હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને તે ચોમાસાનો છેલ્લો મહિનો છે. જોકે, આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ફરી 25 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં ફરી એક લૉ-પ્રેશર એરિયા સર્જાઈ શકે છે. તે મહારાષ્ટ્ર પરથી ગુજરાતની પાસે આવી શકે છે. સપ્ટેમ્બરના અંતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે.પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની ટૂંક સમયમાં શરૂઆત થશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે.બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતાં 49 ટકા વધારે વરસાદ થયો છે. જેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 26 ટકા વધારે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સરેરાશ કરતાં 72 ટકા વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશની રીતે જોઈએ તો સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો છે. અહીં સરેરાશ કરતાં 241 ટકા વધારે વરસાદ થયો છે. તે બાદ પોરબંદર જિલ્લામાં સરેરાશ કરતાં 119 ટકા, કચ્છમાં સરેરાશ કરતાં 107 ટકા અને જામનગર જિલ્લામાં સરેરાશ કરતાં 91 ટકા વધારે વરસાદ થયો છે.