમસ્યાઓના જવાબો આપી રહી છે. તેમના ગ્રાહકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, તેમણે લખ્યું છે કે, ચાલુ સ્થળાંતર પ્રવૃત્તિને કારણે કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમે તમને શ્રેષ્ઠ સેવાઓની ખાતરી આપીએ છીએ.
અગાઉ, HDFC બેન્કે કહ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 10,342.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો થયો છે. ખાનગી બેંકની કુલ આવકમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ વ્યાજની આવક 13 ટકા વધીને 18,443.5 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ અગાઉના ગાળામાં આ 16,317.6 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતની શું છે સ્થિતિ