પિતૃ પક્ષ( Pitru paksh) એટલે પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. આપણી સંસકૃતિમાં શ્રાદ્ધ કર્મનું ખાસ મહત્વ છે. તર્પણ વિધિ અને પીંડદાન એ તો શ્રાદ્ધ પક્ષમાં વિશેષ મહત્વ ધરાવે છે. અલબત્, શ્રાદ્ધની સંપૂર્ણ રીતમાં શ્રાદ્ધની સામગ્રીનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે કુશા, કાળા તલ, ચોખા અને જવ આ ચાર સામગ્રી વગર તો શ્રાદ્ધ જ અધુરૂ ગણાય છે. એવું કહેવાય છે શ્રાદ્ધમાં વપરાતી આ સામગ્રી પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની પણ આપણને શીખ આપે છે. ત્યારે આવો આજે અમે આપને જણાવીએ કે આ તમામ દ્રવ્યોનું કેમ વિશેષ મહત્વ છે. આજે એ પણ જાણીશું કે શ્રાદ્ધની પ્રક્રિયામાં વપરાતી આ ત્રણેય સામગ્રી આપણને શું સૂચવે છે.
કાળા તલ
ભગવાન વિષ્ણુના પરસેવામાંથી તલની ઉત્પતિ થઈ હોવાની માન્યતા છે. એટલે જ શ્રાદ્ધમાં તેનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. કાળા તલને પિતૃઓની તૃપ્તિનું સાધન માનવામાં આવે છે. કહે છે કે તલના ઉપયોગથી પીંડદાન કરવામાં આવે તો પૂર્વજોને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમને ખ્યાલ હશે કે શ્રાદ્ધ સ્થળ પર તલનો છંટકાવ કરવામાં આવે છે. તેની પાછળ માન્યતા એવી છે કે જે પૂર્વજોનું આહ્વાન કરવામાં આવ્યું છે તે નિશ્ચિત સ્થળ પર પિતૃઓ પધારે છે.
કુશા
શ્રાદ્ધ કર્મ માટે વપરાતી કુશા એ શ્રાદ્ધ માટચે વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. એવું કહેવાય છે કે કુશા એ પિતૃઓ સાથે વ્યક્તિનો સીધો સંપર્ક કરાવે છે. માન્યતા તો એવી પણ છે કે, કુશા એટલે વિષ્ણુના વરાહ અવતારનો રોમ અંકુર ! કહે છે કે કુશામાંથી તેજોમય તરંગો પ્રસરે છે એટલે કુશાને પ્રકાશનું પ્રતિક પણ માનવામાં આવે છે. જે સ્થાન પર શ્રાદ્ધની પ્રક્રિયા થાય છે તે સ્થાન પર રજસ અને તમસ ગુણોનો પ્રભાવ પણ કુશા ઘટાડે છે અર્થાત નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો કરે છે.
જવ
જવ તમો ગુણ વૈભવનું પ્રતિક છે. એવું કહેવાય છે કે જે મૃતકોને જીવનપર્યંત વૈભવ કે સુખની પ્રાપ્તિ નથી થઈ એવા પૂર્વજોને જવ અર્પણ કરવાંથી વૈભવ કે સુખનો સંતોષ આપે છે. જવથી નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે.
અક્ષત અર્થાત ચોખા
અક્ષતને દેવઅન્ન માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે અક્ષત અર્પણ કરવામાં આવે છે. અક્ષતને ધન-ધાન્યનું પહેલું પ્રતિક માનવામાં આવે છે. શ્રાદ્ધ પર પિતૃઓને અર્પણ કરવામાં આવતી ખીર એ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે તેને ગ્રહણ કરે છે ત્યારે તેને તૃપ્તિનો અનુભવ થાય છે અને શ્રાદ્ધ કરનાપ પર તેના પિતૃઓની કૃપા વરસે છે.
આ પણ વાંચો: શ્રાદ્ધ પક્ષમાં કેમ કાગડાને કરાવાય છે ભોજન ? જાણો કઈ રીતે શરૂ થઈ પિતૃપક્ષમાં કાગડાને ભોજનની પરંપરા
આ પણ વાંચો: ક્યાંક તમે તો નથી કરતાં ને શ્રાદ્ધમાં આ ભૂલ ? જાણીલો શ્રાદ્ધ સંબંધી આ 10 વાત