28 રાજ્યો છતાં ગુજરાત કેમ છે ઓટો કંપનીઓની પહેલી પસંદ ? છેલ્લા 15 વર્ષમાં ગુજરાત કેવી રીતે બન્યું ઓટો સેક્ટરનું હબ
દેશમાં મેન્યુફેક્ચરિંગ માટે પસંદગીના સ્થળોમાં ગુજરાત મોખરે છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતે સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ત્યારે એ જાણી લઈએ કે દરેક ઓટો કંપનીઓની પહેલી પસંદ કેમ ગુજરાત જ છે અને ગુજરાત કેવી રીતે ઓટો સેક્ટરનું હબ બનીને ઉભરી આવ્યું છે.
વર્ષ 2009માં અમદાવાદથી લગભગ 50 કિમી દૂર સાણંદમાં જ્યારે ટાટા મોટર્સે તેનો નેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો ત્યારથી ગુજરાતના ઓટો સેક્ટરે ઉડાન ભરી છે. ત્યારથી ગુજરાત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી રહ્યું છે. ત્યારે આજના આ લેખ દ્વારા અમે તમને દરેક ઓટો કંપનીઓની પહેલી પસંદ કેમ ગુજરાત જ છે અને છેલ્લા 15 વર્ષમાં ગુજરાત કેવી રીતે ઓટો સેક્ટરનું હબ બન્યું તેના વિશે માહિતી આપીશું.
દેશમાં મેન્યુફેક્ચરિંગ માટે પસંદગીના સ્થળોમાં ગુજરાત મોખરે છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતે સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. હવે ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ એક અગ્રણી ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત થવા તૈયાર છે.
ગુજરાતમાં ઓટો સેક્ટરની શરૂઆત
ગુજરાતના ઓટો સેક્ટરનું વેલ્યુએશન આજે 3 બિલિયન ડોલર છે. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગુજરાત ભારતના ઓટોમોટિવ સેક્ટરમાં નોંધપાત્ર ફાળો આપે છે. વાર્ષિક આઠ લાખથી વધુ વાહનોની નિકાસ સાથે ગુજરાત હવે ઓટોમોટિવ હબ બની ગયું માર્ગે છે. રાજ્યની આ યાત્રા વર્ષ 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે શરૂ થઈ હતી. હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યા છે.
ગુજરાતના ઓટો સેક્ટરની સફળતા
ગુજરાતમાં કાર ઉત્પાદનને 2009માં વેગ મળ્યો, જ્યારે ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળમાં જમીન વિવાદ બાદ તેની ડ્રીમ કાર નેનોના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાનું નક્કી કર્યું. તે સમયે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ટાટાનો જોરદાર વિરોધ કર્યો હતો. જેનો ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફાયદો ઉઠાવીને ટાટાને ગુજરાતમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતના ઓટોમોબાઈલ ઉદ્યોગની સફળતામાં વર્ષ 2011માં ફોર્ડ મોટર્સે સાણંદમાં તેના પ્લાન્ટમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કર્યું. જેના કારણે ગુજરાતમાં 3,000 નોકરીની તકો ઉભી થઈ. 2014માં સુઝુકી મોટર્સે રૂ. 14,784 કરોડનું મેગા યુનિટ સ્થાપ્યું, જેના કારણે 9,100 લોકોને રોજગારી મળી. જે સૌથી મોટો ભાગ ભજવે છે.
ગુજરાતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગે રાજ્યની અર્થવ્યવસ્થા પર જ છાપ છોડી નથી. પરંતુ લોકોની આર્થિક સ્થિતિને બદલવામાં પણ મદદ કરી છે. ઓટો કંપનીઓ ગુજરાતમાં આવતાં નોકરીની વધુ તકો ઉભી થઈ. આ ઉપરાંત ઘરો અને ઓફિસની જગ્યાઓની માંગમાં વધારો થતાં રિયલ એસ્ટેટ ઉધોગમાં પણ વૃદ્ધિ થઈ છે. સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાતનું ઓટો સેક્ટર એક ગેમ ચેન્જર છે, જે ગુજરાતની અર્થવ્યવસ્થાને મોટું પ્રોત્સાહન આપે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મોટો ફાયદો
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે પણ ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રને આગળ લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત વર્ષ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ સમિટ રાજ્યના સામાજિક-આર્થિક માળખાને નવો આકાર આપવા માટે મદદ કરે છે. આ સમિટના કારણે ઓટો કંપનીઓ માટે ગુજરાત રોકાણ અને ઈનોવેશન માટેનું એક પસંદગીનું સ્થળ બની ગયું છે.
ગુજરાતમાં કઈ કઈ ઓટો કંપનીઓ છે
ગુજરાતમાં ટાટા મોટર્સ નેનો, ટિયાગો અને ટિગર જેવી કારોનું ઉત્પાદન કરે છે, મારુતિ સુઝુકી દ્વારા સ્વિફ્ટ અને બલેનો કારનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, તો એમજી મોટર દ્વારા હેક્ટર, હેક્ટર પ્લસ જેવી કારોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત હોન્ડાનો ટુ-વ્હીલર પ્લાન્ટ પણ ગુજરાતમાં છે.
ગુજરાત જ કેમ ઓટો કંપનીની પહેલી પસંદ ?
ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ
ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાતની હરણફાળ માટે સરકારની નીતિઓની ભૂમિકા પણ મહત્તવપૂર્ણ છે. ગુજરાતે તેની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ઓટો સેક્ટરને લગભગ 34.7 ટકા પ્રોત્સાહનો અને સ્પેશિયલ લાભો ફાળવ્યા છે. રાજ્યની સૌથી ઓછી સરેરાશ સેટઅપ કોસ્ટ સાથે ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી રોકાણકારોને રૂ. 30,000 કરોડથી વધુનું રોકાણ કરવા આકર્ષ્યા છે, જેનાથી ગુજરાતના ઔદ્યોગિક અને ઓટો સેક્ટરને વધુ વેગ મળ્યો છે.
ઓટો પાર્ટ્સનું ઉત્પાદન
ગુજરાત પહેલાથી જ ઔદ્યોગિક રાજ્ય રહ્યું છે. રાજકોટ સહિત મોટા શહેરોમાં મોટી સંખ્યામાં ઓટો પાર્ટ્સનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કુશળ કારીગરોની ઉપલબ્ધતાને કારણે ટાટા, મારુતિ, સુઝુકી, ફોર્ડ જેવી કાર ઉત્પાદક કંપનીઓએ અહીં પ્લાન્ટ સ્થાપ્યા છે. ગુજરાતમાં ઓટોમોબાઈલ માટે ઈકો-સિસ્ટમ બનાવવામાં આવી છે અને તેના કારણે ઓટો સેક્ટરની કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે.
માલસામાન અને વાહનોનું ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સરળ
ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. તેથી ગુજરાતથી અન્ય દેશોમાં માલસામાનની હેરાફેરી કરવી સરળ છે. ગુજરાતમાં મુંદ્રા, કંડલા જેવા મોટા બંદરો આવેલા છે, જ્યાંથી ઓટો કંપનીઓ તેમનો માલસામાન અને વાહનોને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ સરળતાથી કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતથી અન્ય શહેરો માટે કનેક્ટિવિટી પણ એકદમ સરળ છે. તેથી ઓટો કંપનીઓ અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા પ્રથમ પસંદગી ઉતારે છે.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન
ગુજરાતની ઈલેક્ટ્રિક વ્હીકલની ઈકોસિસ્ટમ ઊંચી માંગ અને સરકારના સમર્થનને કારણે ઝડપથી વિસ્તરી રહી છે. 2023માં રાજ્યમાં EV વેચાણમાં પાછલા વર્ષની સરખામણીએ 28% વધારો થયો છે. હાલમાં ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ દેશમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરી રહી છે.
જેમાં ટાટાની Tigor EV તેના સાણંદ ખાતેના પ્લાન્ટમાં બનાવવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ટાટાની કાર સૌથી વધુ વેચાય છે. હાલમાં Tigor અને નેક્સોનનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાંથી Tigorનું ઉત્પાદન સાણંદના પ્લાન્ટમાં થાય છે. ત્યારે ટૂંક સમયમાં આ પ્લાન્ટમાં નેક્સોન ઇવીનું ઉત્પાદન પણ શરૂ કરશે.
આ ઉપરાંત MG મોટર્સે તાજેતરમાં તેના હાલોલ ખાતેના પ્લાન્ટમાં તેની નવી લોન્ચ કરેલ EVનું ઉત્પાદન શરૂ કર્યું છે અને રૂ. 5,000 કરોડના રોકાણ સાથે બીજા પ્લાન્ટની યોજના જાહેર કરી છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી આ વર્ષે ગુજરાતમાં તેના પ્લાન્ટમાંથી તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરવામાં આવશે.