દીપમ વિવાદ વચ્ચે PM મોદીની ભગવાન મુરુગનને લઈને ખાસ પોસ્ટ, લખ્યું- ‘ભગવાન મુરુગનનો વિજય હો’
મદુરાઈના થિરુપરંકુન્દ્રમ પહાડ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાને લઈને વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હોવા છતાં પાલન ન થતા કડક વલણ અપનાવ્યું. આ વિવાદ વચ્ચે PM મોદીએ 'વેટ્રિવેલ મુરુગનુક્કુ અરોહરા' પોસ્ટ કરી. કોર્ટે મંદિર બોર્ડને સસ્પેન્ડ કરી CRPF તૈનાત કરવાનો આદેશ આપ્યો.

તમિલનાડુના મદુરાઈ સ્થિત થિરુપરંકુન્દ્રમ પહાડ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાને લઈને ચાલી રહેલો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. આ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાન મુરુગનને સમર્પિત સોશિયલ મીડિયા પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. PM મોદીએ તમિલ ભાષામાં ‘વેટ્રિવેલ મુરુગનુક્કુ અરોહરા’ લખીને પોસ્ટ કરી હતી. આ મંત્રનો અર્થ થાય છે ‘ભગવાન મુરુગનનો વિજય હો’. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દીપમ વિવાદમાં તમિલનાડુ સરકાર અને મંદિર વહીવટીતંત્ર સામે કડક વલણ અપનાવ્યા બાદ PM મોદીની આ પોસ્ટ સામે આવી છે. જોકે, વડાપ્રધાને પોતાની પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશ કે દીપમ વિવાદનો કોઈ સીધો ઉલ્લેખ કર્યો નથી.
શું છે થિરુપરંકુન્દ્રમ દીપમ વિવાદ?
સમગ્ર વિવાદ તમિલનાડુના મદુરાઈમાં આવેલા થિરુપરંકુન્દ્રમ પહાડ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાની પરંપરા સાથે જોડાયેલો છે. અહીં આવેલા દીપથૂન નામના પથ્થરના સ્તંભ પર પરંપરાગત રીતે દીવો પ્રગટાવવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે વિવાદ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આ સ્થળે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, 24 નવેમ્બરે કાર્તિકી પૂનમના નિર્ધારિત દિવસે પરંપરાગત સ્થળ એટલે કે દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. તેના બદલે અન્ય જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.
થિરુપરંકુન્દ્રમ પહાડ પર મંદિર અને દરગાહ, શું છે સમગ્ર વિવાદ?
તમિલનાડુના મદુરાઈમાં આવેલો થિરુપરંકુન્દ્રમ પહાડ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ પહાડ પર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયનાં ધાર્મિક સ્થળો આવેલાં છે. પહાડની તળેટીમાં ભગવાન મુરુગનનું પ્રાચીન અને પ્રસિદ્ધ સુબ્રમણ્ય સ્વામી મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન મુરુગનનાં છ પવિત્ર નિવાસસ્થાનો એટલે કે ‘આરુપડાઈ વીડુ’ પૈકીનું એક માનવામાં આવે છે. બીજી તરફ, આ જ પહાડ પર મુસ્લિમ સમુદાયનું પવિત્ર સ્થળ સિકંદર બાદુશા દરગાહ આવેલી છે, જેની સાથે મસ્જિદ પણ જોડાયેલી છે. આ દરગાહને કારણે પહાડનું ધાર્મિક મહત્ત્વ બંને સમુદાયો માટે વિશેષ બની જાય છે.
તમિલનાડુના મદુરાઈમાં આવેલો થિરુપરંકુન્દ્રમ પહાડ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ પહાડ પર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયનાં ધાર્મિક સ્થળો આવેલાં છે. પહાડની તળેટીમાં ભગવાન મુરુગનનું પ્રાચીન અને પ્રસિદ્ધ સુબ્રમણ્ય સ્વામી મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન મુરુગનનાં છ પવિત્ર નિવાસસ્થાનો એટલે કે ‘આરુપડાઈ વીડુ’ પૈકીનું એક માનવામાં આવે છે. બીજી તરફ, આ જ પહાડ પર મુસ્લિમ સમુદાયનું પવિત્ર સ્થળ સિકંદર બાદુશા દરગાહ આવેલી છે, જેની સાથે મસ્જિદ પણ જોડાયેલી છે. આ દરગાહને કારણે પહાડનું ધાર્મિક મહત્ત્વ બંને સમુદાયો માટે વિશેષ બની જાય છે.
દરગાહ અને દીપથૂન વચ્ચે શું છે સંબંધ?
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર પહાડ પર આવેલો દીપથૂન નામનો પથ્થરનો સ્તંભ છે. હિન્દુ પક્ષની માગણી છે કે કાર્તિકૈ દીપમના પવિત્ર અવસરે આ પરંપરાગત સ્તંભ પર દીવો પ્રગટાવવાની મંજૂરી મળવી જોઈએ. તેમનો દાવો છે કે આ સ્થળે ધાર્મિક પરંપરા મુજબ દીવો પ્રગટાવવો જોઈએ. બીજી તરફ, આ સ્થળની નજીક દરગાહ આવેલી હોવાથી ત્યાં દીવો પ્રગટાવવાના મુદ્દે મુસ્લિમ સમુદાય તરફથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ રીતે એક જ પહાડ પર આવેલા બંને ધર્મસ્થળો વચ્ચેના સ્થળ અને ધાર્મિક પરંપરાને લઈને વિવાદ કાનૂની લડાઈ સુધી પહોંચ્યો છે.
કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો મામલો?
દીપથૂન પર દીવો પ્રગટાવવાની માગણીને લઈને થયેલી કાનૂની લડાઈમાં મદ્રાસ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આ સ્થળે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, 24 નવેમ્બરે નિર્ધારિત દિવસે દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો ન હતો. આદેશનું પાલન ન થવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને 28 નવેમ્બરે ફરી દીપથૂન પર દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો.
આદેશનું પાલન નહીં થતાં સુપ્રીમ કોર્ટની ઝાટકણી
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન થતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. કોર્ટે તમિલનાડુ સરકાર અને મંદિર વહીવટીતંત્રના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. દીપમ વિવાદમાં કોર્ટના આદેશનું પાલન ન થવા અંગે કડક વલણ અપનાવીને 28 નવેમ્બરે ફરી એકવાર દીપથૂન પર દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મંદિરના વહીવટને લઈને પણ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કોર્ટે મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કરીને બે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોને મંદિરના વહીવટની જવાબદારી સોંપવાનો આદેશ આપ્યો છે. મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ને તહેનાત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ કોર્ટના અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
PM મોદીની પોસ્ટની ચર્ચા
એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દીપમ વિવાદમાં કાનૂની અને વહીવટી કાર્યવાહી તેજ બની છે, ત્યારે બીજી તરફ PM મોદીની ભગવાન મુરુગનને સમર્પિત પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. તમિલ મંત્ર ‘વેટ્રિવેલ મુરુગનુક્કુ અરોહરા’ દ્વારા તેમણે ભગવાન મુરુગનના જયઘોષ સાથે પોતાની લાગણી વ્યક્ત કરી છે. જોકે, આ પોસ્ટને દીપમ વિવાદ સાથે સીધી રીતે જોડતી કોઈ સ્પષ્ટતા વડાપ્રધાન તરફથી કરવામાં આવી નથી. તેમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશ અને વિવાદના તાજા ઘટનાક્રમ વચ્ચે આ પોસ્ટ સામે આવતાં તેનું વિશેષ ધ્યાન ખેંચાયું છે.
