નવી EV પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો પર 100% રોડ ટેક્સ માફ, 2-વ્હીલર પર કેટલી છૂટ ? આ યોજનાના જાણો તમામ ફાયદા
સરકાર દ્વારા 01 જુલાઈથી નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગુ કરાશે. 2-વ્હીલર, કાર અને ઈ-ઓટોની ખરીદી પર લાખો રૂપિયાની બચત કરવાની સુવર્ણ તક.

પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકાર દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી ઈવી પોલિસીને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જે આગામી 01 જુલાઈથી સમગ્ર દિલ્હીમાં લાગુ થઈ જશે. આ નવી નીતિ હેઠળ ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ઈ-ટુ-વ્હીલર, ઈ-ઓટો અને ઇલેક્ટ્રિક ટ્રક ખરીદનારાઓ માટે પણ સરકારે તગડી સબસિડી અને ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે.
ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓને લોટરી લાગી
નવી ઈવી પોલિસી અનુસાર, જે ઇલેક્ટ્રિક કારની એક્સ-શોરૂમ કિંમત 30 લાખ રૂપિયા કે તેથી ઓછી હશે, તેના પર ગ્રાહકોએ 01 રૂપિયો પણ રોડ ટેક્સ કે રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો નહીં પડે. આ નિયમને કારણે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ખર્ચ સીધો ઓછો થઈ જશે અને ગ્રાહકોને મોટો ફાયદો થશે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર વર્ષ વાઇઝ સબસિડી
સરકારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો માટે ત્રણ વર્ષના ગાળા માટે ખાસ પ્રોત્સાહન રાશિ નક્કી કરી છે:
- ઈ-ટુ-વ્હીલર (બાઇક/સ્કૂટર): ખરીદીના પ્રથમ વર્ષે 30,000 રૂપિયા, બીજા વર્ષે 20,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 10,000 રૂપિયા સુધીની સબસિડી મળશે.
- ઈ-થ્રી વ્હીલર (ઓટો): ખરીદીના પ્રથમ વર્ષે 50,000 રૂપિયા, બીજા વર્ષે 40,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 30,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
જૂની ગાડી સ્ક્રેપ કરવા પર 01 લાખનો ફાયદો
જો કોઈ વાહન માલિક પોતાનું BS-IV (બીએસ-4) કે તેનાથી પણ જૂનું ફોર-વ્હીલર વાહન સ્ક્રેપ કરીને નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશે, તો સરકાર તેને અલગથી 01 લાખ રૂપિયાનું ‘સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવ’ આપશે. આ ઉપરાંત, N1 કેટેગરીના ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર પણ 01 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાઇબ્રિડ વાહનો પર કોઈ જ સબસિડી આપવામાં આવશે નહીં.
આ તારીખોથી પેટ્રોલ-CNG વાહનોનું રજીસ્ટ્રેશન થશે બંધ
પ્રદૂષણ પર સંપૂર્ણ લગામ કસવા માટે સરકારે ભવિષ્યનો એક કડક રોડમેપ પણ તૈયાર કર્યો છે:
- 1 જાન્યુઆરી 2027 થી: દિલ્હીમાં માત્ર અને માત્ર ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાનું જ નવું રજીસ્ટ્રેશન થશે. પેટ્રોલ કે સીએનજી ઓટોનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણ બંધ કરી દેવાશે.
- 1 એપ્રિલ 2028 થી: નવા પેટ્રોલ અને સીએનજી ટુ-વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન તબક્કાવાર રીતે બંધ કરવામાં આવશે. ત્યાર બાદ માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર જ રજીસ્ટર થઈ શકશે.
4 વર્ષમાં 15,000 કરોડનું આંધણ
દિલ્હીના મુખ્યમંત્રી એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ચાર વર્ષમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને નાબૂદ કરવા માટે સરકાર 15,000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવા જઈ રહી છે. સરકારનું લક્ષ્ય 31 માર્ચ 2030 સુધીમાં દિલ્હીને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત શહેર બનાવવાનું છે. ગ્રાહકોની સુવિધા માટે સબસિડીની અરજી કરવા એક ઓનલાઈન પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
