નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, આગામી 23 જુલાઈ, 2024ના રોજ સંસદમાં તેમનું સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટના દિવસે દરેક નાણાપ્રધાન હાથમાં લાલ રંગની બ્રીફકેસ અથવા બેગ રાખે છે. જો કે, 2019 દરમિયાન, સીતારમણે બ્રિફ્સકેસની પરંપરા તોડી અને લાલ રંગની ખાતાવહી પસંદ કરી. જ્યારે વર્ષ 2021માં તેમણે ટેબલેટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે પણ લાલ કપડાથી ઢાંકેલુ હતુ.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેગ લાલ રંગની જ કેમ હોય છે અથવા તેને લાલ રંગના કપડાથી કેમ ઢાંકવામાં આવે છે ? આમાં બીજા કોઈ રંગનો ઉપયોગ કેમ નથી કરાતો અને આ લાલ રંગની પરંપરા કેટલા સમયથી ચાલી આવે છે? જો તમારા મનમાં પણ આવા જ કેટલાક પ્રશ્નો છે, તો આજે અમે તમને બજેટ સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ બાબતો વિશે માહિતી આપીશું.
બજેટ બ્રીફકેસ અથવા બેગનો લાલ રંગ અંગ્રેજો સાથે સંકળાયેલો છે. નિષ્ણાતોના મતે, 1860 માં, બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટોને પ્રથમ વખત રાણીના મોનોગ્રામ સાથેની લાલ ચામડાની બ્રીફકેસ રજૂ કરી હતી. આ બેગ ગ્લેડસ્ટોન બોક્સ તરીકે ઓળખાય છે. લાલ રંગ પસંદ કરવા પાછળ બે કારણો છે.
પહેલું કારણ એ કે, સક્સે-કોબર્ગ-ગોથાની સેનામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, જેના કારણે બજેટ બ્રીફકેસ લાલ રંગની રજૂ કરવામાં આવી હતી. બીજું કારણ એ છે કે 16મી સદીના અંતમાં, રાણી એલિઝાબેથના પ્રતિનિધિએ સ્પેનિશ રાજદૂતને કાળી ખીરથી ભરેલી સ્વીટ ડીશ લાલ રંગના બ્રીફકેસમાં રજૂ કરી હતી, જેના કારણે લાલ રંગની બેગની પરંપરા શરૂ થઈ.
બજેટનો દિવસ અર્થતંત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ માટે ખાસ હોય છે. આ દિવસે નાણાપ્રધાન ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરતા હોય છે. આથી વિવિધ વર્ગને સ્પર્શતી જાહેરાતોને લગતા દસ્તાવેજો ધરાવતી થેલી કે બેગ પણ ખાસ હોય છે. આથી તે આકર્ષક લાગે તેવા રંગની બ્રીફકેસ અથવા બેગમાં રજૂ કરવામાં આવતુ હોય છે.
લાલ રંગ ધ્યાન આકર્ષિત કરે છે, તેથી મહત્વપૂર્ણ જાહેરાતો માટે આ રંગ વધુ સારી પસંદગી માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગને ભારતીય પરંપરાનું પ્રતીક પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે, ધાર્મિક ગ્રંથોને આવરી લેવા માટે પણ લાલ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે, તેના કારણે બજેટની જાહેરાતમાં આ રંગનું વિશેષ મહત્વ હોય છે.