Shravan 2021 : શારીરિક અને આદ્યાત્મિક શુદ્ધિ સાથે અઢળક આશિષ આપશે મહાદેવનો આ ખાસ મંત્ર !
ઓમકારથી શરૂ થતો આ મંત્ર આપણા શરીરમાં રહેલા સાત ચક્રોની આસપાસ ઊર્જાનો સંચાર કરે છે. માત્ર મંત્રનું ઉચ્ચારણ કરનાર પર જ નહીં, સાંભળનાર પર પણ આ સંચાર થાય છે. રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
મહાદેવ (Mahadev), દેવાધિદેવ, ભોળાનાથ કે વળી કહીએ ભૂતનાથ. શિવજી તો અનેક નામે પૂજાય અને તેમના ભક્તોને અનેકગણા ફળની પ્રાપ્તિ પણ કરાવે. જો શુદ્ધ મનથી અને આસ્થાથી ભોળાનાથને ભજવામાં આવે તો તે ઝટથી ભક્તની મનોવાંચ્છિત ઈચ્છાને પરિપૂર્ણ કરનારા મનાય છે. શંભુ તો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતતિ, સુસ્વાસ્થ્યના આશીર્વાદની સાથે તમામ પ્રકારના દોષમાંથી પણ મુક્ત કરનારા મનાય છે.
એવું કહેવાય છે કે શિવજી એ તો મૃત્યુ પર વિજયની પ્રાપ્તિ કરાવનારા દેવ છે. ભૂત-પ્રેતના ભયમાંથી મુક્ત કરનારા દેવ છે. પણ સવાલ તો એ થાય કે શિવજી પાસે આ તમામ ફળની પ્રાપ્તિ કરવા માટે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા ? શું કોઈ વિશેષ તકેદારી અને નિયમો સાથે કઠોર તપ કરવું પડે ? કે પછી આકરું વ્રત કરીએ તો મહાદેવ પ્રસન્ન થાય ?
ભક્તોને મૂંઝવતા આ તમામ સવાલોનો માત્ર એક જ જવાબ છે. અને તે છે એક મંત્ર ! મહેશ્વરનો મનશાપૂર્તિ મંત્ર ! જી હાં, મહાદેવના માત્ર એક મંત્રમાં ભક્તના સઘળા મનોરથોને પૂર્ણ કરવાનું સામર્થ્ય છે. આ એ મંત્ર છે કે જેનો નિયમિત જાપ કરવાથી મૃત્યુ પર વિજયની પ્રાપ્તિ કરાવે છે દેવાધિદેવ ! આ મંત્રના જાપથી વધે છે વ્યક્તિનું આયુષ્ય અને દેવાધિદેવ નો આ મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર. (Maha Mrityunjaya Mantra)
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।
મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન શિવના પ્રમુખ મંત્રોમાં સ્થાન ધરાવે છે. અકાળ મૃત્યુના યોગને ટાળવાની ક્ષમતા ધરાવે છે આ મંત્ર. કહે છે કે નિત્ય રુદ્રાક્ષની માળાથી આ મંત્રના 108 વખત જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે. કાલસર્પ દોષ કે કુંડળીના દોષનું પણ આ મંત્રથી નિવારણ થાય છે. જો સંપૂર્ણ વર્ષ દરમિયાન આ જાપ કરી શકાય તેમ ન હોય તો પણ શ્રાવણ માસમાં શક્ય એટલાં દિવસ આ મંત્રનો જાપ ચોક્કસથી કરવો.
મહામૃત્યુંજય મંત્રનું ધાર્મિક દૃષ્ટિએ જેટલું મહત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્વ છે. સ્વર વિજ્ઞાન અનુસાર મૃત્યુંજય મંત્રના ઉચ્ચારણ માત્રથી શરીરમાં કંપન પેદા થાય છે. જે શરીરની નાડીઓને શુદ્ધ કરે છે. ઓમકારથી શરૂ થતો આ મંત્ર આપણા શરીરમાં રહેલા સાત ચક્રોની આસપાસ ઊર્જાનો સંચાર કરે છે.
માત્ર મંત્રનું ઉચ્ચારણ કરનાર પર જ નહીં, સાંભળનાર પર પણ આ સંચાર થાય છે. આ ચક્રોનાં કંપનથી શરીરમાં શક્તિનો વેગ વધે છે. રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. એટલે કે આ એક મંત્ર ઈચ્છાઓની પૂર્તિની સાથે શારીરિક અને આદ્યાત્મિક શુદ્ધિ પણ કરશે.
મહામૃત્યુંજય મંત્રના જાપમાં અચૂક રાખો આ સાવધાની
⦁ મંત્રજાપ વખતે મન અને શરીરની શુદ્ધિ અનિવાર્ય છે.
⦁ મંત્રનું ઉચ્ચારણ વ્યવસ્થિત કરો. જો વ્યક્તિ જાતે ન કરી શકે તો કોઈ બ્રાહ્મણને બોલાવી મંત્રજાપ કરાવી શકાય.
⦁ મહાદેવની સન્મુખ બેસીને જ કરો જાપ.
આ મંત્ર એ ખુબ પ્રભાવશાળી હોવાનો શાસ્ત્રોનો પણ મત છે. ત્યારે સાવધાની સાથે, શ્રદ્ધા સાથે જો આ ખાસ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના દરેક મનોરથ મહાદેવ પૂર્ણ કરે છે અને અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે મહાદેવ.
આ પણ વાંચો : આ જ્યોતિર્લિંગનું તો વર્ણન સાંભળવા માત્રથી થઈ જાય છે સમસ્ત પાપોનો નાશ ! શિવજીએ સ્વયં દીધું વરદાન
આ પણ વાંચો : જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ