જાણો દેવામાંથી કેવી રીતે મુક્તિ અપાવશે ગણેશજીને અર્પણ કરેલ એક લડ્ડુ
જો તમે ધનની ઇચ્છા રાખતા હોવ તો ભગવાન ગણેશને (Ganesh) શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવો. પછી આ ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવા. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

હિન્દુ ધર્મમાં સૌપ્રથમ પૂજનીય દેવ ગણાય છે ગણેશજી એટલે જ જીવનમાં ગણેશજીની કૃપા રહે તો જીવનમાં બધુ જ મંગળ જ મંગળ રહે છે. ગણેશજી વિઘ્નોને હરનારા દેવ મનાય છે. કહે છે કે જેની પર ગણપતિદાદાની કૃપા થાય તેના જીવનમાં આવનાર દરેક સમસ્યાઓ કે કષ્ટો દૂર થઇ જાય છે. અને એમાં પણ મંગળવાર , બુધવાર , સંકષ્ટી કે અંગારકી સંકષ્ટીનો અવસર તો શ્રીગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારો મનાય છે. ત્યારે આવો, આજે જાણીએ તેમની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાના ઉપાય કે જે તમને કરાવશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ.
⦁ ગણેશ પૂજાનું શુભફળ
સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઇ ગણેશજીની પૂજા કરો. પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવો. પૂજા દરમિયાન ગણેશજીને ધૂપ, દીપ અર્પણ કરો. ત્યારબાદ ફળ, ફૂલ, ચોખા, નાડાછડી અર્પણ કરો. આ દિવસે પ્રભુને તલમાંથી બનેલી વસ્તુઓ કે તલ તથા ગોળથી બનેલ લાડુનો ભોગ લગાવો. આ દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ લાલ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. એવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
⦁ ઘી અને ગોળનો ભોગ
જો તમે ધનની ઇચ્છા રાખતા હોવ તો મંગળવાર, બુધવાર કે સંકષ્ટીના અવસરે ભગવાન ગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવો. પછી આ ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવા. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
⦁ દૂર્વા
ગણેશજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ પ્રયોગ છે દરરોજ સવારે સ્નાન પૂજા કરી ગણેશજીને 5 દૂર્વા અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઇએ. ચરણોમાં દૂર્વા ક્યારેય અર્પણ ન કરવી.
⦁ દેવા મુક્તિ અર્થે
ભગવાન ગણપતિને ગળપણ ખૂબ જ પસંદ છે. ગજાનન ખાવાના ખૂબ શોખીન છે. તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ પસંદ છે. તેમને મોદક, બેસનના લાડુ, મોતીચુરના લાડુ, ગોળ-નારિયેળની બનેલી વસ્તુઓનો પ્રસાદ અને ભોગ લગાવવામાં આવે છે.ગણેશજીને મોદક ખૂબ જ પસંદ હોવાથી મોદકનો પ્રસાદ અવશ્ય ચઢાવવો જોઇએ. મોદક ચોખાનો લોટ, ગોળ, અને નારિયેળથી બનાવવામાં આવે છે. ગણપતિજીને મોદક કે લાડુ ચઢાવવાની માન્યતા છે. કહે છે કે આ ભોગ અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.
⦁ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ અર્થે
ગણપતિની પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તે જ સમયે ગણેશજીનો મંત્ર “ૐ શ્રીગણેશાય નમઃ । મંત્રનો 108 વાર જાપ કરવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી ઉતારવી. ચંદ્રમા ઉદય થાય પછી તેમની પંચોપચાર પૂજા કરો. આ પ્રકારે વિધિવત ભગવાન શ્રીગણેશજીનું પૂજન કરવાથી માનસિક શાંતિ મળવાની સાથે તમારા ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
⦁ ધનવૃદ્ધિ તેમજ વિજય પ્રાપ્તિ અર્થે
શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર એવું પાન છે જેની પૂજાથી ગણેશજી અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવવા માટે શમીની પૂજા કરી હતી. શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પાન નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન અને સુખની વૃદ્ધિ થાય છે.
⦁ જીવનની સમસ્યાઓના નિવારણ અર્થે
જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય તો તમારે સંકષ્ટીના દિવસે હાથીને લીલો ઘાસચારો નિરવો જોઇએ અને ગણેશજીના મંદિર જઇને ભગવાન ગણેશ સમક્ષ તમારી સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવી જોઇએ. તેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ થોડા જ દિવસોમાં દૂર થઇ શકે છે.
⦁ દાનથી પુણ્યની પ્રાપ્તિ
સંકષ્ટીએ ગણેશ મંદિરમાં જઇને ભગવાનના દર્શન કરવા. ત્યારબાદ જરૂરિયાતમંદને દાન કરવું. દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રીગણેશ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે.
⦁ નકારાત્મક શક્તિના નિવારણ અર્થે
ગણેશ યંત્ર બહુ જ ચમત્કારી યંત્ર છે. સંકષ્ટીએ ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. સંકષ્ટીએ ગણેશ યંત્રની સ્થાપના અને પૂજન કરવાથી બહુ લાભ થાય છે. આ યંત્ર ઘરમાં રાખવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશી નથી શકતી.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)