એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, એપ્રિલથી જૂન મહિના સુધીના આગામી ત્રણ મહિના દરમિયાન મેદાની રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ સમયે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, એપ્રિલ, મે અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે. આ ત્રણ મહિના દરમિયાન ગરમીનું મોજું લગભગ 10 થી 20 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં વધુ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે, એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની સૌથી વધુ સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ સુધી ગરમીનુ મોજૂ રહેતું હોય છે, પરંતુ આ વખતે કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું બેથી આઠ દિવસ રહેવાની ધારણા છે. તો કેટલાક વિસ્તારોમાં 10થી 20 દિવસ સુધી ગરમીનું મોજૂ રહેશે. ગરમીના સમયગાળામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી, આગામી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનાર છે.
બીજીબાજુ ચિંતાજનક સમાચાર એ છે કે, અલ નીનો વર્ષની શરૂઆતથી જ નબળુ પડી ગયુ છે અને હાલમાં તે વિષુવવૃત્તમાં છે. પેસિફિક ક્ષેત્રમાં મધ્યમ અલ નીનો સ્થિતિ યથાવત છે. મોટાભાગના વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ છે. અલ નીનોની અસર આગામી સમયગાળા દરમિયાન પણ ચાલુ રહેશે. જેની અસર ભારતના વાતાવરણમાં પણ જોવા મળશે.