Gujarat Monsoon Update: ગુજરાતમાં અટકી ગયું ચોમાસું! 72 કલાકથી આગળ નથી વધ્યું, હવે ધોધમાર વરસાદ ક્યારે પડશે?
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 72 કલાકથી ચોમાસું સુરત આસપાસ સ્થિર રહ્યું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું નથી. પરિણામે અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 72 કલાકથી ચોમાસું સુરત આસપાસ સ્થિર રહ્યું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું નથી. પરિણામે અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.
આ જિલ્લાઓ સુધી જ પહોંચ્યું ચોમાસું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ચોમાસું સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. 23 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. સામાન્ય રીતે આ સમય સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે.
50 ટકા વરસાદની ઘટથી ખેડૂતો ચિંતિત
રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ અંદાજે 50 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. જૂનના અંત સુધીમાં જ્યાં ખરીફ પાકની વાવણી મોટા પ્રમાણમાં થઈ જતી હોય છે, ત્યાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો સિવાય હજુ પણ મોટા ભાગના જિલ્લામાં પૂરતી વાવણી થઈ શકી નથી.
હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ચોમાસું રાજ્યના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે. જોકે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 1 જુલાઈ બાદ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે વ્યક્ત કરી ભારે વરસાદની શક્યતા
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અલગ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણની અસરથી 30 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન
અંબાલાલ પટેલના અનુમાન મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ થઈ શકે છે. જ્યારે પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવે સૌની નજર મેઘરાજાની મહેર પર
એક તરફ હવામાન વિભાગ આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નકારી રહ્યું છે, જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલ 30 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી રહ્યા છે. હવે ખેડૂતો સહિત સમગ્ર રાજ્યની નજર મેઘરાજાની મહેર પર છે, કારણ કે વરસાદમાં વિલંબ થતાં તેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડી રહી છે.
