દત્ત જયંતી પર આ રીતે કરો પ્રભુ દત્તાત્રેયની ઉપાસના, દૂર થશે સંકટ અને ફળશે કામના !
ગુરુ દત્તની (Guru Datt) પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય, બંન્ને રીતે હકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરે છે. તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા અસર કરી જ નથી શકતી !
ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. માન્યતા અનુસાર તે માગશર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું. અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે. ત્યારે આવો જાણીએ કે આ દત્ત જયંતી પર કેવી રીતે પ્રભુ દત્તાત્રેયની ઉપાસના કરવી જોઈએ, કે જેથી સવિશેષ લાભની પ્રાપ્તિ કરી શકાય.
પૂજનવિધિ
⦁ સર્વ પ્રથમ નિત્યકર્મથી પરવારીને સ્વચ્છ અને ધોયેલા વસ્ત્ર ધારણ કરો. સાથે જ દત્તાત્રેય પૂજનનો સંકલ્પ લો.
⦁ ઘરના મંદિર પાસે અથવા ઘરની સ્વચ્છ જગ્યા પાસે એક બાજોઠ પર પ્રભુ દત્તાત્રેયની તસવીર કે મૂર્તિની સ્થાપના કરો.
⦁ દત્તાત્રેય ભગવાનને પીળા રંગના પુષ્પ અર્પણ કરો.
⦁ નૈવેદ્યમાં પ્રભુને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી.
⦁ ગણેશજી સહિત તમારા કુળદેવી કે કુળદેવતા, ગુરુદેવ તેમજ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીનું ધ્યાન ધરો.
⦁ ત્યારબાદ દત્તાત્રેય ગાયત્રી મંત્ર, “ૐ દિગંબરાય વિદ્મહે યોગીશ્રારય્ ધીમહી તન્નો દત્ત: પ્રચોદયાત ।”નો 108 વાર જાપ કરો
⦁ મંત્રજાપ પૂર્ણ થયા બાદ પ્રભુ સમક્ષ તમારા સંકટોને દૂર કરવા માટે, તેમજ કામનાપૂર્તિ અર્થે પ્રાર્થના કરો.
⦁ આજના દિવસે યથાશક્તિ પશુ, પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે.
લાભદાયી અને સરળ દત્તમંત્ર
⦁ ૐ દ્રાં દત્તાત્રેયાય સ્વાહા
⦁ ૐ મહાનાથાય નમઃ ।
દત્ત જયંતીના અવસર પર ઉપરોક્ત સરળ મંત્રનો જાપ કરવો પણ લાભદાયી બની રહેશે. પણ, યાદ રાખો, આ મંત્રોનો ઓછામાં ઓછો 108 વખત જાપ થાય તે ખૂબ જ જરૂરી છે.
ફળ પ્રાપ્તિ
પ્રભુ દત્તાત્રેયની ઉપાસના કરનાર સાધકોને વિધ-વિધ પ્રકારના ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે આવો, આપણે એ પણ જાણીએ કે સાધકને કેવાં-કેવાં પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનારા છે પ્રભુ દત્તાત્રેય.
ખોટી સંગતથી બચાવ
જો વ્યક્તિ ખોટી સંગતમાં કે ખોટા રસ્તે જતી હોય તો દત્ત ઉપાસનાને લીધે તે તેમાંથી બહાર આવે છે. અને વ્યક્તિ સન્માર્ગ પર ચાલવા લાગે છે.
સંતતિની પ્રાપ્તિ
પ્રભુ દત્તાત્રેયના આશીર્વાદથી વ્યક્તિની સંતાન પ્રાપ્તિની અને જ્ઞાન પ્રાપ્તિની ઝંખના પૂર્ણ થાય છે.
હકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ
ગુરુ દત્તની પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય, બંન્ને રીતે હકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરે છે. તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા અસર નથી કરી શકતી.
પાપ નષ્ટ
માન્યતા અનુસાર જે વ્યક્તિ આસ્થા સાથે પ્રભુ દત્તાત્રેયની પૂજા કરે છે, તેના જીવનના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)