એક ચિત્ર તમારી ખુશીઓને દૂર કરી દેશે ! જાણી લો કયા ચિત્રો ઘરમાં ભૂલથી પણ ન રાખવા જોઈએ

એક ચિત્ર તમારી ખુશીઓને દૂર કરી દેશે ! જાણી લો કયા ચિત્રો ઘરમાં ભૂલથી પણ ન રાખવા જોઈએ
Vastu shashtra

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જંગલી પશુ-પક્ષીઓના ચિત્ર રાખવાથી તેની અસર ઘરમાં વસનારાઓના સ્વભાવ પર પડે છે. આવાં ચિત્રોથી પરિવારજનોનો સ્વભાવ પણ ઉગ્ર થાય છે. એટલે જ આ પ્રકારના ચિત્રને ઘરમાં રાખવું વર્જીત મનાય છે !

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 13, 2022 | 7:40 AM

લોકો તેમના ઘરને સુંદર ચિત્રોથી (paintings) સજાવતા હોય છે. પરંતુ, વાસ્તુશાસ્ત્રની (vastu shastra) માન્યતા અનુસાર ઘણાં એવાં ચિત્રો છે કે જે ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોના ભાગ્યોદય (Luck)આડે અવરોધો ઉભા થઈ શકે છે ! આ એવાં ચિત્રો છે કે જે ઘરમાં રહેનાર દરેક વ્યક્તિની પ્રગતિને અટકાવી દે છે. તેને લીધે પરિવાર મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે ! એટલે આવી અમુક વસ્તુઓ તેમજ ચિત્રોથી દૂર રહેવું જ ઘર માટે શુભદાયી બની રહેશે. આવો, આજે તે વિશે વિગતે માહિતી મેળવીએ.

સૂકા ઝાડ કે નિર્જન જગ્યાઓનું ચિત્ર

સૂકા ઝાડવાઓનું ચિત્ર, ઉજ્જડ પર્વત, ઉજ્જડ શહેર કે વિખરાયેલાં ઘરના ચિત્રથી ઘરને શણગારવું અશુભ મનાય છે. એટલે આવા ચિત્રોથી દૂર રહેવું જ ઘર માટે શુભદાયી બની રહેશે.

જંગલી પશુ-પક્ષીઓના ચિત્ર

માન્યતા અનુસાર ઘરમાં જંગલી પશુ-પક્ષીઓના ચિત્ર રાખવાથી તેની અસર ઘરમાં વસનારાઓના સ્વભાવ પર પડે છે. આવાં ચિત્રોથી પરિવારજનોનો સ્વભાવ પણ ઉગ્ર થાય છે. એટલે જ આ પ્રકારના ચિત્રને ઘરમાં રાખવું વર્જીત મનાય છે.

કાંટાળા છોડ

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ઘરમાં કાંટાળા છોડવા રાખવાથી જીવન પણ કંટકથી ભરેલું એટલે કે મુશ્કેલ બની જાય છે.

ફુવારાનું ચિત્ર

વાસ્તુશાસ્ત્ર મુજબ તો ઘરમાં ફુવારાનું ચિત્ર રાખવાની પણ મનાઈ છે. કહે છે કે ફુવારાનું ચિત્ર ઘરમાં રાખવાથી જેટલી ઝડપથી પૈસા ઘરમાં આવે છે તેટલી જ ઝડપથી તે ઘરમાંથી જતાં પણ રહે છે !

સમાધિસ્થળની તસવીર

કોઈ સમાધિસ્થળની તસવીર પણ ઘરને નકારાત્મક ઊર્જાથી ભરી દેતી હોવાની માન્યતા છે.

દેવી-દેવતાના ચિત્રો

કેટલાંક લોકો તેમના ઘરને દેવી-દેવતાઓની તસવીરોથી સજાવતા હોય છે. પણ યાદ રાખો, કે ઘરમાં દેવી-દેવતાઓનું પૂજાસ્થાન નિશ્ચિત જ છે. તો તે સિવાય અન્ય દિવાલો પર ભગવાનના ચિત્રો ન લગાવો. કેટલાંક લોકો ઘરમાં એક જ દેવી કે દેવતાના અનેક ચિત્રો કે તસવીરો લગાવતા હોય છે. પરંતુ, આ બાબત વાસ્તુદોષ નોતરી શકે છે. એટલે આવું ભૂલથી પણ ન કરો.

શિવજી તાંડવની મુદ્રા !

લોકો તેમના ઘરમાં નટરાજનું ચિત્ર લગાવતા હોય છે. પરંતુ, નટરાજના ચિત્રમાં શિવજી તાંડવની મુદ્રામાં નૃત્ય કરતા જોવા મળે છે. જે વિનાશનું પ્રતિક છે. અને એટલે જ તેને ઘરમાં રાખવાનો નિષેધ છે.

મહાભારતનું ચિત્ર !

મહાભારતનું ચિત્ર કુરુક્ષેત્રના ભયંકર યુદ્ધને ચરિતાર્થ કરે છે. જેની ઘરમાં હાજરી કલેશનું કારણ બની શકે છે.

ડૂબતું જહાજ

મધદરિયે ડૂબતા જહાજનું ચિત્ર પણ ઘરમાં રાખવું વર્જીત છે. માન્યતા અનુસાર તે વ્યક્તિના સૌભાગ્યને પણ ડૂબાડી દે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati