Bhakti: શરદ પૂર્ણિમાએ ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ !

શરદ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓ દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ માતાને પ્રસન્ન કરતા પૂર્વે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કે આ દિવસે ભૂલથી પણ શું ન કરવું. આ દિવસે અજાણતા થયેલી ભૂલો મોટી મુસીબત સર્જી શકે છે.

Bhakti: શરદ પૂર્ણિમાએ ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ !
શરદ પૂનમે અજાણતા થયેલા ખોટા કામ દેવી લક્ષ્મીને નારાજ કરી દેશે !

શરદ પૂર્ણિમાના (Sharad Purnima) અવસરનું એક આગવું જ મહત્વ છે. એક વર્ષમાં પૂનમ તો બાર આવે છે. પરંતુ, તે સૌમાં શરદ પૂનમની મહત્તા સવિશેષ છે. આસો સુદ પૂર્ણિમા એ શરદ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. માન્યતા અનુસાર આ એ દિવસ છે કે જે દિવસે શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે વૃંદાવનમાં મહારાસ રચાવ્યો હતો. તો શરદ પૂર્ણિમાએ ચંદ્રના કિરણોમાં રાખી મૂકેલા દૂધ-પૌંઆને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાની પણ મહત્તા છે.

સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ શરદ પૂર્ણિમાએ શ્રીકૃષ્ણની, ચંદ્રમાની તેમજ માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે. એક કથા અનુસાર એ શરદ પૂર્ણિમા જ હતી કે જે દિવસે દેવી લક્ષ્મીનું સમુદ્ર મંથનમાંથી પ્રાગટ્ય થયું હતું. એટલે જ આ દિવસ લક્ષ્મીકૃપા માટે પણ શ્રેષ્ઠ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓ આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ માતાને પ્રસન્ન કરતા પૂર્વે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કે આ દિવસે ભૂલથી પણ શું ન કરવું ! કારણ કે, આ દિવસે અજાણતા થયેલી ભૂલો પણ મોટી મુસીબત સર્જી શકે છે.

આ વખતે શરદ પૂર્ણિમાની ઉજવણીને લઈને મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં 19 ઓક્ટોબર, મંગળવારના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી થશે. પરંતુ, સૂર્યોદય સમયે પૂનમ તિથિ 20 ઓક્ટોબર, બુધવારના રોજ પડી રહી છે. જે અનુસાર ગુજરાતી પંચાગ પ્રમાણે શરદ પૂનમની ઉજવણી બુધવારે કરવાની રહેશે. તો, આવો જાણીએ કે આ દિવસે ભૂલથી પણ શું ન કરવું.

વિશેષ ધ્યાન શું રાખશો ?
⦁ શરદ પૂર્ણિમા એ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અવસર છે. ત્યારે ભૂલથી પણ આ દિવસે માંસ-મદિરા ગ્રહણ ન કરવા. માન્યતા અનુસાર તેનાથી દેવી લક્ષ્મી નારાજ થશે અને જે-તે વ્યક્તિને આર્થિક સંકટમાં ફસાવાનો વારો આવી શકે છે.
⦁ શક્ય હોય તો શરદ પૂનમે કોઈની પણ પાસેથી આર્થિક લેણ-દેણ ન કરવી. તે શુભ નથી મનાતું.
⦁ શરદ પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો દાંપત્યજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
⦁ શરદ પૂર્ણિમાના દિવસે દાન કરવું ફળદાયી મનાય છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દાન સૂર્યાસ્ત પહેલાં જ થઈ જાય તે જરૂરી છે. કહે છે કે, સૂર્યાસ્ત પછી દાન કે દક્ષિણા આપવાથી ઘરમાં ગરીબી આવી શકે છે.
⦁ શક્ય હોય તો શરદ પૂનમે ગેસ પર લોઢી ન મૂકવી. એટલે કે રોટલી, ભાખરી ન બનાવવા. આ દિવસે બને તો પૂરી કે અન્ય કોઈ તળેલી વસ્તુ બનાવવી.
⦁ એક માન્યતા એવી પણ છે કે શરદ પૂર્ણિમાએ સૂર્યાસ્ત પછી મહિલાઓએ વાળમાં કાંસકો ન ફેરવવો. આ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા
આ પણ વાંચો : ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati