આખરે, સિટી બેંક અને એક્સિસ બેંક (Axis Bank) વચ્ચે એક કરાર થયો. એક્સિસ બેંકે 1.6 બિલિયન ડોલરમાં સિટી બેંક (Citi Bank) ઈન્ડિયા ઓપરેશન ખરીદ્યું છે. આ સોદો સંપૂર્ણપણે રોકડમાં છે. રિપોર્ટ અનુસાર, એક્સિસ બેંક સિટીગ્રુપ પાસેથી તેનો ઈન્ડિયા બેંકિંગ બિઝનેસ ખરીદી રહી છે. તેમાં સિટીગ્રુપનું ક્રેડિટ કાર્ડ, રિટેલ બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર લોન બિઝનેસનો સમાવેશ થાય છે. આ ડીલ હેઠળ એક્સિસ બેંક સિટી ગ્રુપની નોન-બેંકિંગ નાણાકીય કંપની સિટી કોર્પ ફાઇનાન્સને પણ ખરીદી રહી છે. સિટી કોર્પ ફાઇનાન્સ એસેટ આધારિત લોન એટલે કે કોલેટરલ આધારિત ફાઇનાન્સિંગ બિઝનેસમાં હતું. જેમાં કોમર્શિયલ વ્હીકલ લોન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન અને પર્સનલ લોન પોર્ટફોલિયોનો સમાવેશ થતો હતો.
માહિતી અનુસાર, ભારતમાં સિટીગ્રુપના સંસ્થાકીય ક્લાયન્ટ બિઝનેસને આ ડીલથી અલગ રાખવામાં આવ્યો છે. બેંક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે સિટીગ્રુપ ભારતના સંસ્થાકીય ગ્રાહકો માટે તેની સેવા ચાલુ રાખશે. સિટી બેંક સાથે કામ કરતા વર્તમાન કર્મચારીઓ અંગે કહેવામાં આવ્યું હતું કે તેઓને હવે એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ભારતમાં હાલમાં સિટી બેંકમાં 3600 કર્મચારીઓ કામ કરે છે. હવે આ કર્મચારીઓ એક્સિસ બેંક માટે કામ કરશે.
સિટી બેંકે 2021માં ભારત છોડવાનો નિર્ણય લીધો હતો
સિટીગ્રુપે એપ્રિલ 2021 માં તેની વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે ભારતમાં તેના ગ્રાહક બેંકિંગ વ્યવસાયમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. બેંકના વ્યવસાયમાં ક્રેડિટ કાર્ડ, રિટેલ બેંકિંગ, હાઉસિંગ લોન અને એસેટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ બેંકની ભારતમાં 35 શાખાઓ છે અને લગભગ 3600 લોકો તેના ગ્રાહક બેંકિંગ વ્યવસાયમાં કામ કરે છે. સિટીગ્રુપે ભારતમાં 1902 માં કામગીરી શરૂ કરી અને 1985 માં ગ્રાહક બેંકિંગ વ્યવસાયમાં પ્રવેશ કર્યો.
એક્સિસ બેંક પાસે 80 લાખ ક્રેડિટ કાર્ડ યુઝર્સ
એક્સિસ બેંક વિશે વાત કરીએ તો, હાલમાં દેશમાં તેના 80 લાખથી વધુ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે. સિટી બેંકના લગભગ 26 લાખ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે. ડીલ બાદ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડન યુઝ કરતા ગ્રાહકોની સંખ્યા 1 કરોડને પાર કરી જશે.
બેંકે 13 દેશોમાંથી બિઝનેસ સમેટી લીધો હતો
તમને જણાવી દઈએ કે એપ્રિલ 2021માં સિટીગ્રુપે ભારત સહિત 13 દેશોમાંથી તેના બેંકિંગ બિઝનેસને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ગ્રુપે આ નિર્ણય તેના વૈશ્વિક કારોબારને લઈને એક વિશેષ વ્યૂહરચના હેઠળ લીધો હતો. સિટીબેંકનો બિઝનેસ ભારત સહિત એશિયા પેસિફિક ક્ષેત્રના કુલ 10 દેશોમાં ફેલાયેલો હતો. આ દસ દેશોમાં તેનો કુલ બિઝનેસ 6.3 થી 8 બિલિયન ડોલર માનવામાં આવતો હતો.
સિટીગ્રુપ જે 13 દેશોમાંથી પોતાનો બિઝનેસ સમેટી રહ્યું છે તેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, ચીન, ઈન્ડોનેશિયા, કોરિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, પોલેન્ડ, રશિયા, તાઈવાન, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.