વિવિધ રાશિના જાતકોની વિવિધ કામનાને પૂર્ણ કરશે આ પૂર્ણિમા ! જાણો કઈ રાશિ પર વરસશે લક્ષ્મીનારાયણની કૃપા ?
આજના દિવસે ધન રાશિના (zodiac sign) જાતકોએ એક શ્રીફળ લેવું ત્યારબાદ તેની પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું અને તે શ્રીફળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. આ શ્રીફળ અર્પણ કર્યા પછી તેનો પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચી દેવો. તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને સાથે જ રવિવારનો શુભ સંયોગ પણ છે. વિધ વિધ કામનાઓની પૂર્તિ અર્થે આ સંયોગ ખૂબ જ ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે 12 રાશિના જાતકો કેટલાંક ખાસ ઉપાય અજમાવીને તેમના વિવિધ મનોરથોને સિદ્ધ કરી શકે છે. ત્યારે આવો જાણીએ કે રાશિ અનુસાર આજે આપે કયુ કાર્ય કરવું લાભદાયી નીવડશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ ધનની વૃદ્ધિ અર્થે આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવું. પૂજન સમયે માતા લક્ષ્મીને 11 અખંડ અક્ષત અર્પણ કરવા. અક્ષત અર્પણ કરતી વખતે માતા લક્ષ્મીના આ વિશેષ મંત્રનો જાપ કરવો. “ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મૈ નમઃ”
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન જગન્નાથની વિશેષ કૃપા પ્રાપ્તિ અર્થે મંદિરમાં એક લાલ વસ્ત્ર પાથરીને તેની પર ભગવદ્ ગીતાજીને રાખવા. ત્યારબાદ 11 વાર “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરતા કરતા ગીતાજીને બંને હાથે સ્પર્શ કરવો. અને પછી તે હાથ પોતાની આંખો પર લગાવવો. આ ઉપાયથી જીવનના તમામ સંતાપોનું શમન થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કન્યાને કે જરૂરિયાતમંદ મહિલાને પીળા રંગના વસ્ત્ર દાન કરવા જોઇએ. તેનાથી તેમને આશીર્વાદની પ્રાપ્તિ થશે, આજના દિવસે આ ઉપાય અજમાવવાથી આપની પર ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
આજે જેઠ સુદ પૂનમે કર્ક રાશિના જાતકોએ બાળકો સાથેના તેમના સંબંધોમાં સુમેળતા સાધવા માટે બાળકોને ગમતી હોય તેવી 32 વસ્તુઓ લેવી. ત્યારબાદ બાળકોના હાથે જ તે વસ્તુઓનું જરૂરિયાતમંદ લોકોને દાન કરાવવું જોઇએ.
સિંહ રાશિ
આજના દિવસે સિંહ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુના 12 નામનું ઉચ્ચારણ કરતા તેમને પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આ 12 નામ અચ્યુત, અનંત, દામોદર, કેશવ, નારાયણ, શ્રીધર, ગોવિંદ, માધવ, ઋષિકેષ, ત્રિવિક્રમ, પદ્મનાભ અને મધુસૂદન છે. આ પુષ્પ અર્પણ કર્યા બાદ સાંજના સમયે આ પુષ્પને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવા. આ ઉપાય અજમાવવાથી આપની પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ દાંપત્યજીવન સુખ મેળવવા અને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હનુમાજીને લાલ રંગના વસ્ત્રની સાથે તરબૂચ અર્પણ કરવું જોઇએ. તેનાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે.
તુલા રાશિ
આજના દિવસે તુલા રાશિના જાતકોએ થોડી હળદર લઇને તેને શુદ્ધ જળમાં ઉમેરવી. ત્યારબાદ હળદરથી ઘરના મુખ્યદ્વારની બંને તરફ સ્વસ્તિકનું ચિન્હ કરવું જોઇએ. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી. તેનાથી આપના કાર્યમાં આપને પ્રગતિ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાની પ્રગતિને કોઇની નજર ન લાગે તે માટે ખાસ એક ઉપાય અજમાવવાની જરૂર છે. તેના માટે આજના દિવસે ગાયને મીઠાવાળી વસ્તુ ખવડાવવી જોઇએ. તેનાથી આપની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે.
ધન રાશિ
આજના દિવસે ધન રાશિના જાતકોએ એક શ્રીફળ લેવું. ત્યારબાદ તેની પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું અને તે શ્રીફળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. આ શ્રીફળ અર્પણ કર્યા પછી તેનો પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચી દેવો. તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
મકર રાશિ
આજના દિવસે મકર રાશિના જાતકોએ ઘરમાં રહેલ નકારાત્મક શક્તિઓને દૂર કરવા વિશેષ ઉપાય અજમાવવો. હળદરમાં થોડું જળ મિશ્રિત કરીને તેનાથી ઘરના મુખ્યદ્વારની બંને બાજુ પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જોઇએ.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ આજે ચંદ્રની ચાંદનીમાં બેસીને “ૐ સોમાય નમઃ” મંત્રનો 21 વખત જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આ ઉપાય અજમાવવાથી વ્યક્તિને માનસિક વિકારોમાંથી મુક્તિ મળે છે.
મીન રાશિ
આજના દિવસે મીન રાશિના જાતકોએ પોતાની ઘણાં સમયથી અપૂર્ણ રહેલી મનોકામનાની પૂર્તિ માટે એક કાગળ લેવો. તેમાંથી નાની નાની 51 ચબરખીો બનાવી લેવી. તે દરેક પર પોતાની મનોકામના લખવી. હવે તે ચબરખીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને ભગવાન વિષ્ણુના મંદિરમાં સમર્પિત કરી દેવી. આ ઉપાય અજમાવવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ઝડપથી મનોકામનાની પૂર્તિ કરશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)